ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ, , શુક્રવાર, 27 નવેમ્બર 2015 (16:31 IST)

રતનપોળમાં આવેલી વર્ષોજૂની આંગડિયા પેઢી રૂ.૧૩ કરોડમાં ઊઠી

રતનપોળમાં આવેલી વર્ષોજૂની આંગડિયા પેઢી રૂ.૧૩ કરોડમાં ઊઠી ગઈ હોવાની વાત ચર્ચાઈ રહી છે. ક્રિકેટના સટ્ટા અને શેરમાર્કેટના ડબ્બા ટ્રેડિંગમાં પેઢીના સંચાલકોએ રૂ.૧૩ કરોડ ગુમાવતાં અનેક લોકોના પૈસા સલવાઈ ગયા હોવાનું બજારનાં સૂત્રો કહી રહ્યાં છે. દિવાળીના દિવસથી આંગડિયા પેઢીમાં પાંચ દિવસ સુધી રજા હોય છે. જ્યારે ધનતેરસના દિવસે તેનું મુહૂર્ત કરવામાં આવતું હોય છે, પરંતુ રતનપોળમાં વર્ષોથી ચાલતી જાણીતી આંગડિયા પેઢીને દિવાળી બાદ કાયમ માટે તાળાં લગાવી દેવામાં આવ્યાં છે.

રતનપોળ અને ઝવેરીવાડ વિસ્તારમાં આ‍શરે ૧૫૦ જેટલી આંગડિયા પેઢી આવેલી છે, જેમાં દરરોજ લાખો-કરોડોની રોકડ સહિતની ચીજવસ્તુઓની હેરફેર થતી હોય છે. આંગડિયા પેઢીનું સંચાલન હજુ પણ જૂની ઢબે અને વિશ્વાસના આધારે થતું હોય છે. જ્યારે થોડા દિવસ અગાઉ રતનપોળ ખાતે આવેલી ઝવેરી ચેમ્બર્સમાં વર્ષોજૂની આંગડિયા પેઢીને તાળાં લાગ્યાં હોવાની વાત સામે આવી છે. આ આંગડિયા પેઢી બંધ થવા પાછળનું કારણ સટ્ટા અને હવાલામાં થયેલું કરોડોનું નુકસાન હોવાનું મનાઈ રહ્યું છે.

આ આંગડિયા પેઢી દિવાળી પછી ખૂલી જ નથી અને તેના કર્મચારીઓને પણ બીજે કામ શોધી લેવા જણાવી દેવાયું છે. ત્યાં કામ કરતા કર્મચારીનું કહેવું છે કે સટ્ટા અને હવાલામાં આશરે ૧૩ કરોડથી પણ વધારે નુકસાન થતાં પેઢીને બંધ કરવી પડી છે. વધુમાં જાણવા મળ્યું કે જો એક આંગડિયા પેઢી બંધ થાય તો અન્ય આંગડિયા પેઢીને પણ તેની અસર થતી હોય છે, જેમણે પૈસા ગુમાવ્યા છે તેવા લોકો હાલ તો પેઢીના સંચાલકો પાસેથી તેની વસૂલાત માટે પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે.