બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 18 જુલાઈ 2014 (15:09 IST)

પ્રવાસીઓને આકર્ષવા ગુજરાતનાં દરિયા કિનારાઓનો ગોવાની જેમ વિકાસ કરાશે

રાજ્યમાં આવેલા પ્રવાસન સ્થળોએ પાયાની અને માળખાગત સુવિધાઓને કારણે દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકિનારાએ કોસ્ટલ ટુરિઝમ વિકાસની વિપુલ તકો ઉપલબ્ધ છે ત્યારે પ્રવાસન ક્ષેત્રે કોસ્ટલ ટુરિઝમના વિકાસ માટે મુખ્યત્વે ગોપનાથ, પોરબંદર, ડુમ્મસ, સિક્કા, તિથલ, નારગોલ ખાતે અંદાજે રૂ. ૨૫ કરોડના ખર્ચે સર્વાંગી વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે.

સાપુતારાના ભરપૂર કુદરતી સૌંદર્યને માણવા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ત્યારે સાપુતારાના વિકાસ માટે રૂ. ૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના ઈકો ટુરિઝમ સ્થળો અને ડેમ સાઈટો વેળાવદર, એન્જીલા બજાણા, કીલાદ-મહાલ, ઉકાઈ ડેમ, કડાણા ડેમ, ધરોઈ ડેમ ખાતે પર્યાવરણને અનુરૂપ પ્રવાસનના વિકાસ માટે રૂ. ૮૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વડોદરા ખાતે રૂ. ૫૦ કરોડના ખર્ચે વિશ્ર્વકક્ષાનું ક્ધવેશન સેન્ટર ઊભું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશના મેળાવડા, વાણિજયક પ્રવૃત્તિઓનું આયોજન છે.

રાજ્યના સોમનાથ, સરખેજ રોજા (અમદાવાદ), ચાંપાનેર-પાવાગઢ ધાર્મિક પ્રવાસી સ્થળોએ સંસ્કૃતિની ઝાંખી દર્શાવતું કાયમી પ્રદર્શન અંદાજે રૂ. ૧૫ કરોડના ખર્ચે ઊભું કરવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.

રાજ્યના વિવિધ ૧૫ સ્થળે આઈ.ઓ.સી.એલ. આઉટલેટ પર નિગમ દ્વારા રૂ. ૧૫ કરોડના ખર્ચે પાયાની અને આંતરમાળખાકીય સુવિધાઓ, પાર્કિંગ અને પાથવે ડેવલોપમેન્ટ, રેસ્ટ એરિયા જેવી સુવિધા ઊભી કરવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું. ગુજરાતમાં સૌ પ્રથમવાર સિવિલ એવિયેશન દ્વારા એર-શોનું આયોજન કરવામાં આવશે. આ માટે બજેટમાં રૂ. એક કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં નાનાં નાનાં શહેરોને હવાઈ સેવા પૂરી પાડવા માટે વર્ષ ૨૦૧૪-૧૫માં બજેટમાં રૂ. ૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં અંકલેશ્ર્વર, પાલિતાણા અને મોરબીમાં એરસ્ટ્રીપ વિકસાવવા માટે બજેટમાં રૂ. ૧૨૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દ્વારકા અને અંબાજીમાં એરસ્ટ્રીપ માટે ખાનગી સંસ્થા મારફતે જમીન સંપાદન કરવા માટે બજેટમાં રૂ. ૧૮ કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાની માહિતી પ્રવાસન પ્રધાને આપી હતી.