શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 30 ઑક્ટોબર 2014 (16:04 IST)

પોલીસ મથકોમાં આધુનિક ફિંગરપ્રિન્ટ મશીનો આપાયા

શહેર પોલીસ આધુનિક હથિયારોની સાથે નવી-નવી ટેકનોલોજીથી હાઈટેક બની રહી છે. વાહન ચોરીના ગુના શોધી કાઢવા માટે એકલવ્ય સોફ્ટવેર બનાવ્યા બાદ હવે ગુનેગારોના ગુનાહિત ઇતિહાસની ઝડપથી માહિતી મળી રહે તે માટે તમામ પોલીસ મથકોમાં આધુનિક ફિંગરપ્રિન્ટ મશીનો આપવામાં આવ્યા છે.

આ મશીનો સીધા એફએસએલ સાથે જોડાયેલા રહેશે. જેથી ગુનેગારના ફિંગરપ્રિન્ટ આ મશીન મારફતે લીધા બાદ ગણતરીના સમયમાં જ તેની તમામ માહિતી પોલીસ અધિકારી મેળવી શકશે. આ મશીનના કારણે હવે ગુનેગારોને હાથ પણ કાળા નહીં કરવા પડે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા સેતુ અંતર્ગત ઈગુજકોપથી તમામ કામ ટેકનોલોજીની મદદથી થાય છે ત્યારે એકલવ્ય સોફ્ટવેર પછી ફિંગરપ્રિન્ટ લેવાનું મશીન પણ વસાવી લેવાયા છે અને તે સીધા એફએસએલ સાથે જોડાયેલા રહેશે. ફિંગરપ્રિન્ટ મશીનમાં આવે તે તરત જ સ્કેન થઈને એફએસએલમાં જશે અને ત્યાંનો રેકર્ડ અધિકારી ચેક કરી તેના દ્વારા ફિંગરપ્રિન્ટ જેના લેવાયા છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તેની માહિતી ઓનલાઈન પોલીસ અધિકારીને પહોંચાડાશે. શહેરના કેટલાક પોલીસ મથકોમાં આવા મશીનો મૂકી દેવાયા છે.

આ મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈને આપવામાં આવી રહી છે. આગામી દિવસોમાં શહેરના તમામ પોલીસ મથકોમાં આ મશીન કાર્યરત કરી દેવામાં આવશે. જેથી હવે પોલીસને જે તે વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની માહિતી મેળવવા ૧૫ દિવસ સુધી રાહ જોવી નહીં પડે.