ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 29 જાન્યુઆરી 2015 (18:23 IST)

પોલીસ સ્ટેશન બાદ ધારાસભ્યોમાં પણ હદની બબાલ

સુરત પાલિકાના એક બ્રિજની ઉદ્દઘાટન વિધીમાં વિધાનસભાની હદની લડાઈમાં રાતોરાત બ્રિજની તખ્તી બદલવી પડી હતી. એક બ્રિજના બે છેડા પર જુદા જુદા વિધાનસભાની હદ લાગતી હોવાની વાતથી અજાણ મહાપાલિકાએ તખ્તી બદલી છતાં પણ એક ધારાસભ્યનું નામ લખવાનું ચુકી ગઈ હતી. પાલિકાએ રાતોરાત બ્રિજની તખ્તી બદલી હોવા છતાં પણ ઉતાવળમાં ભુલ રહી ગઈ હતી. આજના આ બનાવના કારણે સુરતના રાજકારણમાં પણ હદના મુદ્દે બબાલના શ્રીગણેશ થઈ ગયાં છે.
સુરત સહિત સમગ્ર દેશમાં ગુનો બને કે કોઈ અજાણી લાશ બે પોલીસ મથકની હદની વચ્ચેથી મળે તો ગુનો નોંધવા માટે હદ નક્કી કરવામાં બે પોલીસ મથકો વચ્ચે થતી લડાઈ જગ જાહેર છે. પોતાના પોલીસ મથકમાં ગુનો ન બન્યો હોવાથી ન નોંઘવા માટે ઘણી વખત માથાઝીક થાય છે. આવી જ રીતે ગુજરાત પોલીસ કે રેલ્વે પોલીસમાં પણ હદના મુદ્દે અનેક વખત બબાલ બહાર આવી છે. પરંતુ પહેલી વખત રાજકારણમાં પણ ધારાસભાની હદના મુદ્દેની બબાલ સુરત પાલિકામાં બહાર આવી છે.
સુરત પાલિકાના મીડલ રીંગરોડને લાગુ સહજાનંદ સોસાયટી નજીક ખાડી પર બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજના લોકાપર્ણની વિધી આજે પાલિકા દ્વારા રાખવામાં આવી હતી. આ બ્રિજનો એક છેડો કરંજ વિધાનસભામાં લાગતો હોવાથી પાલિકાએ પહેલાં ઉદ્દઘાટનની તખ્તી પર ધારાસભ્ય તરીકે જનક બગદાણાવાળાનું નામ લખ્યું હતું. પરંતુ બ્રિજનો બીજો છેડો કામરેજ વિધાનસભામાં લાગતો હોવાથી કામરેજના ધારાસભ્યના ગુ્રપ દ્વારા તખ્તી પર કામરેજના ધારાસભ્યનું નામ ન હોવાથી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

આ વિરોધ અંગે પાલિકાને જાણ થતાં પાલિકાએ રાતોરાત તખ્તી બદલાવીને કામરેજના ધારાસભ્ય તરીકે પ્રફુલ્લ પાનશેરીયાનું નામ લખ્યું હતું. રાતોરાત તખ્તી બદલાવીને નવી તખ્તી તો પાલિકાએ મુકી દીધી હતી. છતાં પણ ધારાસભ્યના નામ લખવામાં પાલિકા તંત્ર ગોથા ખાઈ ગયું હતું. બ્રિજના એક છેડાનો એપ્રોચ કામરેજ વિધાનસભા તો બીજી તરફનો એપ્રોચ કરંજ વિધાનસભામાં પડતો હોવાથી બન્ને ધારાસભ્યના નામ જરૃરી હતા. પરંતુ એક ધારાસભ્યનું નામ કાઢીને બીજા ધારાસભ્યનું નામ લખાતા વિવાદ ઉભો થયો છે.
હવે આગામી દિવસોમાં પાલિકાએ આવા કાર્યક્રમો રાખવા પહેલાં પ્રોજેક્ટની હદ કઈ વિધાનસભામાં આવે છે તેનું સચોટ ધ્યાન રાખવું પડશે તે નક્કી છે.