શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 29 જૂન 2015 (14:58 IST)

ફતેપુરામાં વારંવાર થતાં તોફાનો

ફતેપુરામાં વારંવાર થતાં તોફાનો મકાનનો અટવાયેલો સોદો જવાબદાર હોવાનું મનાય છે. આ સોદાની આડે મંદિર હોવાનું મનાઇ રહયું છે. આ અંગે ગુપ્ત રીપોર્ટ રાજયના ટોચના અધિકારીને અપાયો હોવાનું જાણવા મળે છે.થોડાંક દિવસો પહેલા ફતેપુરા વિસ્તારમાં રાતના સમયે બે જૂથો સામે સામે આવી જતાં કોમી છમકલું થયું હતું. જેના પગલે શહેર પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવી અનેક લોકોની ધરપકડ કરી હતી.

આ ઘટનાને પગલે રાજયના અધિક પોલીસ વડા પાંડે પણ વડોદરા દોડી આવ્યા હતા. તેમણે ફતેપુરામાં જઇ જાતે પણ તપાસ કરી હતી. ત્યારે તેમણે 'વેબદુનિયા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું ગુપ્ત રીપોર્ટ ડીજીપીને આપીશ.આ ઘટનામાં રાજયના ગુપ્તચર વિભાગે પણ તપાસ કરી રીપોર્ટ આપ્યો હતો. ગુપ્તચર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ફતેપુરા વિસ્તારમાં આવેલ એક મકાન છે. આ મકાનનો સોદો ચાલે છે.

આ મકાન લઘુમતી કોમનો રહીશ ખરીદવા માંગે છે. મકાનની નજીક મંદિર છે એટલે મકાન માલિકને માત્ર રૂ.દશેક લાખ મળે તેમ છે જો મંદિર હટાવી લેવાય તો મકાન માલિકને તેની બેવડી કિંમત રૂ.૨૦ લાખ મળે તેમ છે. જેથી એમ મનાય છે કે ખરીદનાર અને વેચનાર બંનેને આ મંદિર હટાવવામાં રસ હોય તેવું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

સૂત્રો ઉમેરે છે કે ૧૯૯૨માં બાબરી મસ્જીદ ધ્વંસ થઇ અને ૨૦૦૨માં ગોધરાકાંડ પછી તોફાનો થયા પરંતુ સરસીયા તળાવ નજીકના એકેય મંદિર પર હુમલો થયો નથી તો પછી ફતેપુરાના મંદિર પર જ કેમ હુમલો થાય છે આવા સવાલ સાથે તપાસ કરવામાં આવી હતી. જે બાબતે કેટલાક તથ્યો બહાર આવ્યા છે જે ઉપલા લેવલે મોકલી આપવામાં આવ્યા છે.

આ મંદિરને હટાવવા મકાન માલિક સહિત વિસ્તારના તમામ જૂથોને રસ હોવાનું પણ રીપોર્ટમાં દર્શાવાયું છે એમ કહેવાય છે કે આ રીપોર્ટ સિવાયની પણ અનેક સ્ફોટક બાબતો રીપોર્ટમાં દર્શાવાઇ છે. આ રીપોર્ટના આધારે રાજય સરકાર અને પોલીસ હવે કડક પગલાં ભરશે એમ મનાઇ રહયું છે. ફતેપુરામાં વારંવાર તોફાનો થાય છે તે અંગે હજુ પણ વધુ તપાસ થઇ રહી છે.