શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (11:08 IST)

માદક દ્રવ્યો સાથે બે કોન્સ્ટેબલ પકડાયા

માદક પદાર્થોનો વેપાર કરતાં બે પોલીસ કોન્સ્ટેબલ સહિત ચાર વ્યકિતઓને ત્રાસવાદ વિરોધી દળે પકડી પાડ્યા છે. એટીએસે તેમની પાસેથી 623 ગ્રામ ચરસનો તથા 25 ગ્રામ બ્રાઊનસુગરનો જથ્થો કબ્જે કર્યો છે.

ઘટનાની વિગતે માહિતી એવી છે કે, ત્રાસવાદ વિરોધી દળના પીઆઈ એસ.એમ. સૈયદે બાતમીના આધારે દાણીલીમડા વિસ્તારમાં ચરસનો ધંધો કરતા યુસુફ શેખને પકડી પાડ્યો હતો. એટીએસે તેની સઘન પૂછપરછ કરતાં તેને ચરસનો જથ્થો નરોડા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ગંભીરસિંહ ખુટ પાસેથી ખરીદતો હોવાનું જણાવ્યું હતું.

બાદમાં એટીએસે ગંભીરસિંહ ખુટની ધરપકડ કરી હતી. ગંભીરસિંહની સઘન પૂછપરછ કરતાં તેણે કબુલ્યું હતું કે, તે આ જથ્થો તેના મિત્ર અને મોડાસામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં વિનોદ પગી પાસેથી ખરીદ્યો હતો.

એટીએસે વિનોદ પગીને પકડી તેની પણ કડક પૂછપરછ કરી હતી. જેમાં રાણીપ છગનજીના ટેકરા ખાતે રહેતી શરીફા બીબીનું નામ બહાર આવ્યું હતું. એટીએસે શરીફાબીબીના ઘરે રેડ કરતા 25 ગ્રામ બ્રાઊનસુગરનો જથ્થો મળી આવ્યો હતો. એટીએસે તેની પણ ધરપકડ કરી હતી. આ અંગે એટીએસ વધુ તપાસ ચલાવી રહી છે.