શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 27 ઑગસ્ટ 2014 (16:32 IST)

વજુભાઇ વાળાની નિયુક્તિને રાજકારણમાંથી નિવૃત્તિ રૃપે મૂલવવામાં આવી રહી છે

ગુજરાત વિધાનસભાના સ્પીકર વજુભાઇ વાળાની કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિયુક્તિને, અહી રાજકીય આલમમાં તેમની સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ રૃપે મૂલવવામાં આવી રહી છે, કેમ કે રાજ્યપાલ તરીકે નિમાતા રાજકારણીઓની રાજકીય કારકિર્દી ત્યારબાદ મોટેભાગે પૂરી થઇ જતી હોય છે.

વજુભાઇને તેમની કર્ણાટકના ગવર્નરપદે થયેલી નિમણૂક અંગે સત્તાવાર જાણ થઇ ચૂકી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી કર્ણાટક વિધાનસભા સચિવાલયને વોરન્ટ મળ્યા પછી કર્ણાટક તરફથી તે અંગે વજુભાઇને જાણ કરાઇ છે. હવે બુધવારે કર્ણાટક વિધાનસભા સચિવાલય તરફથી વિધિવત રૃબરૃ નિમંત્રણ અપાશે, એની રાહ જોવાઇ રહી છે. વજુભાઇને શુભેચ્છા પાઠવવા માટે મંગળવારે બપોર સુધી વિધાનસભા સંકુલ ખાતેની તેમની ચેમ્બરમાં અને ત્યારબાદ તેમના ગાંધીનગરના સત્તાવાર નિવાસસ્થાને ભારે ઘસારો રહ્યો હતો. મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ મંગળવારે બપોરે વિધાનસભા સંકૂલ ખાતે સ્પીકરની ચેમ્બરમાં આવ્યા હતા અને તેમણે વજુભાઇને પદનામિત રાજ્યપાલ તરીકે નિયુક્તિ બદલ તથા ઉજ્જવળ ભવિષ્ય માટે પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી.

આજના ભાજપનો જે રાજકીય પાર્ટી જનસંઘમાંથી ઉદય થયો, તેના સ્થાપનાકાળથી રાજકારણ અને આરએસએસ સાથે જોડાયેલા વજુભાઇ વાળાની ધારાસભ્ય તરીકે આ આઠમી ટર્મ છે. રાજકોટ- ૨ બેઠક ઉપરથી સતત ચૂંટાતા વજુભાઇ રાજ્યના નાણાપ્રધાન તરીકે લાંબા સમય સુધી ગુજરાત સરકારનું બજેટ રજૂ કરવામાં પણ વિક્રમ ધરાવે છે.
૭૭ વર્ષીય વજુભાઇને સક્રિય રાજકારણ છોડી જેમ ગુજરાત વિધાનસભાના સ્પીકરની ખુરશી ઉપર કમને બેસવું પડયું હતું તેમ કદાચ નિયતિ એમને ગવર્નર પદ સુધી લઇ આવી છે. વિધાનસભાના સત્ર વખતે ટૂચકાં- ટિખળથી ગૃહને હસાવતા વજુભાઇની વિદાયથી ગૃહને તેમની ખોટ સદા સાલશે.