મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 1 મે 2015 (14:52 IST)

પતિ પાછળ સતી થવાની દાયકાઓ જૂની પરંપરા ફરી એક વખત જીવંત થઇ

રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે આવેલા ભાડેર ગામમાં રહેતા ૩૫ વર્ષના હરેશ રાબડિયાએ સુસાઇડ કર્યા પછી તેના મૃતદેહની બાજુમાં સળગી રહેલા દીવાની જ્યોતથી પોતાના શરીર પર આગ લગાડીને પતિ પાછળ સતી થવાની દાયકાઓ જૂની પરંપરાને ફરી એક વખત જીવંત કરનારી ભાવિશાના બાપુજી રમેશ ભેંસાડિયાએ ગઈ કાલે ગુજરાતભરની દીકરીઓને વિનંતી કરી કહ્યું હતું કે ‘આવી ભૂલ તમે નઈ કરતા મારા બાપલા... તમારા પતિ-પત્નીના પ્રેમની વાતો ભલે બહુ થાય, પણ પાછળ અમારા જેવા ઘરડા માબાપને જીવવું વસમું થઈ જતું હોય છે.’ગઈ કાલે ભાવિશા અને હરેશની અંતિમયાત્રા સાથે કાઢવામાં આવી હતી. આ અંતિમયાત્રાના સન્માનના ભાગરૂપે ધોરાજી તાલુકાએ બંધ પાળ્યો હતો અને વેપાર-ધંધા બંધ રાખ્યા હતા.ભાવિશા અને હરેશનાં મૅરેજને અઢી વર્ષ થયાં હતાં. તેમને માત્ર છ મહિનાનો દીકરો છે.

એકધારા કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ ગયા પછી હરેશનો મૂડ ખરાબ રહેતો હતો. બુધવારે રાતે હરેશે ઘરમાં જ લટકીને સુસાઇડ કરી લીધું હતું. આ સુસાઇડ પછી પોસ્ટમૉર્ટમ વિધિ પૂરી કરી હરેશના મૃતદેહને અંતિમવિધિ માટે ઘરે લાવવામાં આવ્યો. એ સમયે ભાવિશા અત્યંત સ્વસ્થ હતી. સ્વસ્થતા દેખાડી રહેલી ભાવિશાએ પતિની સાથે થોડી વાર એકલાં રહેવાની માગ કરતાં ઘરના સૌ સભ્યો રૂમની બહાર ગયા અને ભાવિશાએ રૂમ બંધ કરીને શરીર પર કેરોસીન છાંટીને સુસાઇડ કરી લીધું. રૂમમાંથી ચીસો સંભળાતાં હાજર રહેલા સૌએ રૂમનાં બારણાં તોડી નાખ્યાં હતાં, પણ ત્યાં સુધીમાં આગ ભાવિશાના શરીર પર ફેલાઈ ગઈ હોવાથી તેને બચાવવાનું અઘરું થયું અને ભાવિશા હૉસ્પિટલ પહોંચે એ પહેલાં જ તેનો જીવ નીકળી ગયો. ભાવિશાએ જે પગલું ભર્યું એ પતિ પ્રત્યેના પ્રેમના આવેશમાં ભર્યું હતું. ભાવિશા સતત એવું બોલ્યા કરતી હતી કે એકલા નો’તું જવાનું... આપણે સાથે મરવાનું હતું.ભાવિશા પોતાના શબ્દોને વળગી રહી અને તેણે એવું પગલું ભર્યું જેને કારણે આજે તેના છ મહિનાના દીકરા યશના માથા પરથી મમ્મી-પપ્પાની છત્રછાયા ઊઠી ગઈ.