બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 30 ઑગસ્ટ 2014 (12:56 IST)

વડોદરા એસટી ટર્મિનલ વાઈ-ફાઈ સુવિધાથી સજ્જ

મધ્ય ગુજરાતમાં વડોદરા એરપોર્ટને વાઈ-ફાઈની સુવિધાથી સજ્જ કર્યા બાદ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા મુકાયેલા રાજ્યના પ્રથમ આંતરરાષ્ટ્રીય કક્ષાના એસટી ટર્મિનલને પણ વાઈ-ફાઈ સુવિધાથી સજ્જ કરવામાં આવશે. જેમાં પેસેન્જર લોન્જ, ડિલક્સ વેઇટિંગરૂમ, ટિકિટિંગ કાઉન્ટર અને કોમર્શિયલ વિસ્તારને આવરી લેવામાં આવશે. આમ આધુનિક સુવિધાથી સજ્જ વડોદરાના એસટી બસ ટર્મિનલમાં આગામી દિવસોમાં મુસાફરોને વધુ હાઈટેક સુવિધાઓ ઉપલબ્ધ થશે. જોકે, આ સુવિધાનો લાભ મેળવવા ઇચ્છતા મુસાફરોએ ચાર્જ ચૂકવવો પડશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અહીં રોજની અંદાજે ૧૫૦૦ જેટલી બસો આવનજાવન કરે છે. તાજેતરમાં જ વડોદરામાં આંતરરાષ્ટ્રીય ટર્મિનલ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે જેની ગણતરી આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ સાથે થઈ રહી છે. રોજ ટર્મિનલમાં આવતા ૬૦ હજાર જેટલા મુસાફરોને વધારે સુવિધાઓ મળી રહે તે માટે વાઈફાઈ કનેક્ટિવિટીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે માટે ખાનગી કંપની પાસે સર્વે પણ કરાવાયો હતો. ત્યારબાદ એક માસની અંદર વાઈ-ફાઈ સુવિધા શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, આ સુવિધાનો ગેરકાયદે ઉપયોગ ન થાય તે માટે વાઈ-ફાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવા ઇચ્છતા મુસાફરો પાસેથી ચાર્જ વસૂલવામાં આવશે. વપરાશકાર જ્યારે વાઈફાઈ રેન્જમાં આવશે ત્યારે તેને સુવિધાનો ઉપયોગ કરવા પાસવર્ડ મેળવવાનો રહેશે તે માટે અલગથી વિન્ડો શરૂ કરવામાં આવશે. વાઈફાઈનો ઉપયોગ કરનાર મુસાફરે તેનો મોબાઈલ નંબર અને નામ જણાવ્યા બાદ જરૂરી ચાર્જ વસૂલ્યા બાદ તેને પાસવર્ડ જણાવવામાં આવશે. જેથી લોગિંગ કરનાર વ્યક્તિની તમામ જાણકારી તંત્ર પાસે રહી શકશે.