મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , બુધવાર, 1 જુલાઈ 2015 (13:46 IST)

પોલીસ કમિશનર પોલીસ વડા મળ્યા

શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝા અને રાજ્યના પોલીસ વડા (ડી.જી.) પી.સી. ઠાકુર વચ્ચેનો ગજગ્રાહ મીડિયામાં અને પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ગઇ કાલે આ બે ઉચ્ચ પોલીસ અધિકારી વચ્ચે થયેલી મુલાકાતથી કુતુહલ ફેલાયું છે. આ મુલાકાતથી બંને અધિકારીઓ વચ્ચે ચાલી રહેલી કથિત ખેંચતાણનો અંત આવશે કે કેમ તે સવાલ પણ ચર્ચાના ચકડોળે ચડ્યો છે.

શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝા ગઇકાલે અચાનક જ ડી.જી. ઓફિસ જઇ ચડ્યા હતા અને તેઓ પોલીસ વડા પી.સી. ઠાકુરને મળ્યા હતા. પોલીસ કમિશનરના ઓચિંતા આગમનથી પોલીસ બેડામાં અનેક પ્રકારની ચર્ચાઓ થઇ હતી. હકીકતમાં શિવાનંદ ઝા એક કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે ડી.જી. ઓફિસ આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આવતી કાલે ૧ જુલાઇના રોજ કોમ એખલાસ માટે શહાદત વહોરનાર વસંત રાવ અને રજબઅલીની યાદમાં તૈયાર કરવામાં આવેલા ‘બંધુત્વ સ્મારક’નું મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. રાયખડ વિસ્તારમાં આવેલી ગાયકવાડ હવેલી ખાતે યોજાનારા આ લોકાર્પણ કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝા મુખ્ય પોલીસ અધિકારી અને પોલીસ મહાનિદેશક પી.સી. ઠાકુરને મળ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર આઇપીએસ અધિકારી પી.સી. ઠાકુર જ્યારે જેલ વિભાગમાં હતા ત્યારે સાબરમતી જેલનો ચકચારી સુરંગકાંડ થયો હતો. આ પ્રકરણની તપાસ શિવાનંદ ઝાને સોંપવામાં આવી હતી. શિવાનંદ ઝાએ સુપરત કરેલા રિપોર્ટના પગલે બંને પોલીસ અધિકારીઓ વચ્ચેના સંબંધોમાં કડવાશ ફેલાઇ હોવાનું ચર્ચાય છે. ત્યારબાદ પી.સી. ઠાકુર ડી.જી. બન્યા. એક વરિષ્ઠ પોલીસ અધિકારી અને તેમના સબઓ‌િર્ડનેટ વચ્ચેના સંબંધો હોવા જોઇએ તેવા સંબંધ ઝા  અને ઠાકુર વચ્ચે ન હોવાનું પણ પોલીસ બેડામાં ચર્ચાય છે.

સામાન્ય રીતે ટોચના પોલીસ અધિકારીઓ મહત્વની મિટિંગમાં અવારનવાર મળતા હોય છે પરંતુ આ પ્રકારની વ્યક્તિગત મુલાકાત વારંવાર થતી નથી. આ કારણે પોલીસ કમિશનર અને ડીજી વચ્ચેની આ મુલાકાતથી પોલીસ બેડામાં કુતુહલ ફેલાયું છે.  આ મુલાકાતથી આ બંને અધિકારીઓ વચ્ચેના ગજગ્રાહ અને ખેંચતાણનો અંત આવશે કે કેમ તે સવાલ ચર્ચાઇ રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શિવાનંદ ઝા ગઇકાલે લોકાર્પણ કાર્યક્રમના આમંત્રણ આપવા માટે અનેક ટોચના લોકોને મળ્યા હતા. તેમણે રાજ્ય સરકારના ત્રણ પ્રધાનો, ચીફ સેક્રેટરી અને એસીએસ (હોમ)ને પણ વ્યક્તિગત મળીને નિમંત્રણ પાઠવ્યાં હતાં. આ રૂટિન ઘટનાક્રમમાં જ તેઓ ડી.જી. પી.સી. ઠાકુરને મળ્યા હતા