ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 26 ફેબ્રુઆરી 2015 (14:53 IST)

રાજસ્થાનમાં ઊંટોનાં રખોપા કરનારી રાયકા કોમનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડ્યું એક જર્મન મહિલાએ

રાજસ્થાનમાં ઊંટોનું પાલન, ઉછેર અને જાળવણી કરનારી એક કોમ છે જેનું નામ છે, રાયકા. આ રાયકા એટલે આપણે ત્યાં ગુજરાતમાં રબારી, માલધારી, દેસાઈ, દેવાસી કે રાયબારીદેવાસી તરીકે ઓળખાય છે. રબારી વિશે એક એવી પુરાણ કથા ચાલી આવે છે કે દેવી પાર્વતીનાં પશુઓનું પાલન-પોષણ કરવા માટે ભગવાન શંકરે આ રબારીઓને ધરતી પર પ્રગટ કર્યા હતા. રબારી-માલધારી જમાત મોટાભાગે ગુજરાત, રાજસ્થાન અને કચ્છના રેતાળ વિસ્તારમાં જોવા મળે છે.

આ વાતની માહિતી ઈલ્સેને મળતા એણે એક સ્થાનિક વેટરનરી ડૉક્ટરની મદદથી રાયકાઓની મુલાકાત લીધી. આ રાયકાઓનું ઊંટો વિશેનું પેઢી દર પેઢી ઊતરી આવતું જ્ઞાન અને શતક પછી શતકોના અનુભવની જાણકારી મેળવીને ઈલ્સે આશ્ર્ચર્ય પામી ગઈ હતી. ઊંટ અને રાયકા વચ્ચેનો આવો ગાઢ અને અતૂટ નાતો જોઈને તેનું મૂળ શોધવા તે સિંધ પ્રાંત સુધી રઝળપાટ કરી આવી હતી. ઊંટ અને રાયકાના આવા, એકજીવ જેવા સંબંધનો અભ્યાસ કરતા કરતા ઈલ્સે કોહલર રોલેફસન ધીરે ધીરે ઊંડી ઊતરતી ગઈ. તમે એમ કહી શકો કે એ રાજસ્થાનના ઊંટ અને રાયકામાં સંડોવાતી ગઈ અને તેના જીવનના ધ્યેય મર્યાદિત થતા, બદલાતા ગયા.

રાજસ્થાનમાં ૧૪મી સદીમાં પાબુજી રાઠોડ નામે એક લોકનાયક-લોકપુરુષ થઈ ગયા જેમના નામે અનેક લોકવાયકા છે જે પછીથી દંતકથા બની ગઈ છે. આ પાબુજી હવે તો લોકદેવતા તરીક ઓળખાય છે, તેમના નામે અનેક ભજનો, સ્તુતિઓ, સ્તોત્રો પ્રચલિત છે. લગભગ સાતસો વર્ષ અગાઉ તેઓ આજના પાકિસ્તાનના વિસ્તારમાંથી સૌ પ્રથમ ઊંટ-ઊંટડી લાવ્યા હતા, એવી પણ એક કથા છે. રણ જેવા સૂકા પ્રદેશમાં ટકી રહેવાની આ જનાવરની ગજબની ક્ષમતાને કારણે રાજસ્થાનમાં તેની સંખ્યા ઝડપથી વધતી ગઈ હતી. ઊંટ આમ તો જંગલી પ્રાણી હોવાનું માનવામાં આવે છે, પણ તેને કેળવીને ઝડપથી માનવીય કામોમાં જોતરી શકાય છે. ઊંટોની વસતિ વધતા એ સમયગાળામાં અને આજે પણ અમુક અંશે ઊંટો વાહનવ્યવહારમાં મહત્ત્વનું માધ્યમ બની ગયા હતા, પણ સ્વાતંત્ર્ય પછીના સમયગાળામાં રાજસ્થાનમાં ઊંટો માટે જ અલાયદી રહેનારી ચરિયાણની જમીનો ઘટતી જતા રાજસ્થાનમાં જ એક તબક્કે ઊંટોની સંખ્યા ઘટી ગઈ હતી.

રાયકાઓની સામે પણ મુશ્કેલીઓ પારાવાર વધી હતી. રાયકાઓની પછીની પેઢી રોજગાર-કમાણી માટે રાજ્યની બહાર નીકળવા લાગી હતી. રાયકાઓને મળીને ઈલ્સેને સમજાયું કે રાયકાઓ પાસે ઊંટો વિશે અફલાતૂન અને અમૂલ્ય જ્ઞાન-જાણકારી-માહિતી છે. આ અમૂલ્ય ધરોહર, આ જ્ઞાન નષ્ટ ન થવું જોઈએ એવો વિચાર જન્મ્યો અને આજના આધુનિક કાળમાં પણ ઊંટો વિશેની આવી જાણકારી, આવી થાપણ, ધરોહર અખંડ અને અક્ષુણ્ણ જળવાઈ રહેવી જોઈએ એવું ધ્યેય મળ્યું એટલે ઈલ્સે એ માટે તનતોડ પ્રયત્નો કરવા લાગી. એને ઊંટનું મહત્ત્વ અખંડ અને અબાધિત રાખવું હતું. ઈલ્સે કોહલર રોલેફસન નામની જર્મનીથી ૧૯૯૦માં રાજસ્થાન આવેલી આ જર્મન સંશોધિકાનું ૨૦૧૪ સુધીમાં ઊંટ, રાયકા અને પેઢી દર પેઢી ઊંટપાલન કરનારા લોકોના હકોની જાળવણી માટે

લડત કરનારી સંશોધિકા અને સામાજિક કાર્યકર્તામાં થયું. એ કાર્ય માટે એને આંતરરાષ્ટ્રીય સ્તરે રોલેક્સ પુરસ્કારથી નવાજવામાં આવી હતી. તેના સતત પ્રયાસોને પગલે ૨૦૧૪માં રાજસ્થાન સરકારને ઊંટના મહત્ત્વનું ભાન થયું. રાજસ્થાન સરકારે ૨૦૧૪માં ઊંટને રાજ્ય-પ્રાણી તરીકે જાહેર કર્યું હતું. આવા મહત્ત્વના સમયે તેની ૨૫ વર્ષની લડતની કથા આલેખતું પુસ્તક ‘કૅમલ કર્મા’ પ્રકાશિત થયું હતું.

‘કૅમલ કર્મા’ આ કથા મુખ્યત્વે ઊંટ અને ઊંટની સંાભાળ કરનારા રાયકાઓની હાલાકી અને તેની વિરુદ્ધમાં રાયકાઓ સાથે મળીને ઈલ્સે કોહલર રોલેફસને આપેલી લડતની છે. સ્વતંત્રતા મળી ત્યાં સુધી રાજસ્થાનમાં જમીનની મોટાભાગની માલિક રિયાસતના રાજાઓ કે દરબારો પાસે હતી. તેથી ઊંટો માટે મોટા પ્રમાણમાં ચરિયાણની જમીનો ઉપલબ્ધ હતી. સ્વતંત્રતા બાદ જમીનની ટોચમર્યાદા આવી એટલે જમીનના નાના ટુકડા થઈ જમીનની માલિકીનું વિભાજન કરી દેવાયું. સિંચાઈ માટે મોટા પ્રમાણમાં કૂવા ખોદવામાં આવ્યા. રણપ્રદેશમાં ભૂગર્ભજળને પંપથી બહાર ખેંચી મોટાભાગની જમીન પર ખેતીવાડીને લાયક બનાવાઈ હતી. વગર વિચારે કરવામાં આવેલો આ વિકાસ ઊંટના જીવ પર ઊઠ્યો. રાજસ્થાનનાં અર્થતંત્રમાં મહત્ત્વનું અંગ બની શકે એવા ઊંટોનું મહત્ત્વ સરકારને સમજાયું જ નહીં. એ સાથે ઊંટોમાં પણ ગર્ભાપાત થવાની સમસ્યા ઊભી થઈ હતી. એ સંબંધે પણ કશો ઉપાય-ઉપચાર ન કરાતા ઊંટોની સંખ્યામાં ઝપાટાબંધ ઘટાડો થવા લાગ્યો. ઊંટો અને તેના પર આધારિત રાયકાઓની મુશ્કેલી આટલેથી અટકી નહીં. સ્વતંત્રતા બાદ વેગવેગળા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો જાહેર કરાયા. ચરિયાણ ચરનારાં પાળેલાં પશુઓને પર્યાવરણ વિરોધી ગણીને તેમને સંરક્ષિત જંગલોમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવાયો. પાળેલાં પશુઓ પણ પર્યાવરણનો જ એક હિસ્સો છે એ દૃષ્ટિથી આજ સુધી પાળેલાં પ્રાણીઓ તરફ જોવામાં જ આવ્યું નથી. જોકે, આવી સરકારી મૂર્ખામીને કારણે જંગલોની અને વન્યજીવોની જે હાનિ થઈ છે એ વિશે કોઈ સરકાર વાત કરતી નથી, પણ આ ‘કૅમલ કર્મા’ પુસ્તકમાં ‘ફોરેસ્ટ’ નામનું પ્રકરણ આ મુદ્દા પર વિગતવાર પ્રકાશ પાડે છે.

ઊંટોનું મહત્ત્વ જગત આખાને સમજાય એટલે ઈલ્સેએ રાજસ્થાનના રણપ્રદેશમાં ઊંટ પર બેસીને ૮૦૦ કિલોમીટરના પ્રવાસ દરમિયાન ‘ઊંટ બચાવ’ આંદોલન ચલાવ્યું હતું. અશિક્ષિત રાયકાઓને તેમના પારંપારિક જ્ઞાનના ફેલાવા મટે આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ ગઈ. પેઢી દર પેઢી પશુધન રાખનારા-જાળવનારા લોકો વિશે ઈન્ટરનેશનલ મંચ પરથી ભાષણો કર્યા, તેમની મુશ્કેલીઓ જગતને જણાવી. એ સાથે પોતાના પારંપારિક વ્યવસાયને કેટલી પ્રતિષ્ઠા છે એનું ભાન રાયકાઓને પણ કરાવ્યું.