ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 7 જુલાઈ 2016 (15:23 IST)

પશુઓને ગ્લેન્ડર રોગ લાગ્યો

ગુજરાતમાં ઘોડાઓને જીવલેણ ગ્લેન્ડર રોગ લાગુ પડ્યો છે. જેના કારણે રાજ્યમાં અત્યાર સુધી ૪૦થી વધુ ઘોડાઓને મારી નાંખવાની ફરજ પડી છે. ઉત્તરપ્રદેશથી આ રોગ આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ગ્લેન્ડર રોગમાં ઘોડાઓની શ્વાસનળી, ફેફસા અને ત્વચા અલ્સરની ઝપેટમાં આવી જાય છે. તેમજ તેમને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડવા લાગે છે.

ત્યારબાદ થોડાક દિવસોમાં જ આ ઘોડો મોતને ભેટે છે. રાજ્યના છ જિલ્લાઓ અમદાવાદ, ખેડા, પાટણ, ગિર સોમનાથ, ભાવનગર અને જામનગરમાં આ રોગ માથુ ઉચકી રહ્યો છે. આ રોગથી પીડાતા ૧૨ ઘોડા સહિત ૪૦ જેટલા પશુઓને ઈન્જેક્શન આપી મોતને ઘાટ ઉતારી દેવાયા છે. બર્ખોલ્ડીરીયા માલી નામના બેક્ટેરીયાથી ફેલાતા આ રોગનો ચેપ એક પ્રાણીથી બીજા પ્રાણીને ખૂબ જ ઝડપથી લાગે છે. પશુઓનું નાકનું પ્રવાહી પાણીમાં ભળવાથી આ પાણીને પીનારા અન્ય પશુને પણ આ રોગ લાગુ પડે છે.

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના શિયાળા ગામે છ મહિના પહેલા આ રોગનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ અત્યારે રાજ્યના છ જિલ્લામાં આ રોગ માથુ ઉચકી ચુક્યો છે. પશુરોગ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ઉત્તરપ્રદેશથી આયાત કરાતા પશુઓ મારફતે આ રોગ ગુજરાતમાં આવ્યો હોય તેવી શક્યતા છે. અત્યારે સમગ્ર રાજ્યમાંથી ચાર હજાર જેટલા પશુઓના લોહીના નમુના તપાસાયા હતા.

જે પૈકી ૪૦ પશુઓને આ ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યુ હતું.  જેના કારણે તેમને ઈન્જેક્શન આપી
મૃત્યુ આપવામાં આવ્યુ છે. તેમજ આ રોગથી અસરગ્રસ્ત છ જિલ્લામાંથી ઘોડાની આપ-લે કરવામાં પણ
પ્રતિબંધ મુકી દેવાયો છે. આ રોગમાં પશુને સખત તાવ રહે છે અને તેનો ચેપ મનુષ્યને પણ લાગે તેવી
શક્યતા છે. જેથી તેને નાથવાના પગલા લેવાઈ રહ્યા છે.