શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 16 એપ્રિલ 2015 (16:08 IST)

લાકડાનાં સંચાથી પીલવાનો શેરડી રસ લોકોને કોઠે પડી ગયો છે

ઉનાળાના આગમન સાથે ગુજરાતમાં શેરડીના સંચા હવે ઠેર ઠેર જોવા મળી રહ્યા છે પણ કચ્છના ભુજમાં આવેલો ઇશુની ૧૭મી સદીના મોડેલ જેવો નવા પ્રકારનો શેરડીનો સંચો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઉનાળાની ગરમીમાં શેરડીનો રસ લોકો માટે એક હાથવગું પીણું બની રહે છે. આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે સંયુક્ત આરબ અમીરાતના દેશોમાં શેરડીના સંચાનો પ્રથમ ઉપયોગ શરૂ થયો હોવાના ઉલ્લેખો જોવા મળે છે. કચ્છની પ્રજાએ હાથથી ઘુમાવતા શેરડીના સંચાનો યુગ જોયો છે ત્યારબાદ મશીનથી ચાલતા શેરડીના સંચા પણ કચ્છમાં ગોઠવાયા છે, પણ ભુજ ખાતે છેક મહારાષ્ટ્રના અકોલાથી પોતાના પરિવાર સાથે આવેલા સંતોષ યેલ્લાપ્પાએ શહેરના સૌથી વિકસિત મુન્દ્રા માર્ગ પર એક એન્ટીક પ્રકારનો હરતો ફરતો શેરડી પીલવાનો લાકડાનો સંચો ગોઠવીને લોકોને જાણે અસલ ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન કરાવ્યા છે.

આ પ્રકારના સંચા મહારાષ્ટ્રના શિરડી અને શનિ મહાદેવના સ્થાનક સિંગણાપૂરમાં હજુ પણ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. સંતોષ યેલ્લાપ્પાના જણાવ્યા પ્રમાણે સાઇધામ શિરડી પાસેના નગર નામના ગામમાં એક સુથાર પાસે તેણે આ લાકડાનો સંચો ખરીદ્યો છે. લાકડાના આ સંચામાં દેશી બાવળનું લાકડું વપરાયું છે. લાકડાના બે સ્તંભ વચ્ચે શેરડીના સાંઠા મુકવામાં આવે છે ત્યારબાદ હાથાને પકડીને, સંતોષ યેલ્લાપ્પા ગોળ-ગોળ ઘૂમી ઘૂમીને શેરડી પીલે છે. આ કાર્યમાં તેની પત્ની દ્વારકા પણ મદદરૂપ થાય છે. ઉનાળાની મોસમ પૂર્ણ થયા બાદ આ પરિવાર પરત મહારાષ્ટ્ર જશે.

આધુનિક યુગમાં લોકો બાટલી પેક્ડ ઠંડા પીણા અને આઈસક્રીમનો વધુ ઉપયોગ કરે છે પણ આરોગ્યપ્રદ રીતે પીલવામાં આવેલો શેરડીનો રસ તેના ગુણોની બાબતમાં સૌથી સમૃદ્ધ છે. શેરડીના રસમાં એવા પ્રકારનું ગ્લુકોઝ છે કે જે મધુપ્રમેહના દર્દીઓ પણ પી શકે છે. શેરડીના રસમાં એનટોકસીડેન્ટ છે અને તે પ્રોસ્ટેટ અને સ્તનના કેન્સરનું જોખમ ઘટાડે છે. આ ઉપરાંત તે શરીરનો વાન પણ ગોરો કરે છે. ઈજિપ્ત, મેસોપોટેમિયા,બ્રાઝીલ અને પોર્ટુગલ જેવા દેશોમાં આ જ પ્રકારના સંચાથી શેરડીના રસ પીલાય છે.