શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 30 ઑગસ્ટ 2014 (12:45 IST)

સફેદ હાથીઃ સાબરમતી રીવરફ્રન્ટ પ્રોજેક્ટ-ચાર હજાર દિવસ-રૂ.૧૧૫૨ કરોડનો ખર્ચ, છતાંય અધૂરો

મેગા સિટીની શાનનું બિરુદ પામેલા સાબરમતી રીવરફ્રન્ટ પ્રોજેક્ટને પૂરો કરવામાં થયેલા વિલંબને લીધે કરોડો રૂપિયાનું આંધણ કરવા છતા પણ હજુ શહેરીજનો માટેનું નવલું નજરાણું પૂરૂં થઇ શક્યું નથી. એક હજાર દિવસમાં રૂ. ૪૭૩ કરોડના અંદાજિત ખર્ચ સાથે શરૂ થયેલા આ પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધીમાં રૂ.૧૧૫૨ કરોડનો ખર્ચ થવાના અંદાજ બાદ ચાર હજાર દિવસ વિત્યા છતાંય પ્રોજેક્ટ પૂરો કરવામાં મહાનગરપાલિકના સત્તાધીશો ઉણાં ઉતર્યા છે.

જૂના અને નવા અમદાવાદની વચ્ચે નર્મદાના ઉછીના પાણીથી વહેતી સાબરમતી નદીના બન્ને કાંઠાને યુરોપીયન ક્ધટ્રીની ડીઝાઇનના વાઘાં પહેરાવીને નદીકાંઠાનો વિકાસ કરવાના મહત્ત્વાકાંક્ષી સાબરમતી રીવરફ્રન્ટ પ્રોજેક્ટના મૂળ અંદાજિત ખર્ચ સામે અત્યાર સુધીમાં ચાર ઘણો ખર્ચ થયો છે જ્યારે સમયમાં પણ સમયગાળામાં પણ એટલો જ વધારો થઇ ચૂક્યો છે બીજી બાજુ ઉછીના પાણીથી વહેતી નદીના વિકાસ માટે મનપાએ કેન્દ્ર અને પોતાના રૂપિયા ઉપરાંત હુડકો પાસેથી પણ કરોડો રૂપિયા ઉછીના લીધા હોવાથી તેનું મૂડી ભારણ અને તેની ઉપર વ્યાજનું તોતીંગ ભારણ પણ વધી રહ્યું છે.

૧૯૯૭ માં રચાયેલી સાબરમતી રીવરફ્રન્ટ નામના કંપનીએ નદીના વિકાસ માટે હુડકો પાસેથી લોન લીધી હતી અને તેનું વ્યાજ સન ૨૦૦૯ થી ચૂકવવાનું શરૂ થવાનું હતું. હુડકો પાસેથી લીધેલી લોન સામે મનપાએ સરદાર પટેલ સ્ટેડિયમ, પશ્ર્ચિમ ઝોનની મનપા કચેરી, નારણ ઘાટની ૫૦૦ મીટર જગ્યા, ૧૩૨ ફૂટના રીંગ રોડ પરનો એક પ્લોટ અને નદી કાંઠાના પૂર્વ તરફના રીવરફ્રન્ટની ૯૦ હજાર ચો.મી. જેટલી જમીન પણ ગીરવે મૂકી હતી. હુડકોની લોન ચૂકવવા માટે રીવરફ્રન્ટની ૨૮ હેક્ટર જમીન વેચવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ તેના માટેની રાજ્ય સરકારની મંજૂરી ફાઇલોમાં અટવાઇ જતા હવે હુડકોની લોનનું દર વર્ષનું રૂા.૧૩૦ કરોડનું વ્યાજ અને વ્યાજનું મુદ્દલ એક નવું નાણાંકીય ભારણ બનીને મનપાને સતાવી રહ્યું છે.