બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 11 ડિસેમ્બર 2014 (15:25 IST)

મારો પતિ મોડી રાત સુધી ફેસબુક પર છોકરીઓ સાથે ચટિંગ કરે છે: મહિલાની પોલીસ ફરિયાદ

સાહેબ, જુઓને આ મારો પતિ ૫૫ વર્ષની ઉંમરે ફેસબુક પર આખી રાત ચેટિંગ કરે છે ! દેખીતી રીતે જ રસપ્રદ લાગતી આ વાત કહેનાર મહિલા પર વિશ્વાસ કરીને મહિલા પોલીસે પંદર દિવસ સુધી તપાસ કરી તો હકીકત કંઇક ઔર જ સામે આવી હતી. પતિની નિઃસહાય વૃદ્ધોને સેવા કરવાની હરકતથી પત્‍ની બાજ આવી ગઇ હતી અને તેના કારણે તેને વશ કરવા માટે પત્‍નીએ મહિલા પોલીસ સ્‍ટેશનમાં અરજી કરી હતી.

   વેજલપુર વિસ્‍તારમાં રહેતી મહિલા પંદરેક દિવસ પહેલાં મહિલા પોલીસ સ્‍ટેશન આવી હતી અને કહ્યું હતું કે મારે મારા પતિ વિરૂદ્ધ ફરિયાદ કરવી છે. આથી પોલીસે અરજી આપવાનું જણાવતાં તેમણે એક અરજી આપી હતી. જેમાં તેમણે જણાવ્‍યું હતું કે ૫૫ વર્ષનો મારો પતિ મોડી રાત સુધી ફેસબુક પર છોકરીઓ સાથે ચટિંગ કરે છે અને પરિવાર સામે ધ્‍યાન આપતો નથી, મને અને મારા પુત્રને તેના કારણે ખૂબ મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે. લગ્નજીવનના ૩૩ વર્ષ ગુજાર્યા બાદ જો કોઇ ખૂદ પત્‍ની જો પતિ સામે ફરિયાદ કરતી હોય તો તેમાં કંઇક તથ્‍ય હોવું જોઇએ તેમ માનીને પોલીસે તપાસ શરૂ કરી.

   મહિલા પોલીસે બીજા જ દિવસે તેના પતિને ફોન કરીને બોલાવ્‍યા હતા અને કહ્યું હતું કે આ બધુ તમે શું કરો છો ? આથી પતિએ કહ્યું હતું કે શું ? હું કંઇ સમજયો નહીં. આથી પોલીસે સ્‍પષ્ટતા કરતાં કહ્યું હતું કે તમે આખી રાત છોકરીઓ સાથે ફેસબુક પર ચેટિંગ કરો છો ?

   પતિએ પોલીસને કહ્યું કે મારી પત્‍ની અને મારી વચ્‍ચે આ મુદ્દે ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મુદ્દો છોકરીઓ સાથે ફેસબુક પર ચેટિંગ કરવાનો છે ને ! ચલો લો આ મારો ફેસબુક આઇડી, તમારે જેટલી તપાસ કરવી હોય એટલી કરી લો.

   મારા ફેસબુકમાં ઘણાં બધા વૃદ્ધો જોડાયેલા છે અને અમે નિયમિત સંપર્કમાં રહીએ છીએ. અમારા ગ્રૂપમાં ઘણાં મુસ્‍લિમ વૃદ્ધો પણ છે. નાતજાતના ભેદભાવ વિના અમે નિઃસહાય વૃદ્ધોની સેવા કરીએ છીએ. મારી આ પ્રવૃત્તિ મારી પત્‍નીને પસંદ નથી. આથી તે અને મારો છોકરો બંને એક થઇને કેમેય કરીને ઘરની બહાર કાઢી મૂકવા માગે છે.

   વૃદ્ધોને સહાનુભૂતિ દાખવવા હું ફેસબુક પર હોઉં છું

   મહિલા પોલીસ સ્‍ટેશનમાં લાવવામાં આવેલા ૫૫ વર્ષના પતિએ જણાવ્‍યું હતું કે તમને મારી વાત સાચી નથી લાગતી પરંતુ સાચી વાત એ છે કે સાહેબ અમે માનવતાના ધર્મનું જતન કરીએ છીએ. પાકટ ઉંમરે સૌ કોઇને સહાનુભૂતિની જરૂર હોય છે.

   સમાજમાં એવા ઘણાં વૃદ્ધો છે જેમને ખરા અર્થમાં સહાનુભૂતિની જરૂર હોય છે. આવા વૃદ્ધને અમે સાચા અર્થમાં પડખે ઊભા રહીને આિથિક સહાય કરવા સાથે તેમની સાથે ફેસબુક પર સંપર્કમાં રહીને સહાનુભૂતિ દાખવીએ છીએ.એ જો ગુનો હોય તો મને પકડીને પૂરી દો !

   પત્‍નીના કંકાસથી રાત બહાર વિતાવવી પડે છે

   પત્‍નીની પોલીસ સમક્ષની અરજીને કાઉન્‍ટર કરવા માટે પતિએ એવું પણ કહ્યું હતું કે તમે સાચું માનશો બોસ, હું ઘણી વાર કોઇ વૃદ્ધના કામથી બહાર ગયો હોય અને રાત્રે ૧૦-૧૧ વાગે આવું તો મારી પત્‍ની દરવાજો પણ ખોલતી નથી અને મારે બે દિવસ બહાર રહેવું પડે છે. પરંતુ મારી પત્‍ની છે ને, હું બધુ ભુલીને ત્રીજા દિવસે નવી જિંદગી શરૂ કરું છું. મેં તો કોઇ દિવસ ફરિયાદ કરી નથી.