શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , મંગળવાર, 28 જુલાઈ 2015 (15:13 IST)

બે માળનું મકાન ધરાશાયી

ગઈ કાલથી રાજ્યમાં અવિરત રીતે વરસાદ વરસી રહ્યો છે. ગત મોડી રાત્રે વિરમગામ તાલુકાના દેત્રોજ ગામમાં આવેલા ઠાકોરવાસમાં બે માળનું મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

ગઈ રાત્રે ૧૨-૩૦ વાગ્યાની આસપાસ વિરમગામ તાલુકાના દેત્રોજ ગામમાં ઠાકોરવાસમાં આવેલું બે માળનું મકાન અચાનક ધરાશાયી થયું હતું.  આ મકાનમાં નવથી દસ લોકો રહેતા હતા. નીચે રહેતા ચાર સભ્યો મકાન ધ્રૂજતાં બહાર નીકળી ગયા હતા, પરંતુ ઉપર રહેતા પાંચ લોકો બહાર નીકળે તે પહેલાં જ મકાન ધરાશાયી થયું હતું. મકાનના કાટમાળ નીચે દટાઈ જવાથી બે બાળકો અને એક મહિલા સહિત ત્રણનાં મોત નીપજ્યાં હતાં.

દેત્રોજ પી.એસ.આઈ. બી.જી. પરમારે જણાવ્યું હતું કે મકાન ધરાશાયી થયું હોવાની જાણ થતાં અમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ અંગે ફાયરબ્રિગેડ તેમજ ડિઝાસ્ટર ટીમને જાણ કરવામાં આવી હતી, પરંતુ અમારી પાસે માણસો નથી તેમ કહી ટાળી દીધું હતું. જેથી ખાનગી જેસીબી મંગાવી કાટમાળ ખસેડી ઈજાગ્રસ્તોનો  બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ મોકલી અને ત્રણેય મૃતકોની લાશને પી.એમ. માટે મોકલી આપી હતી.