શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ, , શનિવાર, 18 જૂન 2016 (11:52 IST)

રવિન્દ્ર જાડેજાની ગીરના સિંહ સાથેની સેલ્ફીનો વિવાદ

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ગુરુવારે તેની પત્નિ રીવાબા સાથે ગીરની મુલાકાત લઈ સિંહ સાથે તસવીરો પડાવી હતી. જે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ બન છે. પરંતુ આ ફોટાઓના કારણે જાડેજા મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. રવિન્દ્રા જાડેજા તથા રીવાબાએ જીપમાંથી નીચે ઉતરીને તસવીરો ખેંચાવી એ બદલ વન વિભાગે તેમની સામે તપાસનો આદેશ આપ્યો છે.

બીજીબાજુ પોરબંદરના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને એડવોકેટ ભાનુ ઓડેદરાએ હાઈકોર્ટમાં ફરીયાદ કરી છે. ઓડેદરાએ મુખ્ય વન સંરક્ષક, રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત પાંચ ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી છે. વન વિભાગના નિયમ પ્રમાણે સિંહ સાથે ફોટો પડાવવા માટે ગાડીમાંથી નીચે ઉતરવુ એ ગુનો છે.  જાડેજા તથા રીવાબાએ ગાડીમાં જ બેસીને તસવીરો ખેંચાવી હોત તો વાંધો નહતો પણ તે નીચે ઉતર્યોએ કાયદાનો ભંગ છે. રવિન્દ્ર  જાડેજા તથા રીવાબાએ સિંહ સાથે તસવીર ખેંચાવી એ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન હેઠળ ૧૯૭૨ની જોગવાઈઓ હેઠળ ગુનો બને છે.

વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન હેઠળ ૧૯૭૨ હેઠળ એન્ડેન્જર્ડ સ્પેસીસનો શિકાર કરવા સિવાયના ગુના માટે ૩ વર્ષની કેદની સજા તથા ૨૫ હજાર રુપિયા સુધીનો દંડ થઈ શકે છે. અલબત્ત આ બધી પ્રક્રિયામાં બહુ લાંબો સમય નિકળે છે પણ સૈદ્ધાંતિક રીતે આ સજાની જોગવાઈ છે. જુનાગઢ વાઈલ્ડલાઈફ સર્કલના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્‌સ અનિરુદ્ધ પ્રતાપસિંહે જણાવ્યુ હતું કે, ગીર નેશનલ પાર્ક એન્ડ સેન્ચ્યુરી સંરક્ષિત વિસ્તાર છે અને તેમાં પ્રવાસીઓને પોતાના વાહનમાંથી નીચે ઉતરીને તસવીરો ખેંચાવવાની મંજુરી નથી.