શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , બુધવાર, 29 એપ્રિલ 2015 (17:50 IST)

વિવાદાસ્પદ કર્ણાવતી ક્લબનો વહીવટ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સીલ

શહેરની પ્રતિષ્ઠિત એવી કર્ણાવતી ક્લબમાં ગેરકાયદે રીતે બનાવાયેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્સને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અાખરે સીલ મારી દેવાયા હતા. કર્ણાવતી ક્લબમાં બંધાયેલા સ્પોર્ટ્સ  કોમ્પલેક્સ માટે પ્લાન મૂકીને મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી લેવામાં અાવી ન હતી તેમજ બીયુ પરમીશન પણ મેળવવામાં અાવી ન હતી જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશને કર્ણાવતી ક્લબને બીપીએમસી  એક્ટની કલમ ૨૬૦(૧) હેઠળ નોટિસ ફટકારીને સાત દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું હતું. જો કે કર્ણાવતી ક્લબ દ્વારા અા અંગે સ્પોર્ટ્સ ક્લબની કાયદેસરતા અંગેના પુરાવા સાથે કોઈ જવાબ રજૂ નહીં કરાતા છેવટે અાજે મ્યુનિસિપલ કોર્પોરેશને કડક વલણ દાખવીને સ્પોર્ટ્સ કોમ્પલેક્સને સીલ મારી દેતા ક્લબના સત્તાધીશો અને સભ્યોમાં ચકચાર મચી ગઈ હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઅોનો કાફલો કર્ણાવતી ક્લબ પર ધસી ગયો હતો અને ૧૦ મિનિટમાં જ સીલ મારીને રવાના થઈ ગયો હતો. નોટિસ અાપવા છતાં પણ કોમ્પ્લેક્સનું કામકાજ ચાલુ રખાતાં અા કાર્યવાહી કરવામાં અાવી હતી. નોટિસમાં જણાવાયું છે કે કોર્પોરેશનની મંજૂરી વગર કોમ્પ્લેક્સનો ઉપયોગ કરવો નહીં. કોર્પોરેશનની મંજૂરી લીધા વિના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રવેશનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં અાવશે. કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોઅે જણાવ્યું હતું કે કર્ણાવતી ક્લબના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર સીલ મારવાની કાર્યવાહી જ કરવામાં અાવી છે. દરમિયાનમાં કર્ણાવતી ક્લબની મંગળવારે

મળેલી બોર્ડ બેઠકમાં ડિરેક્ટર્સે ગેરકાયદે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ મુદ્દે હોબાળો કરતાં અંતે ક્લબના હોદ્દેદારોઅે કોમ્પ્લેક્સને લગતી વિગતો જાહેર કરવી પડી હતી. કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા અા કોમ્પ્લેક્સના પ્લાન કોર્પોરેશનમાં પાસ ન કરાવ્યા હોવાનો અેકરાર હોદ્દેદારોઅે ક્યો હતો જેના પગલે ડિરેક્ટર્સે કરોડો રૂપિયાનો વેડફાટ કોમ્પ્લેક્સ પાછળ થયો હોવાથી હવે જ્યાં સુધી કોમ્પ્લેક્સનુ બાંધકામ રેગ્યુલરાઈઝ ન થાય ત્યાં સુધી નવા કોઈ ખર્ચા મંજૂર ન કરવા તેમજ ક્લબ ખાતે હવે જે કંઈ નવું બાંધકામ થાય તે પ્લાન પાસ કરાવ્યા વગર ન કરવું તેનો નિર્ણય લેવાયો હતો.

બોર્ડ બેઠકમાં ગ્રીન અેન્વાયર્નમેન્ટ ફી મુદ્દે પણ વિવાદ થતાં ફીમાં વિવિધ કેટેગરીમાં અેકસરખો રૂ.૧૫૦૦નો ઘટાડો કરાયો છે. જાેકે અા ઘટાડો કર્યા બાદ ક્લબે હવે સભ્યોને અાપવાનો થતો ચાંદીનો સિક્કો રદ કરી દીધો છે. કર્ણાવતી ક્લબની સ્થાપનાને ૨૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રત્યેક સભ્યને ચાંદીનો સિક્કો અાપવાનો ક્લબ મેનેજમેન્ટે નિર્ણય લીધો હતો, પરંતુ અેન્વાયર્નમેન્ટ ફીમાં ઘટાડો કરી દેવાતાં હવે  સભ્યોને ચાંદીનો સિક્કો
અાપવાનો નિર્ણય પડતો મુકાયો છે. ક્લબના પ્રેસિડેન્ટ ગિરીશ દાણીઅે મીડિયા સાથેની વાતચીતમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સનો પ્લાન પાસ ન કરાવ્યા મુદ્દે ચોખવટ કરતાં કહ્યું કે ગોલ્ડન ગ્લોરી હોલનો મુદ્દે કોર્ટમાં ચાલી રહ્યો હોવાથી કોર્પોરેશન અમારા પ્લાન સ્વીકારતું નથી તેથી સ્પોર્ટસ કોમ્પ્લેક્સનો પ્લાન પાસ કરાવાયો નથી. ક્લબ ખાતે અાવેલી સરભરા રેસ્ટોરાં કે જે ટીજીબી હસ્તક છે તે રેસ્ટોરાંમાં ફૂડ કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત સરોજબહેન ચોક્સીને માસિક રૂ.૮૫,૦૦૦નો  પગાર ક્લબ તરફથી અપાય છે. તેમનો પગાર વધુ રૂ.૧૦,૦૦૦ વધારીને રૂ.૯૫,૦૦૦ કરવાની દરખાસ્ત બેઠકમાં કરવામાં અાવી હતી, જેની સામે હસમુખ

પરીખ, અેન. જી. પટેલ અને નગીન પટેલે વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે રેસ્ટોરાંનો નફો ટીજીબી લઈ જતી હોય તો ફૂડ કન્સલ્ટન્ટનો પગાર પણ તેણે જ ભોગવવો જાેઈઅે. જાેકે તેમના વિરોધ છતાં બહુમતીના જાેરે પગારવધારો કરી દેવાયો હતો.