ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 24 નવેમ્બર 2014 (14:12 IST)

પ્રમુખસ્વામીનો 29 નવેમ્બરે જન્મદિવસ, ભક્તો છ દિવસ સુધી દિવાળી જેવી ઉજવણી કરશે

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ્રમુખસ્વામી મહારાજ ૨૯ નવેમ્બરે ૯૩ વર્ષ પૂરાં કરીને ૯૪મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે અમદાવાદના સત્સંગ મંડળ દ્વારા બાપાના બર્થ-ડેને લઈને અમદાવાદના હજારો હરિભક્તો તેમના ઘરે છ દિવસ દરમ્યાન દિવાળી પર્વ જેવી ઉજવણી કરશે.

અમદાવાદમાં આવેલા શાહીબાગ મંદિરના સાધુ બ્રહ્મપ્રકાશદાસે કહ્યું હતું કે ‘પ્રમુખસ્વામી મહારાજનો જન્મદિવસ ૨૯-૧૧-૨૦૧૪ના રોજ છે, પરંતુ અમદાવાદના સત્સંગ મંડળે એક અઠવાડિયા સુધી બાપાની જન્મજયંતી ઊજવવાનું નક્કી કર્યું છે અને આજથી હરિભક્તોના ઘરે-ઘરે પ્રમુખ પર્વ ઊજવવામાં આવશે. હરિભક્તો દિવાળીની જેમ તેમના ઘરે દીવા કરશે અને સાથિયા કરીને ઘરને સજાવશે. પ્રમુખસ્વામીની જન્મજયંતીની ઉજવણી પ્રસંગે આજે શાહીબાગના મંદિરમાં મહંત સ્વામીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.’

છ દિવસને જુદા-જુદા દિવસ તરીકે ઓળખવામાં આવશે જેમાં પહેલો દિવસ ધર્મ દિન, બીજો દિવસ જ્ઞાન દિન, ત્રીજો ભક્તિ દિન, ચોથો વૈરાગ્ય દિન, પાંચમો મહિમા દિન અને છઠ્ઠો ગુરુભક્તિ દિન તરીકે હરિભક્તો ઊજવશે. આ દરમ્યાન જુદા-જુદા દિવસોએ હરિભક્તો સ્વામીના જીવન વિશેનાં પુસ્તકો વાંચશે, બહારની ખાણી–પીણીનો ત્યાગ કરશે, સ્વામીના સ્વાસ્થ્ય માટે નિત્ય નિયમ કરતાં પાંચ માળા, પાંચ પ્રદક્ષિણા અને પાંચ દંડવત્ વધુ કરશે અને એક ટંક ભોજનનો ત્યાગ કરશે.