બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 19 ઑગસ્ટ 2014 (14:12 IST)

વિધાનસભાની 9 અને લોકસભાની વડોદરા બેઠકની પેટાચૂંટણી ગુજરાતમાં ૧૩ સપ્ટેમ્બરે

ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયાએ જાહેર કરેલા બાય-ઇલેક્શનના કાર્યક્રમ મુજબ ગુજરાતની વિધાનસભાની નવ બેઠકની પેટાચૂંટણી અને લોકસભા એક બેઠકની પેટાચૂંટણી ૧૩ સપ્ટેમ્બરે યોજાશે.

ગુજરાતમાં ૧૩ સપ્ટેમ્બરે વડોદરા લોકસભા બેઠક તેમ જ ડીસા, મણિનગર, ટંકારા, ખંભાળિયા, માંગરોળ, તળાજા, આણંદ, માતર અને લીમખેડા (ST) વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે મતદાન યોજાશે અને ૧૬ સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં વડોદરા લોકસભા બેઠક પરથી હાલના વડા પ્રધાન અને એ સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડ્યા હતા અને વિજય મેળવ્યો હતો. જોકે તેમણે વારાણસીની બેઠક પરથી પણ વિજય મેળવ્યો હતો અને પાછળથી વડોદરા બેઠક ખાલી કરી દીધી હતી જેથી વડોદરા લોકસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાશે.લોકસભાની ચૂંટણી લડેલા નરેન્દ્ર મોદીએ અમદાવાદના મણિનગર વિધાનસભાના વિધાનસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું એટલે મણિનગર વિધાનસભા બેઠક ખાલી પડી હતી.

નરેન્દ્ર મોદી ઉપરાંત ગુજરાત સરકારના રાજ્યકક્ષાના બે પ્રધાનો લીલાધર વાઘેલા અને જશવંતસિંહ ભાભોર પણ લોકસભાની ચૂંટણી લડીને જીત્યા હતા. આ ઉપરાંત ટંકારાના વિધાનસભ્ય મોહન કુંડારિયા, ખંભાળિયાનાં પૂનમ માડમ, માંગરોળના રાજેશ ચુડાસમા, તળાજાના ડૉ. ભારતી શિયાળ, આણંદના દિલીપ પટેલ અને માતરના વિધાનસભ્ય દેવુસિંહ ચૌહાણ BJP વિધાનસભ્યો હતા અને તેઓ લોકસભાની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને જીતી ગયા હતા એટલે ગુજરાતમાં વિધાનસભાની નવ બેઠકો ખાલી પડી હતી. આ ખાલી પડેલી બેઠકો માટે ૧૩ સપ્ટેમ્બરે પેટાચૂંટણી યોજાશે.