મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 22 જુલાઈ 2014 (15:20 IST)

રાજ્યની રૂ. ૪૪,૨૪૧ કરોડની વેટની આવક

રાજ્યની વેટની કુલ આવક વાર્ષિક અંદાજે રૂ. ૪૪,૨૪૧ કરોડ પૈકી ૭૮ ટકા જેટલી એટલે કે, ૩૪ હજાર કરોડની આવક ઈ-પેમેન્ટથી થતી હોવાનું નાણાં પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું.

રાજ્ય વિધાનસભામાં ધારાસભ્યના પ્રશ્ર્નના ઉત્તરમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાની વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન રાજ્ય સરકારને જે વાણિજ્યિક વેરાની રકમ રૂ. ૮૪૬.૩૧ કરોડની મળી હતી તે પૈકી રૂ. ૬૮૯.૨૩ કરોડની વેટની આવક માત્ર રાજકોટ શહેરમાંથી મળી હતી. જે ઔદ્યોગિક એકમ-પેઢીનું ટર્ન ઓવર રૂ. ૫૦ લાખથી વધારે હોય તેમને ફરજિયાત ઇ-પેમેન્ટ દ્વારા વેરાના ચુકવણા કરવાની જોગવાઈ છે. ઈ-પેમેન્ટથી વેરાની ચુકવણીમાં પારદર્શિતા આવી શકી છે અને કાર્યવાહી ઝડપથી થઈ શકે છે. રાજકોટ જિલ્લામાં ગત વર્ષે સૌથી વધુ વેટની આવક ઓટોમોબાઈલ ક્ષેત્રમાંથી એટલે કે, એકસો કરોડથી વધુની થઈ છે. આ ઉપરાંત સિરામિક, કોટન ફુડપ્રોડક્ટ અને સિમેન્ટ અન્ય વધુ વેરા આવક ધરાવતી કોમોડિટી છે. બનાસકાંઠા જિલ્લામાં વર્ષ ૨૦૧૩-૧૪માં વાણિજ્યક વેરાની કુલ રૂ. ૨૫૯.૧૮ કરોડની આવક થઈ છે. બનાસકાંઠા જિલ્લામાં ઓઈલ સીડ્સ, ડેરીપ્રોડક્ટ, ઓટોમોબાઈલ, તમાકુ-તમાકુ પ્રોડક્ટસ અને ગ્રેનાઈટ એમ પાંચ કોમોડિટીઓમાંથી સૌથી વધુ વાણિજ્યક વેરાની આવક પ્રાપ્ત થઈ છે.