શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 26 ઑગસ્ટ 2014 (14:00 IST)

ભોળાનાથ રામભરોસે!?

ઝેડ પ્લસ સિક્યુરિટી ધરાવતા સોમનાથ મહાદેવના મંદિરની સુરક્ષા રામભરોસે છે. આ અમે નથી કહી રહ્યા. સોમવારે બનેલા બનાવે આ સાબિત કરી દીધું છે. જ્યાં નાળીયર અને કમરપટ્ટો પણ લઇ જવાની મનાઇ છે ત્યાં લોકો મોબાઇલ અને થેલા સાથે ઘૂસી ગયા. અને મંદિરની ઝેડ પ્લસ સુરક્ષાના દાવાની પોલ ખોલી નાંખી.

શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ બન્ને એક જ દિવસે આવ્યા હોવાથી સોમનાથ મહાદેવના દર્શન કરવા શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડયું. અને મંદિરની સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં પોલીસ નિષ્ફળ ગઇ. આમ તો મંદિરમાં મોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ, કમરપટ્ટો અને નાળિયર લઇ જવા પર પ્રતિબંધ છે. પરંતુ ભારે ભીડના કારણે દ્રશ્યો તો એવા સર્જાયા કે મંદિર પરિસરમાં લોકો ખુલ્લેઆમ મોબાઇલ લઇને ફરતા દેખાયા. કેટલાકે મોબાઇલમાં શુટીંગ કરવાની મજા માણી તો કેટલાકે બિન્દાસ્ત બની પરિસરમાં વાતો પણ કરી. ખુદ એક શ્રદ્ધાળુએ મોબાઇલ સાથે ઘૂસ્યાનો અને મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં ચૂક થઇ હોવાનો એકરાર કર્યો.

શ્રદ્ધાળુઓની ઉમટેલી ભીડમાં કેટલાક શ્રદ્ધાળુઓ એવા પણ હતા કે જેણે મીડિયા સાથે પણ ગેર વર્તણુંક કરી. જ્યારે આ અંગે સોમનાથ ટ્રસ્ટના સુરક્ષા અધિકારીને જાણ કરાઇ તો તેમણે પણ ગેરકાયદેસર રીતે ઘૂસેલા યાત્રાળુઓને કશું કહેવાને બદલે મુંગા મોઢે ચાલતી પકડી. ઠીક આ જ રીતે ગીર-સોમનાથના જિલ્લા કલેક્ટરે પણ આ અંગે કશું ન કહેવાનું મુનાસીબ માન્યું. જો કે ભાજપના પ્રદેશ પ્રવક્તા વિજય રૂપાણીએ આ બાબતે સંબંધિત તંત્રનું ધ્યાન દોરવાની ખાતરી આપી હતી.

સુરક્ષા વ્યવસ્થામાં રહેલી આ ગંભીર ખામીએ કેટલાક સવાલો પેદા કર્યા છે. જો શ્રદ્ધાળુના રૂપમાં આતંકવાદી મંદિરમાં ઘૂસી ગયા હોત તો? સુરક્ષામાં રહેલા છીંડા માટે કોણ જવાબદાર? ધ્યાન દોરવા છતાં તંત્રએ યોગ્ય પગલાં શા માટે ન લીધા? શું માત્ર ઝેડ પ્લસ સુરક્ષા એવું નામ આપી દેવાથી મંદિરની સુરક્ષા થશે?