બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By અમદાવાદ:|
Last Modified: શનિવાર, 28 નવેમ્બર 2015 (15:02 IST)

મહિલા ક્રાઈમ બ્રાન્ચ વિરૂદ્ધ માનવ અધિકાર તથા મહિલા પંચમાં ફરિયાદ

બળાત્કારના કેસમાં તપાસ રિપોર્ટને અમદાવાદની સેશન્સ કોર્ટના જજ સમક્ષ રજૂ ન કરાતાં ભોગ બનનાર મહિલાએ રાજ્ય માનવ અધિકાર પંચ, રાજ્ય મહિલા પંચ સમક્ષ મહિલા ક્રાઈમ બ્રાન્ચ અને સરકારી વકીલ સામે ફરિયાદ કરી છે. બંને પંચ દ્વારા અા મામલે મહિલા ક્રાઈમ બ્રાન્ચ અને મુખ્ય સરકારી વકીલને ખુલાસો કરવા અાદેશ કર્યો છે.

રામોલ પોલીસ સ્ટેશનમાં તારીખ 16-12-2008ના રોજ કમલાબહેને (નામ બદલેલ છે) તેમના જેઠ વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમના જેઠ હર્ષદભાઇએ અમદાવાદ, મહેસાણા દિલ્હી તથા હરિદ્વારમાં તેમના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે ફરિયાદમાં રામોલ પોલીસે હરિદ્વાર તથા દિલ્હીનો કોઇ ઉલ્લેખ કર્યો ન હતો. પોલીસે આરોપી હર્ષદની ધરપકડ કરીને તેની વિરુદ્ધમાં 23-3-2009ના રોજ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી.
પોલીસે નોંધેલી અધૂરી ફરિયાદના મુદ્દે કમલાબહેને મહિલા પંચ તથા માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરી હતી. શહેર પોલીસ કમિશનરે આ કેસની તપાસ રામોલ પોલીસ પાસેથી આંચકી લઇને મહિલા ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી મહિલા ક્રાઈમ બ્રાન્ચે હરિદ્વાર તથા દિલ્હી જઇને તપાસ કરી જુલાઇ 2009માં તપાસ રિપોર્ટ (પુરવણી ચાર્જશીટ) તૈયાર કર્યો હતો. આ કેસના સરકારી વકીલ ભરત પટણીએ તપાસ રિપોર્ટ જ્જ સમક્ષ રજૂ ન કરતાં આરોપી હર્ષદે સેશન્સ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી ફાઇલ હતી. ડિસ્ચાર્જ અરજીને સેશન્સ કોર્ટે ફગાવી હતી.

સેશન્સ કોર્ટના આ ચુકાદાને હર્ષદે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે ડિસ્ચાર્જ અરજીનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી કેસની ટ્રાયલ ચલાવવા મુદ્દે સ્ટે આપ્યો છે અને અરજી ઉપર વધુ સુનવણી 3જી ડિસેમ્બરના રોજ મુલતવી રાખી છે. આ મુદ્દે મહિલા ક્રાઈમ બ્રાન્ચના એસીપી પન્ના મોમાઇ જણાવ્યું છે કે કમલાબહેને કરેલી ફરિયાદમાં અમે તપાસ પૂરી કરીને તપાસ રિપોર્ટ કોર્ટમાં સબમિટ કરાવી દીધો હતો.

જ્યારે સરકારી વકીલ ભરત પટણીના જણાવ્યા અનુસાર મહિલા ક્રાઇમ બ્રાંચે તપાસ રિપોર્ટ જ્જ સમક્ષ સબમિટ કરાવ્યો નથી. ભોગ બનનાર મહિલાએ માનવ અધિકાર પંચમાં તપાસ રિપોર્ટ સબમિટ ન કરવાના મુદ્દે અરજી કરતાં મહિલા ક્રાઇમ બ્રાંચે તેમનો લેખિતમાં ખુલાસો શહેર પોલીસ કમિશનર સમક્ષ કરી દીધો છે.

અા મુદ્દે મુખ્ય સરકારી વકીલ સુધીર ભ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે સરકારી વકીલ ભરત પટણી વિરુદ્ધમાં ભોગ બનનાર મહિલાએ માનવ અધિકાર પંચ અને મહિલા પંચમાં ફરિયાદ કરી છે. કોર્ટમાં તમામ દસ્તાવેજો સરકારી વકીલે જજ સમક્ષ રજૂ કરવાના હોય છે.