ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

વિકીલીક્સનો ઘટસ્ફોટ : પૂર્વ ધારાસભ્ય જયનારાયણે મોદીને તાનાશાહ કહ્યા હતા

P.R
ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભાજપમાં થઇ રહેલું લોબીંગ કોઇ નવી વાત નથી. મોદીના દસ વર્ષના શાસનકાળમાં અગાઉ પણ એવું બની ચૂક્યું હોય કે મોદી સામે પક્ષના જ કેટલાક નેતાઓએ બાંયો ચઢાવી હોય. ગત વિધાનસભા ચૂંટણીઓ પહેલા 2007માં 127માંથી 67 ધારાસભ્યોએ મોદી સામે મોરચો માંડ્યો હતો, અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સાથે ઉભા રહી ગયા હતા.

વિકીલીક્સના એક કેબલે બુધવારે રાજકીય હડકંપ મચાવી દીધો, જયારે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને મોદી વિરોધી જૂથની બેઠક થઇ. આ બેઠકમાં ચૂંટણી અંગેની તેમની રણનીતિ પર વાતચીત કરવામાં આવી. આ જૂથ મોદી વિરોધ અને પટેલ કાર્ડના સહારે રાજ્યમાં ત્રીજા મોરચાની સંભાવનાઓ શોધી રહ્યું છે. કેશુભાઇ પટેલના ઘરે ભાજપના નેતાઓની બેઠકને ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા મોદી સામે વધુ એક મોરચાના સ્વરૂપમાં જોવામાં આવે છે. વિકિલીક્સનો આ કેબલ 15 માર્ચ 2005માં તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં 127માંથી 65 ધારાસભ્યોની 9 માર્ચ 2005ના રોજ કેશુભાઇના નિવાસસ્થાને થયેલી બેઠકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કેબલમાં મોદીની શાસન કરવાની રીતોનો ઉલ્લેખ છે. તેમાં જયનારાયણ વ્યાસ તરફથી મોદીને તાનાશાહ કહેવામાં આવ્યા હોવાનો પણ ઉલ્લેખ છે. જો કે વ્યાસ તે સમયે મોદીના કેબિનેટમાં મંત્રી ન હતા.

સાત વર્ષ જૂના કેબલમાં જયનારાયણ વ્યાસના હવાલાથી કહેવામાં આવ્યું છે કે અમદાવાદના બિઝનેસમેન અને ભાજપના પૂર્વ ધારાસભ્ય જયનારાયણ વ્યાસનું માનવું છે કે મોદીની સ્થિતિ અગાઉ કરતા નબળી પડી ગઇ છે.. જો કે હાલ ગુજરાત સરકારના પ્રવકતા જયનારાયણ વ્યાસનું કહેવું છે કે આટલી જૂની વાતોને યાદ કરવી મુશ્કેલ છે. તેમણે કહ્યું કે આપણે એ વાત પર ધ્યાન આપવું પડશે કે 2005ની વાતચીતને અત્યારે બહાર લાવવા પાછળનો હેતું શું હોઇ શકે..

કેબલમાં રાજકારણમાં મોદી દ્વારા અપનાવવામાં આવેલી કડક શૈલીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમજ પત્રકારો અને ભાજપના કાર્યકારોને ટાંકીને રાજકીય પરિસ્થિતિની રજુઆત કરવામાં આવી છે, તેમના મતે " મોદી વાસ્તવિકતાથી દુર રહે છે, અને ગુજરાતમાં તેઓ લોકપ્રિય નથી, તેઓ ઘમંડી છે. વર્ષ 2002માં થયેલા હુલ્લડોને કારણે તેમની છાપ ખરડાઇ છે, અને તેમાં સુધારો લાવવા માટે તેમણે ખાસ કઇંજ કર્યુ નથી"