શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 18 નવેમ્બર 2014 (14:33 IST)

શહેરમાં ટ્રાફિકની સમસ્યા બીઆરટીએસના લીધે જ બેવડાઈ

શહેરમાં વધતા વાહનોની સંખ્યાને પગલે આવનારા સમયમાં ટ્રાફિકની સમસ્યાને હળવી બનાવવા બસ રેપિડ ટ્રાન્સ સિસ્ટમ (બીઆરટીએસ) શરૂ કરવામાં આવી હતી. શહેરમાં પહેલેથી જ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) ખોટમાં ચાલી રહી છે એવામાં એએમટીએસ સેવામાં સુધારા-વધારા કરવાની જગ્યાએ બીઆરટીએસ બસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો, કરોડોનો આ પ્રોજેક્ટ અમદાવાદીઓને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે બનાવાયો હતો પણ શહેરમાં ટ્રાફિકની સમસ્યા બીઆરટીએસના લીધે બેવડાઈ છે.

બીઆરટીએસની મૂળ ડિઝાઈન રેડિયલ સર્કલ બનાવી શહેરને આવરી લેવાની હતી પણ કોટ વિસ્તાર અને ટ્રાફિક પોઈન્ટ પર ધ્યાન અપાયું હોવાનું ઊડીને આંખે વળગે છે. એલિસબ્રિજથી એમ. જે. લાઈબ્રેરીવાળો અમદાવાદનો સૌથી લાંબો બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ પર બીઆરટીએસ બસ સ્ટોપ બનાવવામાં આવી રહ્યું છે પણ કોઈ વોક વે બનાવાયો નથી. સેપ્ટની ડિઝાઈનમાં બીઆરટીએસ બસ સ્ટોપથી ફૂટપાથ સુધી રોડ પર વોક વે બ્રિજ બનાવવાનું સૂચવાયું હતું, પરંતુ જે શહેરના એક પણ બીઆરટીએસ બસ સ્ટોપ પર વોક-વે બનાવાયા નથી. એમાંય બ્રિજ પર આમપ્રજા માટે ન ફૂટપાથ બનાવાઈ છે ન વોક વે તો સામાન્ય જનતા કયા થઈ પસાર થશે તે એક પ્રશ્ર્ન ઊઠી રહ્યો છે. મુંબઈ સમાચારે આ અંગે જુદા જુદા બીઆરટીએસ બસ સ્ટોપની મુલાકાત લઈ મુસાફરોનો અભિપ્રાય જાણતા તો કંઈક અલગ જ પ્રશ્ર્નો ઉજાગર કરી રહ્યા હતા. જયેશ પંડ્યા નામના એક જૈફ અમદાવાદવાસીએ જણાવ્યું હતું કે, આ બસમાંથી ઊતરીને રસ્તો કેમ ઓળંગવો એ જ એક મોટો પ્રશ્ર્ન છે. એમાંય ઉંમરલાયક વ્યક્તિને તો ઢીંચણની તકલીફ હોય, કેટલાક ચાલી ન શકતા હોય તેમને બીઆરટીએસ સ્ટોપથી ફૂટપાથ સુધી પહોંચતા નાકે દમ આવી જાય છે.

અન્ય એક લીલાબેન ડાભીએ જણાવ્યું હતું કે, હું બીઆરટીએસમાં જ મુસાફરી કરું છું પણ એના સ્ટોપથી ફૂટપાથ સુધી પહોંચતા બહું બીક લાગે છે. મારે કાયમ કોઈનો સંગાથ શોધીને રસ્તો ક્રોસ કરવો પડે છે. જો આ માટે વોક-વે બને તો બહુ સારું.

અમદાવાદ મનપામાં કૉંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખે જણાવ્યું હતું કે, શહેરમાં કરોડોનો ધુમાડો કરી બનાવાયેલ બીઆરટીએસ કોરીડોરની ડિઝાઈન જ શહેરને અનુકૂળ નથી. તેમ છતાં હજુ મનપા પાણીની જેમ પૈસા વાપરી નવા નવા બીઆરટીએસ બસ સ્ટોપ તો બનાવી રહી છે પણ બરોડામાં જે વોકવે બનાવાયા છે તેવો એક પણ વોક-વે શહેરમાં નથી.