મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ, , શનિવાર, 9 જુલાઈ 2016 (11:54 IST)

વરસાદના અભાવે ખેડુતો પરેશાન

જુલાઈ મહિનાના ૧૦ દિવસ પુર્ણ થવા આવ્યા હોવા છતાં હજી સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક માહિતી મુજબ, ગુજરાતમાં ૮૫થી ૯૦ લાખ હેક્ટર જમીનમાં ખેતી થાય છે. જે પૈકી ૬૦ લાખથી વધુ હેક્ટર જમીનમાં વરસાદ આધારીત સુકી ખેતી થાય છે. તેમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હજી સુધી મેઘરાજાની મહેરબાની વરસી નથી. જેના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં અત્યારે ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.

વર્તમાન સ્થિતિ મુજબ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા અને ભરુચ આ પાંચ જિલ્લા એવા છે કે જ્યાં હજી  સુધી વાવણીલાયક વરસાદ પણ થયો નથી. જેથી આ જિલ્લાઓના ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જુલાઈ મહિનામાં અત્યાર સુધી રાજ્યમાં સાર્વત્રિક ૧૫૯.૪ મીમી વરસાદ થવો જોઈએ તેની સામે અત્યાર સુધી માત્ર ૭૪.૪ મીમી જેટલો વરસાદ થયો છે. 

 અમરેલી અને ભાવનગરને બાદ કરતા  રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વધતા-ઓછા પ્રમાણમાં વરસાદની ખાધ જોવા મળી રહી છે. વરસાદની સૌથી ઓછી ઘટ પંચમહાલમાં ૧૩ ટકા અને વલસાડમાં ૨૦ ટકા છે. જ્યારે સૌથી વધુ ઘટ બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા અને ભરુચ જિલ્લામાં ૯૦થી ૧૦૦ ટકા જેટલી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હજી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થાય તેવી કોઈ સિસ્ટમ જણાઈ રહી નથી. જેથી આગામી ચારથી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી. જે જોતા સ્થિતિ વધુ કફોડી બની શકે છે. જાણકારોના મતે આગામી ૧ સપ્તાહ સુધી જો વરસાદ ન થયો તો કૃષિને મોટાપાયે નુકશાન થવાની શક્યતાને નકારી શકાતી નથી.