ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 2 સપ્ટેમ્બર 2014 (15:11 IST)

વડોદરાથી મુંબઇ ત્રણ કલાકમાં!?, અને તે પણ બાય રોડ!

અમદાવાદથી મુંબઇ વચ્ચે નેશનલ હાઇવે નંબર-૮ને સીક્સ લેન બનાવવાની સાથે-સાથે હવે ગુજરાતના વિકાસ માટે ખુબજ અગત્યના એવા વડોદરા-મુંબઇ એક્સપ્રેસ-વેના નિર્માણ માટેની તૈયારીઓ પણ પુરજોશમાં ચાલી રહી છે. ગોલ્ડન ક્વોડીરોલના ભાગરૃપે તૈયાર થનારા આ એક્સપ્રેસ-વે માટે વિવિધ જિલ્લાઓમાં જમીન સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ટુંક સમયમાં તેના નિર્માણ માટેનું કામ પણ શરૃ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વડોદરા અને અમદાવાદ શહેર વચ્ચે હાલમાં દેશનો સૌપ્રથમ એક્સપ્રેસ-વે કાર્યરત છે અને આ એક્સપ્રેસ-વે સાથે મુંબઇ-વડોદરા એક્સપ્રેસ-વે જોડાઇ જશે. વડોદરા-મુંબઇ એક્સપ્રેસ-વેનું અંતર ૩૮૦ કિલોમીટર હશે અને વડોદરાથી મુંબઇ આ એક્સપ્રેસ-વે પર માત્ર ત્રણ કલાકમાં પહોંચી શકાશે. એક્સપ્રેસ-વે માટેના સર્વેનું કામ પુરુ થયા બાદ તેનું નિર્માણકાર્ય પુરજોશમાં શરૃ થવાનું છે.

સુત્રોના જણાવ્યા મુજબ નવેમ્બર-૨૦૦૬માં કેબીનેટ કમીટીની ઇકોનોમી અફેર્સની બેઠક મળી હતી જેમાં દેશના ૧૦ રાજ્યોમાંથી પસાર થતા આશરે ૧૦૦૦ કિલોમીટરના હાઇવેને મંજુરી આપવામાં આવી હતી જે પૈકી વડોદરા-મુંબઇ એક્સપ્રેસ-વેને પણ મંજુરી અપાઇ હતી. ગોલ્ડન ક્વોડીરોલના ભાગરૃપે તૈયાર થનારો આ એક્સપ્રેસ-વે ગુજરાત તેમજ મહારાષ્ટ્ર અને  દાદરા-નગર હવેલીમાંથી પસાર થવાનો છે. રૃા.૧૦ હજાર કરોડ રૃપિયા જમીન સંપાદન તેમજ કન્સ્ટ્રક્શન સહિત આશરે રૃા.૨૭ હજાર કરોડના ખર્ચે તૈયાર થનારા આ એક્સપ્રેસ-વે માટે વર્ષ-૨૦૦૯માં સર્વે કરવામાં આવ્યો હતો અને હવે જમીન સંપાદનની કામગીરી હાથ ધરવાની સાથે-સાથે તેના નિર્માણ માટેની તૈયારીઓ પણ નવી સરકાર બનતાની સાથેજ શરૃ કરી દેવામાં આવી છે.

મુંબઇ અને વડોદરા વચ્ચેનો એક્સપ્રેસ-વે પબ્લીક-પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ તૈયાર કરવામાં આવશે. આ હાઇવે નેશનલ હાઇવે ડેવલોપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ ૬ મુજબ બનશે. ઉલ્લેખનીય છે કે અગાઉ નેશનલ હાઇવે નંબર-૮ પર ટ્રાફિકના ભારણનો સર્વે થયો હતો અને ત્યારબાદ એક્સપ્રેસ-વે બનાવવાનું નિર્ધારીત કરવામાં આવ્યુ હતું. એક્સપ્રેસ-વેના સુત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રની હદમાં આ એક્સપ્રેસ-વે ૨૬ કિલોમીટર લાંબો હશે અને ત્યારબાદ ગુજરાતની હદમાં ૨૬ કિલોમીટરથી ૨૮૭ કિલોમીટર સુધીની લંબાઇનો મેઇન એક્સપ્રેસ-વે ૮ લેન ફેસીલીટી સહિતનો બનશે પરંતુ શરૃઆતના વર્ષોમાં આ રોડ સીક્સ લેન હશે જ્યારે ૨૮૭થી ૩૭૪ કિલોમીટર સુધીનો હાઇવે ૨૦૩૫ માં ૮ લેન કરવામાં આવશે. સૌથી નાનું સેક્સન ૩૭૪ કિ.મી.થી ૩૭૮ કિ.મી.નું છે આ રોડ પર વર્ષ-૨૦૩૫ બાદ ૮ લેન કરવામાં આવશે. ગુજરાતની હદમાંથી નીકળનારો આ એક્સપ્રેસ-વે અડધો ડઝન જિલ્લાઓના ૧૫૮ ગામોમાંથી પસાર થશે અને આ ગામોમાં જમીન સંપાદન કરવાની કામગીરી લગભગ અંતિમ તબક્કામાં હોવાનુ જાણવા મળ્યુ છે.