ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 22 ઑગસ્ટ 2015 (12:58 IST)

ભાજપની બે સરકારો સામે ભષ્ટાચારના આક્ષેપો

ગાંધીનગરની સ્પેશિયલ એન્ટી-કરપ્શન કોર્ટે રૂા. 440 કરોડના ફિશરીઝ કૌભાંડમાં ગુજરાતના ઘાસચારામંત્રી પુરુષોત્તમ સોલંકી, પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી અને પાંચ નિવૃત્ત અમલદારો સામે ગુનાહિત કાર્યવાહી આગળ ચલાવવાનો આદેશ જારી કર્યો છે. 2008માં 58 તળાવો માટેનો માછીમારીનો કોન્ટ્રાક્ટ આપખુદીથી આપી દેવાનો આરોપ એક બિઝનેશમેન ઈશાક મરાડિયાએ સોલંકી અને અન્યો સામે કર્યો હતો જેની ફરિયાદને આધારે કોર્ટે ઉપરોક્ત આદેશ આપ્યો હતો.

પોલીસે આ કેસમાં તપાસ કરી હતી અને મે 2014માં તપાસ હેવાલને તથા મરાડિયાએ પ્રસ્તુત કરેલી વિગતોને આધારે મહિલા એડિશનલ સેશન્સ જજ રિઝવાના ઘોઘારીએ મુકદ્દમો ચલાવવા માટે પર્યાપ્ત ભૂમિકા છે એવું તારણ કાઢ્યું હતું. તેમણે કોર્ટ રજિસ્ટ્રી અને ક્રિમિનલ બ્રાંચને પ્રિવેન્સન ઑફ કરપ્શન એક્ટની જોગવાઈ હેઠળ સાત આરોપીઓ સામે કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો.

ફિશરીઝ એન્ડ કો-ઓપરેટીવ્સ ડિપાર્ટમેન્ટના તત્કાલિન સેક્રેટરી અરૂણ સુતરિયા અને પૂર્વ ડેપ્યુટી સેક્રેટરી વિક્ટર ખરાદી નામના બે અમલદારોની પણ તેમાં સંડોવણી છે. ફરિયાદીના વકીલ વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે મરાડિયાએ 2008માં ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવતા આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકારના 2004માં બનાવેલા નિયમોનું પાલન નહીં કરીને માછીમારીનો ઈજારો અમુક જૂથોને આપી દેવામાં આવ્યો હતો. ખાનગી પાર્ટીને ઈજારો આપતા પહેલાં ડિપાર્ટમેન્ટે નિવિદાઓ બહાર પાડવી ફરજિયાત છે. હાઈકોર્ટે સોલંકી દ્વારા ઈજારા આપવામાં ખરેખર ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનું કહ્યું હતું અને ઈજારાઓ રદ કરી નાંખ્યા હતા.
હાઈકોર્ટના આદેશ બાદ મરાડિયાએ ભ્રષ્ટાચારના આરોપો માટે સોલંકી અને સંઘાણી સામે ગુનાહિત પ્રક્રિયાઓ ચાલુ કરવા ટ્રાયલ કોર્ટમાં ઘા નાંખી હતી, પરંતુ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની રાજ્ય સરકારે પ્રક્રિયા અંગેની પરવાનગી આપવાનો ઈનકાર કર્યો હતો જેને પગલે, મરાડિયાએ ફરીથી હાઈકોર્ટને સંપર્ક સાધ્યો હતો.