શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 2 માર્ચ 2015 (17:33 IST)

રાજ્યમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું ગુજરાતી જ કાચું!?

રાજ્યમાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું અંગ્રેજી નબળું હોવાની બુમો ઉઠતી હોય છે. પરંતુ ખરેખર ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં જ નબળા હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. ધોરણ-૧૦ની પરીક્ષામાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવતી ગુજરાતી વિષયની પરીક્ષામાં દરવર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. જેમાં આંચકાજનક રીતે ૨૦૧૪માં તો ગુજરાતી વિષયમાં ૩૦ ટકા જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતી વિષયમાં જોડણીની ભુલો તથા ગ્રામરના લીધે વિદ્યાર્થીઓને ઓછા માર્ક આવતા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

બાળકને જ્યારે સ્કૂલમાં દાખલ કરવામાં આવતો હોય ત્યારે સૌથી પહેલો પ્રશ્ન માધ્યમનો હોય છે. મોટાભાગના વાલીઓ અંગ્રેજી માધ્યમમાં બાળકોને અભ્યાસ કરાવવા માટેની તરફેણ કરતા હોય છે. પરંતુ પરિવારમાં ગુજરાતી બોલાતું હોઈ વિદ્યાર્થીને આગળ જતાં મુશ્કેલી ન પડે તે માટે ગુજરાતી માધ્યમ લેવા માટે પરિવારજનો દબાણ કરતા હોય છે. ઘરમાં ગુજરાતી ભાષા બોલાતી હોઈ વિદ્યાર્થીને ગુજરાતી માધ્યમમાં નાંખવામાં આવે તો તે શૈક્ષણિક રીતે સારૂ પ્રદર્શન કરી શકે તેવી માન્યતા છે.

ખરેખર તો ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં જ 'ઠોઠ' હોવાની માહિતી બહાર આવી છે. બોર્ડ દ્વારા ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓની લેવામાં આવતી પરીક્ષાના પરિણામ પર નજર નાંખીએ તો દરવર્ષે મોટી સંખ્યામાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયની પરીક્ષામાં જ નાપાસ થતા હોવાનું બહાર આવ્યું છે. દરવર્ષે સરેરાશ ૮૦ હજારથી ૯૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થાય છે. જોકે આંચકાજનક રીતે ૨૦૧૪માં કુલ વિદ્યાર્થીઓના ૩૦ ટકા એટલે કે ૧.૬૧ લાખ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા હતા.

મોટાભાગે વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયને સહેલો વિષય સમજી શરૂઆતથી તેની તૈયારી કરતા હોતા નથી. જેના પગલે પરીક્ષા વખતે ગુજરાતી વિષયમાં તેઓ સારો દેખાવ કરી શકતા નથી. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની જોડણીની ભૂલો પણ ગંભીર હોય છે. જેના લીધે તેમના મોટાભાગના માર્ક કપાઈ જતાં હોય છે. અમુક વિદ્યાર્થીઓ ગુજરાતીમાં મુદ્દાસર લખવાના બદલે લાંબુ લખાણ લખે છે જેથી વધુ માર્ક આવે. પરંતુ તે લાંબા લખાણમાં અસંખ્ય ભૂલો હોઈ મોટાભાગના માર્ક કપાઈ જતાં હોઈ તેમનું પરિણામ નબળું આવે છે.

ગુજરાતીમાં પાંચ વર્ષનો સ્કોર
વર્ષ હાજર પાસ નાપાસ
૨૦૧૦ ૬૦૨૪૩૮ ૫૧૫૭૭૮ ૮૬૬૬૦
૨૦૧૧ ૭૩૫૨૯૩ ૬૬૭૦૬૬ ૬૮૨૨૭
૨૦૧૨ ૭૪૯૬૧૭ ૬૬૦૬૮૭ ૮૮૯૩૦
૨૦૧૩ ૭૮૯૬૫૭ ૬૯૫૯૩૭ ૯૩૭૨૦
૨૦૧૪ ૭૭૯૫૦૯ ૬૧૭૬૨૧ ૧૬૧૮૮૮

શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિના સભ્ય ડો. અશોક પટેલે જણાવ્યું હતું કે, આ બાબત ગંભીર હોઈ તેના નિરાકરણ માટે ચાર-પાંચ મિટિંગો પણ થઈ છે. જેમાં વિદ્યાર્થીઓ કેમ નાપાસ થાય છે તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. દશ વર્ષ પહેલા પણ ગુજરાતી વિષયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. ૨૦૦૪માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ અને ૨૦૧૪માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ એક સમાન ભૂલ કરતા હોવાથી તેમનું પરિણામ નબળું આવ્યું હતું.