શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 28 ફેબ્રુઆરી 2015 (16:21 IST)

રાજા-રજવાડા વખતનાં 'હરખના તેડા'-કંકોતરીઓનું અનોખુ પ્રદર્શન

'એ સમયની વાત જ અલગ છે. રાજાશાહી સમકાળમાં શુભલગ્નોની કંકોતરી પણ અલગ-વિશિષ્ટ હતી. છાપકામનો એ જમાનો ન્હોતો પરંતુ લગ્ન પ્રસંગનું નિમંત્રણ એ ગૌરવભર્યુ આમંત્રણ હતું. કંકોતરીની સાથે રાજવી પરિવારનું આખુ ડેલીગેશન સુશોભિત તલવાર, પાઘડી- પોષાક લઈને સાથે જતું. લગ્નની કંકો૬ી સાથે આ પોષાકની પણ અર્પણવિધિ કરી 'હરખના તેડા'નો ભાવ વ્યક્ત કરાતો. આજથી ૧૦૦ વર્ષ પહેલા રાજવી સમયગાળમાં શુભલગ્ન પ્રસંગે જે કંકોતરી લખાતી હતી તે કંકોતરીનું એક અનોખુ પ્રદર્શન આજરોજ અહીં સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ ખાતે ખુલ્લુ મુકાયું ત્યારે રાજાશાહી સમયગાળના શુભલગ્ન પ્રસંગોનો ઈતિહાસ જાણે દ્રશ્યમાન થયો હોય તેવી અનુભૂતિ દર્શકોને થઈ હતી.

રાજકોટના આંગણે સૌરાષ્ટ્ર યુનિ.ના ઈતિહાસ ભવનના ઉપક્રમે આયોજિત રાષ્ટ્રીય સેમિનારમાં આજરોજ વીસમી સદીના રજવાડાઓની શુભલગ્ન પ્રસંગોની કંકોતરીનું પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ ઉપરાંત વાંકાનેર, વઢવાણ, કોટડા સાંગાણી, ગોંડલ, ભાવનગર, અમરનગર, લીંબડી, મુળી, જેતપુર, બીલખા, લાઠી, વળા, પાટડી, ઈડર, માણસા, બાંસવાડા, બાલાસિનોર સ્ટેટ દ્વારા લખાયેલી કંકોતરી પ્રદર્શિત કરવામાં આવી હતી.

રાજાશાહી સમયકાળમાં હજુ છાપખાના સૌરાષ્ટ્રમાં બહુ ઓછી જગ્યાએ હતા. પરંતુ એ સમયે લગ્ન પ્રસંગની કંકોતરી હાથેથી લખવાની પરંપરા હતી. રાજવી પરિવારમાં એ સમયે ક્યાંક દિવાનના નામે કંકોતરી લખાતી તો ક્યાંક વળી રાજપુરોહિતના નામનો ઉલ્લેખ થતો. પોતાના સંતાનોના લગ્નપ્રસંગે અત્યારે દાદા-દાદી, માતા-પિતાથી માંડીને પોતાના પરિવારના અને મોસાળના પરિવારના નામોના ઉલ્લેખ અત્યારે જે પ્રકારે કંકોત્રીઓ જોવા મળે છે તેવું નહોતુ. બિલખાના રાજરાણી ગનુભાઈ અને પોરબંદરના મહારાણી રામબા વિધવા હોવા છતાં તેમના પુત્રની કંકોતરી તેઓના નામે લખાઈ હતી.

ઈતિહાસમાં કંડારાયેલી આ ગૌરવગાથાને શબ્દદેહ આપતા જૂનાગઢના પ્રો. ડો.
પ્રદ્યુમન ખાચરે જણાવ્યું હતું કે કાઠી દરબારોમાં એ સમયે કાપડ ઉપર મોતીના અક્ષરોથી કંકો૬ી લખાયેલી જોવા મળે છે. એ સમયે રીવાજ કરતાં સગવડતાને ધ્યાને લઈને કંકોત્રી લખાતી હોવાનું પણ જોવા મળ્યું છે. થાણાકુંવર સ્ટેટના જીવકુંવરબાના લગ્ન માંદગીના કારણે મુલત્વી રાખવા પડે તેમ હતા ત્યારે એ લગ્નપ્રસંગ મુલત્વી રાખવાની પણ કંકો૬ી જોવા મળે છે. જૂનાગઢ સ્ટેટનાં રાજા અને રાણીના નામે નહીં પરંતુ દિવાનના નામે કંકોત્રી લખાઈ છે. ધરમપુર સ્ટેટના એક લગ્ન પ્રસંગે સ્થળ બદલવું પડે તેમ હતું. તેથી સ્થળના બદલાવની પણ કંકોત્રી લખાઈ હતી. લગ્નપ્રસંગ ઉપરાંત રાજ્યાભિષેક, ઉદઘાટન, સુન્નત, શાદી જેવા પ્રસંગોએ પણ કંકોત્રી લખાતી હતી.

કંકોત્રીમાં ગણેશજીના ચિત્રો પણ બહુ પાછળથી મુકવામાં આવ્યો હોવાનું જોવા મળે છે. સૌરાષ્ટ્ર સ્ટેટમાં એ સમયે માત્ર ચાર સ્થળે જ છાપખાના ચાલતા હતા તેથી આ છાપમાના શરૃ થયા બાદ ભગવાન કે દેવી-દેવતાના ચિત્રો કંકોત્રીમાં મુકવાની પરંપરા શરૃ થઈ. એ પહેલાં રાજાશાહી સમય કાળમાં ઘણાં સ્થળે હસ્તાક્ષરોમાં લખાયેલી ભાવપુર્ણ કંકોતરી જોવા મળે છે. આ પ્રકારની વિવિધતા દર્શાવતી ૩૦૦થી વધુ રજવાડાઓના પરિવારના લગ્ન પ્રસંગોની સાક્ષીરૃપ કંકોતરીનું પ્રદર્શન યુનિ. કેમ્પસમાં આવેલી આર્ટ ગેલેરીમાં આજરોજ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જે હજુ આવતીકાલ તા. ૨૮ના પણ ખુલ્લુ રહેશે.