શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 2 જુલાઈ 2014 (17:40 IST)

મેટ્રો રેલને 'કાગળ પર' દોડાવવાનો ખર્ચ 565 કરોડ રુપિયા!

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ શરૃ કરવાની ગુજરાત સરકાર છેલ્લા ઘણા વર્ષોથી વાતો કરી રહી છે. પરંતુ હજુ સુધી તેનું કોઈ ઠેકાણું નથી. આજે વિધાનસભામાં સરકારે જણાવ્યું હતું કે મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં પ૬પ.૬૦ કરોડ વપરાઈ ચૂક્યાં છે. છતાં હજુ સુધી મેટ્રો ફાઈલની બહાર આવી નથી.

વિધાનસભામાં કોંગી ધારાસભ્ય અશ્વિન કોટવાલે પ્રશ્ન પુછ્યો હતો કે છેલ્લા બે વર્ષમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં મેટ્રો રેલ પાછળ કુલ પ૬પ.૬૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.સરકારે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો વર્ષ ર૦૧૮માં પૂર્ણ થશે. જ્યારે સમગ્ર પ્રોજેક્ટ વર્ષ ર૦રરમાં પૂર્ણ કરવાનું આયોજન છે. છેલ્લે મેટ્રો રેલનો રૃટ પણ બદલવામાં આવ્યો છે તેવું સરકારે કબુલી તેના કારણમાં જણાવ્યું કે ભારત સરકારની અર્બન ટ્રાન્સપોર્ટ પોલિસી તેમજ મેટ્રો પ્રોજેક્ટ તૈયાર કરવાની ગાઈડ લાઈન્સના પરિપ્રેક્ષ્યમાં ફાઈનાન્સીયલ અને ઈકોનોમિક વાયેબિલીટી તથા ટ્રાફિક જેવા વિવિધ પાસાઓ ધ્યાને લેતાં રૃટમાં ફેરફાર કરવાનું જરૃરી લાગ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સરકારે પ૬પ.૬૦ કરોડનો ધુમાડો કરી નાખ્યો છે. છતાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ફાઈલમાંથી જમીન પર નથી આવ્યું. હવે આ વર્ષે વધુ રપ૦ કરોડની બજેટમાં ફાળવણી કરવામાં આવી છે. તે પણ પ૬પ કરોડની જેમ જ અગડમ બગડમ કામોમાં વપરાઈ જાય તો નવાઈ નહીં.

ગુજરાતના પડોશી રાજ્યો જેવા રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવામાં તો મેટ્રો રેલ દોડવા પણ માંડી છે. રાજસ્થાન અત્યાર સુધી કોંગ્રેસ શાસિત હતું અને મહારાષ્ટ્ર હજુ કોંગ્રેસ શાસિત જ છે. તો પણ ત્યાં મેટ્રો રેલ દોડવા માંડી છે. જ્યારે વિકાસમાં અન્ય રાજયો કરતાં ગુજરાત ખુબ આગળ હોવાનું ગાણું ગાતાં ભાજપના શાસકો હજુ સુધી મેટ્રોને ફાઈલની બહાર કાઢી શક્યાં નથી. અમદાવાદ, ગાંધીનગર અને સમગ્ર ગુજરાતના લોકોને મેટ્રોના માત્ર સપનાઓ જ દેખાડી રહ્યા છે.