ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

મોદી સરકારના બજેટમાં મહિલા-બાળકો પર વિશેષ મહેરબાની

P.R
ગુજરાતની જનતા ખાસ કરીને મહિલાઓ અને બાળકો ઉપર મોદી સરકાર વરસી પડી. વેલ્યુ એડેડ ટેક્સ, સ્ટેમ્પડ્યુટી, વીજળી કરમાં લોકોને ફાયદો. પેટ્રોલ-ડિઝલના વેટમાં કોઇ રાહત અપાઇ નથી.

ગુજરાત સરકારના 2012-13ના સામાન્ય અંદાજપત્રમાં રાજ્યની પ્રજાને ચૂંટણીલક્ષી લહાણી કરવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં નાણામંત્રી વજુભાઇ વાળાએ રજૂ કરેલા 101000 કરોડના બજેટમાં કોઇ નવા ટેક્સ નાંખવામાં આવ્યા નથી. ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી મોદીની સરકારે મહિલા અને બાળકોને વિશેષ રાહતો આપી તેમને મતના નિશાન બનાવ્યાં છે.

317.22 કરોડની પુરાંત દર્શાવતા આ બજેટમાં મહત્વની કોઇ મોટી જાહેરાત કરવામાં આવી નથી પરંતું 15000 કરોડના અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટ માટે 500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સરકારે વેલ્યુ એડેડ ટેક્સમાં 200 કરોડની રાહતો આપી છે, જ્યારે સ્ટેમ્પડ્યુટીમાં મહિલાઓને 10 કરોડની રાહત અપાઇ છે. નાણામંત્રીએ એક કરોડ વીજ ગ્રાહકોને રાહતરૂપ નિર્ણયની જાહેરાત કરી છે જેમાં હાલના વીજકરમાં 25 ટકાનો ઘટાડો કરી 200 કરોડનો ફાયદો કરી આપ્યો છે.

અંદાજપત્રની વિશિષ્ટતાઓ દર્શાવતાં વજુભાઇએ કહ્યું હતું કે રાજ્યની કુલ આવકનો અંદાજ વધીને 101135 કરોડ થશે જે ગયા વર્ષની સરખામણીએ 27.50 ટકાનો વધારો બતાવે છે. કરવેરાની આવક 52231 કરોડ થવાનો અંદાજ છે. રાજ્યમાં નવા એક લાખ કૃષિ વીજજોડાણ આપવા સરકાર 1700 કરોડનું રોકાણ કરશે. સરકાર નવી આઇટીઆઇ, નવી કોલેજો, નવી શાળાઓ અને યનિવર્સિટી બનાવવા માગે છે. પાંચ નવી મેડીકલ કોલેજોને બજેટમાં સમાવાઇ છે. અમૃતમ યોજના હેઠળ ગરીબીની રેખા નીચે જીવતા પરિવારોને બે લાખની મર્યાદામાં તબીબી સુવિધા અપાશે.

નવી યોજનામાં ખેતીલક્ષી તેમજ ખેડૂતોને ફાયદો થાય તેવી જાહેરાત કરવામાં આવી છે. મધ્યમવર્ગ કે જે મતદાર છે તેમને નિશાન બનાવીને તેમના માટે સસ્તા ઘરની યોજના અમલી બનાવવામાં આવી રહી છે. ગરીબોને મકાન આપવાની ફરી દરખાસ્ત કરવામાં આવી છે. મકાન બાંધવા વપરાતા મટીરિયલ્સમાં વેરાના દર 15 ટકાથી ઘટાડી માત્ર પાંચ ટકા કરવામાં આવ્યા છે.

સરકારે પેટ્રોલ અને ડિઝલમાં વેટના દરો ઘટાડવાનો ઇન્કાર કર્યો છે પરંતું ઇ-બાઇક સસ્તા કરી દીધાં છે. પ્રદૂષણમૂક્ત વાહનમાં વેરાનો દર 15 ટકાથી ઘટાડી પાંચ ટકા કરાયો છે. મેડીકલ ઇમ્પ્લાન્ટ્સ અને બ્લડબેગને વેરામાંથી મુક્ત કરવામાં આવી છે. હેલ્મેટના વેરા ઘટાડ્યા છે. મેન્ગોરી નળીયા, દાળીયા-રેવડી-ચીક્કી, રમકડાં, અગરબત્તી, પૂજા સામગ્રી, સાબુદાણા, મહિલાઓના બોરી-બક્કલ, સેનેટરી નેપ્કીન, ડાયપર, કાચના મોતી, પ્રસાદ તેમજ પતંગ-દોરામાં વેરામાફી આપી છે.

બીજી તરફ માખણ, પનીર ઉપર વેરાના દરમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એવી જ રીતે દરજીકામના સાધનોમાં પણ પાંચ ટકાની રાહત સૂચવાઇ છે. સખી મંડળોમાં સભ્ય રહેલી મહિલાઓના લેખોમાં સ્ટેમ્પડ્યુટીની મુક્તિ મર્યાદા એક લાખ થી વધારીને બે લાખ કરવામાં આવી છે.

નાણામંત્રી વજુભાઇ વાળાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે મારી સરકાર સર્વજન હિતાય, સર્વજન સુખાયમાં માને છે. ધર્મ કે જાતિના ભેદભાવમાં માનતી નથી. મારૂં બજેટ પ્રજાલક્ષી છે. તેમને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે ગુજરાતનું જાહેર દેવું કેટલું છે ત્યારે તેમણે કહ્યું હતું કે કેન્દ્રની ગાઇડલાઇન કરતાં ઓછું છે પરંતું આંકડાનો આગ્રહ રાખતાં તેમને કહેવું પડ્યું હતું કે હાલની સ્થિતિએ ગુજરાતનું જાહેર દેવું 1,24,000 કરોડ થવા જાય છે. વાળાએ પેટ્રોલ-ડિઝલ કે સીએનજી ઉપરના વેટના દરો ઘટાડવાનો ફરીથી ઇન્કાર કર્યો હતો અને કેન્દ્ર ઉપર નિશાન સાધતાં કહ્યું હતું કે આ બધું કેન્દ્રના કારણે થઇ રહ્યું છે. સીએસટીના દરો ઘટાડીને સરકારને વળતર નહીં મળતાં વેરા ઘટાડા માટે વેટના દરો ઉપર આધાર રાખવો પડતો હોઇ હાલ પેટ્રોલિયમ ઉપરના દરોમાં ફેરફારને અવકાશ નથી.

રાજ્ય સરકારની આવકના અંદાજો.....
વિગત ........... કરોડમાં
જાહેર દેવું ........... 22109.87
કરવેરા સિવાયની આવક ........... 6771.56
કેન્દ્ર સરકારનું અનુદાન ........... 8673.30
વેચાણવેરો-વેટ ........... 37500.00
વેટ સિવાયના અન્ય વેરા ........... 13731.21
કેન્દ્રીય કરવેરામાં હિસ્સો ........... 9227.30
લોન પેશગી વસૂલાત ........... 221.77
જાહેર હિસાબ ચોખ્ખો ........... 2800.00
કુલ ............................... 101135.01

........ રાજ્ય સરકારના ખર્ચના અંદાજો .........
વિગત ........... કરોડમાં
વિકાસલક્ષી ખર્ચ ........... 67162.18
બિન વિકાસલક્ષી ખર્ચ ........... 26553.69
જાહેર દેવાની ચૂકવણી ........... 6452.00
લોન અને પેશગી ........... 75.59
સહાયક અનુદાન ફાળો ........... 164.33
કુલ ચોખ્ખી લેવડ-દેવડ ........... 727.22
કુલ .............................. 101135.01



મુખ્ય મુદ્દાઓ:-

બજેટમાં કુલ 410 કરોડની રાહત,
વેટમાં 200 કરોડ, સ્ટેમ્પ ડ્યૂટીમાં 10 કરોડ,
વીજકરમાં 200 કરોડની રાહતો,
નાગરિકોને ઘર બનાવવા માટે રાહત થાય તે માટે વપરાતા હાર્ડવેરમાં હાલનો વેરાનો દર 15 ટકાથી ઘટાડીને 5 ટકા,
ઇ-બાઇકમાં વેરાનો દર 15 ટકાથી ઘટાડીને 5 ટકા,
હદયરોગ માટેનાં મેડિકલ સાધનોમાં હાલના વેરાના દર,
વધારાના વેરા સહિત 5 ટકામાંથી સંપૂર્ણ વેરા માફ,
બ્લડ બેગ પરના 5 ટકા વેરામાંથી સંપર્ણ માફી, હેલમેટ પર હાલના વેરા 15 ટકાથી ઘટાડીને વધારાના વેરા સહિત 5 ટકા કરવામાં આવ્યા,
મેંગ્લોરી નળિયાં હાલનાં વેરાના દર વધારાના વેરા સહિત 5 ટકામાંથી સંપૂર્ણ વેરા માફી,
રમકડાં (ઇલેક્ટ્રોનિક અને બેટરી ઓપેરેટેડ સિવાયનાં) હાલના વેરાના દરના વધારાના સહિત 5 ટકામાંથી સંપૂર્ણ વેરા માફ,
અગરબત્તી પરના હાલના વેરાના દર વધારાના વેરા સહિત 5 ટકામાંથી સંપૂર્ણ વેરા માફ,
પતંગ, દોરી અને ફીરકી પણ સસ્તી થશે...