શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 17 સપ્ટેમ્બર 2016 (12:42 IST)

મોદીના જન્મ દિવસે આંદોલન કર્તાઓ સક્રિય, પોલીસની ચાતક નજર, કેટલાકની પહેલેથી જ અટકાયત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે નવસારી અને લીમખેડામાં મોટાપાયે કાર્યક્રમોનું આયોજન કરાયું છે અને બીજી તરફ રાજ્યમાં પાટીદાર સમાજ, દલિત સંગઠનો, ફિક્સ પગારધારકો સહિત અનેક જૂથ આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તેઓ પોતાનો અવાજ મોદી સુધી પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છે. નવસારીના પાસના કન્વીનરે મોદી ત્યાં આવી રહ્યા છે ત્યારે તેમને પાટીદાર આંદોલન વિશેની રજૂઆત કરવા દેવા માટે સ્થાનિક તંત્રને પત્ર લખીને 'મન કી બાત' કરવા દેવા માટે સમય માગ્યો છે. તો દાહોદમાં દલિત સમાજના કાર્યકરો પણ મોદીનું ધ્યાન ખેંચવા પ્રયાસ કરે તેવી શકયતાઓ છે. 

નવસારીના પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર કનુ સુખડિયાએ સ્થાનિક જિલ્લા તંત્રને એક પત્ર લખીને છેલ્લા એક વર્ષથી પાટીદારો અનામત મેળવવા માટે આંદોલન ચલાવી રહ્યા છે અને તેમાં 12 જેટલા યુવકોના મૃત્યુ થયા છે તથા સમાજ પર દમન થયું છે તે મામલે વડાપ્રધાનને રજૂઆત કરવી છે તેમ જણાવ્યું છે.  બીજી તરફ દલિત અધિકાર સંઘના અમદાવાદના કાર્યક્રમમાં કન્વીનર જીજ્ઞેશ મેવાણીએ મોદીના કાર્યક્રમમાં વિરોધ થઇ શકે છે તેવી શકયતા વ્યક્ત કરી હતી. જેમાં ભૂમિહીન દલિતો, જમીન નથી મળી તેવા આદિવાસીઓ, ફિક્સ પગારધારકો, પાણીની સગવડ નથી મળી તેવા ખેડૂતો સહિત કોઇપણ દૂભાયેલા વર્ગના લોકો પોતાના અધિકાર માટે મોદીના કાર્યક્રમમાં ખુરશી ઉછાળી શકે તેવું લાગી રહ્યું છે તેમ જણાવ્યું હતું.