શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , શુક્રવાર, 24 એપ્રિલ 2015 (16:20 IST)

રાજયપાલે મહોર મારી 'ગુજકોટોક' વિધેયક આગળ જવા દીધુ

રાજય સરકારે આતંકવાદ જેવા ગંભીર ગુનાઓ સામે આકરા પગલા લેવા 'ગુજકોક'  જેવા તાજેતરમાં બજેટસત્રના છેલ્લા દિવસે ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ  વિધેયક ૨૦૧૫ને પસાર કર્યું હતું. ગુજકોટોક તરીકે ઓળખાતા આ વિધેયક પર રાજયપાલ ઓ.પી. કોહલીએ મંજૂરીની મહોર મારી દીધી છે. જેના કારણે કાયદાકીય દ્રષ્ટિએ 'ગુજકોટોક'નો પ્રથમ તબક્કો પાર થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના રાજયપાલ કમલા બેનીવાલએ ગુજકોકના વિધેયકને ફગાવી દીધો હતો.

સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે રાજય સરકારે 'ગુજકોક' જેવા વિધેયકને લીલીઝંડી આપી હતી. અગાઉ ગુજકોક વિધેયકને તત્કાલીન રાજયપાલ કમલા બેનિવાલની સ્વીકૃતિ મેળવવા, રાજય સરકારે ખાસ્સા પ્રયાસ કર્યા હતાં. ત્રણ-ત્રણ વખત ગુજકોક વિધેયકને ગૃહમાં બહાલી અપાઈને તેને તત્કાલીન રાજયપાલ કમલા બેનીવાલની

લીલીઝંડી મેળવવા મોકલ્યા હતા, પરંતુ તત્કાલીન રાજયપાલે એકપણ વાર ગુજકોકને સંમતિ ન આપીને કેન્દ્ર સરકાર મારફતે રાષ્ટ્રપતિને મોકલ્યું હતું. જે તે વખતે આ બાબત ભારે વિવાદાસ્પદ બની હતી. પરંતુ હવે નવા રાજયપાલ ઓ.પી. કોહલીએ ગુજકોટોક વિધેયકને મંજૂરી આપી દીધી છે. રાજયપાલ તરફથી નવા વિધેયકને મંજૂરી તો અપાઈ ગઈ છે. પરંતુ તેમાં પોલીસને તાર, ટપાલ, ફોન આંતરવાની કે રેકર્ડ કરવા જેવી સત્તા અપાઈ છે. આ પ્રકારની સત્તાથી નાગરિકના મૂળભૂત અધિકારનો ભંગ થાય છે કે કેમ જેવી બાબત કેન્દ્ર સરકારનો વિષય હોઈ રાજય પાસે આ બાબતે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો અભિપ્રાય માંગ્યો છે. હવે કેન્દ્ર સરકારના વલણ પર નવા કાયદાની

અમલવારી શખ્ત બનશે. કેન્દ્રીય ગૃહમંત્રાલય ઈચ્છશે તો પોતાની રીતે 'ગુજકોટોક'નો અભ્યાસ કરીને  તેને મંજૂરી આપીને સીધેસીધો રાજય સરકારને પરત મોકલશે. એટલે કે રાષ્ટ્રપતિ સમક્ષ આ નવું વિધેયક મુકાશે નહી.