ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 22 સપ્ટેમ્બર 2014 (18:18 IST)

યુનુસભાઈ તમારે હજ કરવા જવાનું છે, બધો ખર્ચો હું આપીશઃ મોરારીબાપુ

સર્વ ધર્મ સમભાવમાં માનતા મોરારીબાપુએ પોતાની દરિયાદિલી દર્શાવવાની સાથોસાથ દરેક ધર્મનો આદર થવો જોઈએ એ વાતનો નિર્દેશ આપતાં પોતાના ગામ તલગાજરડાના આર્થિક રીતે નબળા દંપતીનો હજનો તમામ ખર્ચ આપવાનું નક્કી કર્યું છે. તલગાજરડાની સ્કૂલમાં પગીની નોકરી કરતા ૬૪ વર્ષના યુનુસભાઈ મલેક અને તેમનાં ધર્મપત્નીની હજ કરવાની ઇચ્છા વિશે બાપુને જ્યારે ખબર પડી ત્યારે તેમણે પહેલાં તપાસ કરાવી. તપાસ કરાવી ત્યારે ખબર પડી કે જો હજ કમિટી થકી મોકલવામાં આવે તો એનું વેઇટિંગ લિસ્ટ લાંબું છે અને ચાર-છ વર્ષે યુનુસભાઈનો વારો આવે એવું બની શકે છે. મોરારીબાપુએ તરત જ ગામના અન્ય મુસ્લિમ આગેવાનોને મળવા બોલાવીને બીજી કઈ રીતે હજ કરી શકાય એ બાબતમાં પૂછપરછ કરી. પૂછપરછ કરતાં ખબર પડી કે હજ માટે પ્રાઇવેટ ટૂર હોય છે, પણ એનો ખર્ચ બહુ વધારે આવતો હોય છે. મોરારીબાપુએ ખર્ચ બધો પોતે આપશે એવું જણાવીને મલેકદંપતીને હજ માટે મોકલવાનું છે એવું કહી દીધું. મોરારીબાપુએ આ બાબતમાં વાત કરવાની ના પાડતાં કહ્યું હતું કે મારી ભાવના હતી અને મેં ભાવનાને પૂરી કરી છે.

મોરારીબાપુએ હજ માટે તેમના કોઈ ભાવિકને પણ ખર્ચ આપવા માટે કહ્યું નથી અને પોતાની અંગત બચતમાંથી યુનુસભાઈનો તમામ ખર્ચ આપ્યો છે. યુનુસભાઈએ કહ્યું હતું કે ‘રામના સેવક અલ્લાહના બંદાને હજ કરવા મોકલે તેમના માટે હું શું કહી શકું. બાપુએ મારો ખર્ચ આપ્યો ન્યાં જ મારી તો હજ પૂરી થઈ એવું કહું તોય ચાલે.’

તલગાજરડામાં આવેલી મસ્જિદમાં વાગતી અઝાન બાપુ જ્યારે પણ ગામમાં હોય ત્યારે તેમને સંભળાય, પણ છેલ્લા થોડા દિવસોથી એ અઝાન તેમના કાને નહોતી પડી રહી એટલે બાપુએ ગયા વીકમાં એની તપાસ કરાવી તો મૌલવી પાસેથી ખબર પડી કે મસ્જિદનું માઇક બગડી ગયું હોવાથી માઇક બંધ રાખવામાં આવે છે. બાપુએ તરત જ પોતાના એક જાણીતા સાઉન્ડ-રિપેરરને મસ્જિદ પર જવાનું કહ્યું અને સૂચના પણ આપી કે જો માઇક સારું થઈ શકે એમ ન હોય તો નવું માઇક મૂકી દેવું. મૌલવી સૈયદ મેહંદીબાપુએ વાતને કન્ફર્મ કરતાં કહ્યું હતું કે દેશનાં અન્ય શહેરમાં અઝાનને કારણે કજિયો થાય છે અને અમારા ગામમાં સંતને કારણે અઝાન દરેક કાન સુધી પહોંચે એવી વ્યવસ્થા થાય છે.

જમ્મુ-કાશ્મીરમાં આવેલા પૂરના રાહતકાર્ય માટે મોરારીબાપુએ તેમના અંગત સ્નેહીજનો સાથે મળીને કુલ એક કરોડ રૂપિયાનું રોકડ દાન આપ્યું છે.