ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 26 ફેબ્રુઆરી 2015 (15:36 IST)

ભાજપમાં જેને સંગઠનમાં સ્થાન મળશે તે ચૂંટણીઓ નહીં લડી શકે

દિલ્હીમાં ધાર્યાબાર આવેલા પરિણામ કે વધુ પડતા આત્મવિશ્વાસથી આંચકો ખાનાર સત્તાધારી ભાજપ હવે રાજ્યસ્તરે મહાપાલિકાઓ કે આવી સ્વરાજ્ય ચૂંટણીઓમાં હવે દિલ્હીવાળી ન થાય તે માટે ચાલુ વર્ષે ગુજરાતમાં આવનારી મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં પાણી પહેલા પાળ બાંધી કાર્યકરો, અગ્રણીઓને સાચવી લેવા માટે હવે એક વ્યક્તિ એક હોદાનો તખ્તો ઘડાઈ રહ્યો છે. ભાજપમાં હવે જેને સંગઠનમાં હોદો મળશે તેની ટિકિટથી હાથ ધોવા પડશે. અથવા તો સત્તામાં આવનારાએ પક્ષમાં કોઈ હોદો નહીં મળે.

ભાજપમાં સત્તા અને સંગઠન બંનેમાં સંકળાયેલા આધારભુત સુત્રોમાંથી મળેલી માહિતી મુજબ ચાલુ વર્ષને સંગઠન પર્વ તરીકે ઉજવી રહ્યું છે. હાલમાં સભ્ય નોંધણીની દેશ વ્યાપી ઝુંબેશ ચાલી રહી છે. સામાન્ય સભ્ય બાદ સક્રિય સભ્ય અને બાદમાં બુથ સમિતિઓ રચાશે. માર્ચના અંત સુધીમાં ભાજપ સંગઠનના હોદાઓની ફાળવણી કરવામાં આવશે. જેમાં વોર્ડ પ્રમુખ, મંત્રીથી લઈ શહેર તાલુકા, ગ્રામ્ય લેવલે પણ પ્રમુખ, મંત્રીઓ અન્ય હોદાદારો તેમજ વિવિધ સેલના હોદાઓની સબંધીતોને જવાબદારી સોંપાશે.

આવનારી મહાપાલિકાઓની ચુંટણીઓને ધ્યાને લઈને અત્યારથી ગોઠવણોનો દોર શરૃ કરી દેવાયો છે. ભાજપમાં ઉચ્ચ સ્તરીય રીતે ચાલી રહેલી ગોઠવણમાં એક વ્યક્તિ એક હોદાના મુજબ સત્તા એટલે કે, ઓક્ટોબર માસમાં આવી રહેલી કોર્પોરેટરોની ચૂંટણી પૂર્વે માર્ચ કે, એપ્રિલમાં ભાજપના સંગઠનમાં નિમણૂકો કરાશે. એક વ્યક્તિ એક હોદા હેઠળ સીધો અર્થ એ નીકળશે કે, જે વ્યક્તિને પક્ષમાં સંગઠનમાં હોદાની ફાળવણી થશે તેને સંભવત કોર્પોરેટર બનવાના સ્વપ્નાથી હાથ ધોવા પડશે. આવી સ્થિતિ સર્જાશે તો જે ટિકિટની લાઈનમાં છે તેઓ પક્ષની સંગઠનની જવાબદારી સ્વીકારવાના આનાકાની કરશે અથવા તો કોઈ જવાબદારી જ ન મળે તે માટે પોતાના જોર મુજબના અંકોડા ગોઠવશે.

રાજકોટ શહેરમાં નવા સિમાંકન મુજબ ૨૩ વોર્ડ ઘટીને ૧૮ થયા કોર્પોરેટરો ૬૯ના બદલે ત્રણ વધ્યા આંકડો ૭૨નો થયો જેમાં ૫૦ ટકા મહિલા અનામત થતાં ૩૬ તો મહિલાઓ જ આવશે. હાલ ભાજપમાં ૪૪ જેન્ટસ કોર્પોરેટર છે. બે વિસ્તાર કોઠારીયા અને વાવડી ગ્રામ્ય પંચાયતનો નવો સમાવેશ થતાં ત્યાંના બે સ્થાનિક ઉમેદવાર પણ લેવા પડે, જો આ દ્રષ્ટીએ ગોઠવણ કરે તો તો હાલના ૩૪નો જ સમાવેશ થાય અન્ય લટકી પડે. જો રિપીટ થીયરી અપનાવાય તો ગત વર્ષે ટિકિટમાંથી કપાયેલા અને અન્ય લડવા ઈચ્છુક હોદોદારો, અગ્રણીઓમાં ભંયકર નારાજી ઉભી થાય. હવેના સમય મુજબ કોઈની નારાજગી પણ પક્ષને પાલવે તેમ નથી. અત્યારે શહેરમાં ઘણા એવા કોર્પોરેટર છે કે, જેઓની પાસે પક્ષનો પણ હોદો છે. શહેર પ્રમુખ વસોયા ખુદ કોર્પોરેટર છે. ત્રણેય મહામંત્રીઓ પણ નગરસેવકો છે. અન્ય નગરસેવકો પાસે પણ પાર્ટીના હોદાઓ છે. એક જ વ્યક્તિને બે કે તેથી વધુ જવાબદારી, હોદાઓના કારણે અન્યોને અન્યાય સહન થતો હોય તેવો ગણગણાટ તો ચાલતો જ હતો. જે તે સમયે આ વાતને અવણગાઈ હતી પરંતુ હવે દિલ્હીમાં પલ્ટાયેલા વાતાવરણથી હવે ભાજપ સ્ટેટેજી બદલીને બધાને સાચવવા માટે એક વ્યકિતને એક જ હોદો ફાળવશે તેવી ગોઠવણ ચાલી રહી છે.