ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 2 માર્ચ 2015 (17:27 IST)

વિશ્વમાં સૌ પ્રથમ વાર સ્વામિનારાયણ સંપ્રદાયનું કન્યા ગુરુકુળ બની રહ્યું છે

સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ કન્યા ગુરુકુળનું નિર્માણ થઈ રહ્યું છે. મહાદેવના શિરે અખંડ જલ ધારા વહી રહી છે તે મચ્છુન્દ્રીના કિનારે ઉના પાસેના મહાભારતકાલીન દ્રોણેશ્વર મહાદેવ ખાતે તેનું નિર્માણ થશે. એસજીવીપીના શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી આ ગુરુકુળનું નિર્માણ થઇ રહ્યું છે. આ દ્રોણેશ્વર ગુરુકુળમાં પ્રાણ-પ્રતિષ્ઠાવિધિ વડતાલ ગાદીનાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે કરવામાં આવી.

આ પ્રસંગે દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય અને ઋષિકુમારો દ્વારા વૈદિક વિધિથી ભગવાન શ્રી સ્વામિનારાયણના જયઘોષ પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજકીય, સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ અંગે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મર્યાદામાં રહીને પણ કન્યા કેળવણીનું કાર્ય કરી શકે છે. માટે જ ભવિષ્યમાં આ સ્થાન મર્યાદા અને વિકાસ સાથે સમન્વય સાધીને એક અદ્‌ભુત પરિણામ આપશે. એટલે કે એક સુશિક્ષિત કન્યા સમાજને શ્રેષ્ઠ ભવિષ્ય પણ આપી શકશે. દોઢ-બે વર્ષમાં અહીં કન્યા ગુરુકુળ કાર્યરત્ થઇ શકશે.

તેમણે જણાવ્યું કે દ્રોણેશ્વર ગુરુકુળમાં કન્યા કેળવણીને પ્રાધાન્ય આપીને, સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરવામાં આવશે. કેમકે સંસ્કારી માતાઓ હશે તો જ રાષ્ટ્રને સંસ્કારી સંતાનો મળશે. સંસ્કારી સંતાનો રાષ્ટ્રનો સાચો આધાર છે. આ દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે કન્યાઓને સ્વરક્ષા માટે ખેલકૂદ વગેરેની તાલીમ આપવામાં આવશે. જેથી કન્યાઓ અનિષ્ટ તત્વોનો વીરતાથી સામનો કરી શકે. આ ઉપરાંત આધુનિક યુગના જ્ઞાન વિજ્ઞાનનો લાભ પણ અહીંયા મળશે. કન્યા કેળવણી ઉપરાંત અહીં બીજા પણ અનેક શૈક્ષણિક પ્રકલ્પો હાથ ધરવામાં આવશે. જેને લીધે આ વિસ્તારના બાળકોને સર્વાંગીણ શિક્ષણ પ્રાપ્ત થશે.

જ્યારે બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કન્યા કેળવણીનું આ ઐતિહાસિક પગલું ભરાયું ત્યારે હજારો લોકોએ તેને હર્ષધ્વનિથી વધાવી લીધું છે. મોટાં શહેરોમાં તો કન્યા કેળવણી માટેનાં સ્થાનો સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે ત્યારે આ સ્થાન વિશિષ્ટ બની રહેશે.

પાંડવો પણ અહીં પોતાનાં ગુરુ સાથે પધાર્યા હતા દ્રોણેશ્વર મહાદેવના સાનિધ્યમાં અને મચ્છુન્દ્રી નદીની ગોદમાં કુદરતી વાતાવરણમાં આ ગુરુકુળનો વિકાસ થશે અને આધુનિક યુગમાં પ્રાચીન ગુરુકુળોની ઝાંખી કરાવશે. દ્રોણેશ્વર મહાદેવ અત્યંત પ્રાચીન છે.ગુરુ દ્રોણાચાર્ય પોતાના શિષ્યો પાંડવોને લઇને અહીં પધાર્યા હતા અને દ્રોણેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. એક કથા મુજબ એવું પણ કહેવાય છે કે અહીં ગુરુ દ્રોણે પૂજા કરવા શિવલિંગની સ્થાપના કરી અને તેઓ દ્રોણેશ્વર મહાદેવના નામથી પ્રસિદ્ધ થયા. શિવલિંગ ઉપર ગંગાજળનો અભિષેક થાય તે માટે એક શિલામાં તીર મારવામાં આવ્યું અને સીધી જ જળધારા શિવલિંગ ઉપર પડે છે.