શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2016 (12:17 IST)

રેતી ભરેલા ભારે ડમ્ફરોથી મુસાફરો પરેશાન, ગાંઘીનગર મહૂડી હાઈવે પર ડમ્પરોનો ટ્રાફિક

ગાંધીનગર મહૂડી રોડ પરથી રેતી ભરેલા ડમ્ફરોનો ત્રાસ હજી યથાવત છે. રોડ પરથી મોટી સંખ્યામાં નદીની રેતી ભરીને લઈ જતાં ડમ્ફરોથી હાઈવે પર જતા લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. આ રોડ પર સાબરમતીની કોતરોમાં રેતી ચોરીની ભારે રાવ ઉઠવા પામી છે અનેક વખત માધ્યમોમાં આ બાબતને પ્રકાશિત કરવામાં આવે છે. પરંતું લાગતા વળગતા તંત્રને આ બાબતે અનેક ફરિયાદો કરવા છતાંય હજી સુધી કોઈ પગલાં લેવાતાં નથી. પોલીસ જ્યારે આ બાબતે પગલાં લેતી હોય છે ત્યારે ચાર દીન કી ચાંદની ફિર અંઘેરી રાત જેવી પરિસ્થિતી સર્જાય છે. ગાંધીનગરથી મહૂડીનો માર્ગ હાલમાં નવો બનાવવામાં આવ્યો છે. આ માર્ગની બાજુમાં રહેલા ગામડાઓ સાબરમતી નદીના કિનારે આવેલા છે, ત્યારે ગામના કેટલાક તત્વો તરફથી પણ સાથે રહીને રેતી ચોરીની પ્રક્રિયાઓ હાથ ધરાતી હોવાનું પણ હાઈવે પરથી પસાર થતાં મુસાફરો પાસેથી જાણવા મળ્યું છે. મુસાફરોનું એવું કહેવું છે કે આ માર્ગ પરથી બાઈક કે સ્કૂટર લઈને નિકળવું પણ હવે ભારે પડી રહ્યું છે કારણ કે આ માર્ગ પરથી પસાર થતાં રેતી ભરેલા ડમ્ફરોમાંથી રેતી ઉડીને આંખમાં પડે છે જેના કારણે અકસ્માતો સર્જાય છે તેની કોઈ નેતા કે અધિકારીને જાણ હોવા છતાં તકેદારી લેવાનો ટાઈમ નથી.  મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિક ખાણખનીજ ખાતાના અધિકારીઓના નાક નીચે સફેદ રેતીનો કાળો કારોબાર ચાલતો હતો અને તેમના નાકને આ રેકેટની ગંધ સુદ્ધા ન આવી એ ગામડાના સ્થાનિક સરપંચથી માંડીને લોકો માનવા તૈયાર નથી. પરંતુ રાજ્ય સરકારમાં ઉચ્ચકક્ષાએ થયેલી રજૂઆતે બંને જિલ્લાના ખાણખનીજ ખાતાના તંત્રની પોલ ખોલી નાંખી હતી. ગાંધીનગરની ટીમ દ્વારા વિજાપુરના ધનપુરા અને સાબરકાંઠાની હદમાં કરાયેલા રેતી ચોરીના આ રેકેટમાં રેતી માફિયાઓ સિવાય ઘણા રાજકીય મોટા માથાઓ સંડોવાયેલા હોવાનું મનાઈ રહ્યું છે. પરંતુ ખાણખનીજ ખાતુ જાણે અજાણે આ લોકોને ખુલ્લા ન પાડીને છાવરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે.