ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગાંધીનગર: , ગુરુવાર, 2 જુલાઈ 2015 (14:15 IST)

સહાય માટે કુલ રૂ. ૩૩ કરોડની રકમ છૂટી કરાઈ છે.

રાજ્યના અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરત અને વલસાડ એમ પાંચ પુરગ્રસ્ત જિલ્લામાં કુલ દોઢ લાખ હેક્ટર જમીનને નુકસાન થયું છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પુરગ્રસ્ત વિસ્તારોમાં માનવ મૃત્યુ સહાય, પશુ મૃત્યુ સહાય, ઘરવખરી સહાય અને દશ દિવસ સુધીના કેશડોલ્સની સહાય માટે કુલ રૂ. ૩૩ કરોડની રકમ છૂટી કરાઈ છે. તદ્ઉપરાંત રાજ્ય સરકાર પાસે કુલ રૂ. ૩૦૦૦ કરોડનું ભંડોળ કુદરતી આપત્તિ નિવારણ માટે છે. તેમ આજે રાજ્યના પ્રવકતા મંત્રી નીતીન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

રાજ્યના પ્રવકતા મંત્રી નીતીન પટેલે પુરગ્રસ્ત જિલ્લાઓમાં થયેલી તારાજી તેમજ રાહત-બચાવ કામગીરી અંગે પત્રકારોને માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે. અમરેલીમાં ૪૧ વ્યક્તિના મોત થયા હોઈ તેમાંથી ૧૪ બિનવારસી લાશ મળી છે. ૧૭ મૃતકોના વારસને મૃત્યુ સહાય ચુકવાઈ હોઈ ત્રણ કિસ્સામાં કાર્યવાહી ચાલુ છે. નવ વ્યક્તિ લાપતા છે. ૩૨૬ ગામની મોજણીમાં ૬૨ ગામ વધુ અસરગ્રસ્ત હોઈ ૩૭૭૪ પશુના મોત થતા પશુ દીઠ રૂ. ૩૦,૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે.

ગ્રામ્ય વિસ્તરમાં ૮૩૦૫ કુટુંબોને રૂ. ૨.૧૬ કરોડની સહાય અને શહેરી વિસ્તરમાં ૨૭૬૬ કુટુંબને રૂ. ૭૬.૯૧ લાખની સહાય ચૂકવાઈ હોઈ. પાક નુકસાનના મામલે ૬૧ ટીમ સર્વે કરી રહી છે. પંચાયતના બાર મુખ્ય રસ્તા મોટેરેબલ થઈ ગયા છે. રોડને થયેલા નુકસાનનો સર્વે ચાલુ છે. એસ.ટી. વ્યવહાર પૂર્વવત થઈ ગયો છે તેમ જીઈબીની સો ટીમ પુરગ્રસ્ત વિસ્તારમાં કાર્યરત હોઈ ૫૮૭ ગામાં વીજપુરવઠો પૂર્વવત થઈ ગયો છે. પાણી પુરવઠાના મામલે ૧૬૧ ગામ પૈકી ૨૫ ગામમાં ટેન્કરથી પાણી પૂરું પડાય છે. આ ગામ સિવાયના અન્ય ગામના જૂથ પાણી પુરવઠા યોજનાથી જોડાઈ ગયા છે. પશુઓના ઘાસચારાના મામલે અમરેલીમાં બે રૂપિયે કિલોના ભાવે ૨૯,૦૦૦ કિલો ઘાસનું  કરાયું છે તેમ પણ પ્રવકતા મંત્રીએ જણાવ્યું હતું.
પ્રવકતા મંત્રી નીતીન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૧.૪૩ લાખ પરિવારની આરોગ્ય તપાસણીમાં ૬૦૭૯ તાવના અને ૧૭૦૦ ઝાડા-ઊલટીના કેસ મળ્યા હોઈ હજુ ક્યાંય રોગચાળો નથી. ૧૨ તાલુકા આરોગ્ય કેન્દ્ર અને ૩૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાલુ થઈ ગયા છે. ૧૬૧૮ આંગણવાડી પૈકી ૬૦ સિવાયની તમામ આંગણવાડી ચાલુ થઈ ગઈ છે. ૭૮૫ પ્રાથમિક શાળા પૈકી ૭૦૫ પ્રાથમિક શાળા પણ ચાલુ થઈ ગઈ છે. ૨૦,૦૦૦ વિદ્યાર્થીઓને નવા પાઠ્યપુસ્તક, નોટબુક આપવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. કુકાવાવ તાલુકા પંચાયત સિવાય તમામ સરકારી કચેરીઓ કાર્યરત થઈ ગઈ છે. વડિયા સિવાય અન્યત્ર ફોન સર્વિસ, બાબાપુર, કુકાવાવ સિવાય અન્યત્ર બેન્કિંગ સર્વિસ ચાલુ થઈ ગઈ છે. ચાર કિ.મી. રેલવે પાટાના પરજબતનું કામ ચાલુ છે.
શેત્રુજીથી ભાદર વચ્ચેની દશ હજાર હેક્ટર જમીન ધોવાઈ
શેત્રુજી નદી અને ભાદર નદીમાં ઘોડાપુર આવવાથી બંને નદી વચ્ચેનો આશરે દશ હજાર, જમીનનું ધોવાણ થયું છે. તેમાં પણ અમરેલી જિલ્લામાં ખેતીની જમીનને વ્યાપક નુકસાન થયું હોઈ તેનો સર્વે ચાલી રહ્યો છે.
૭ સિંહ, ૧૧ ચિતલ, ૭૫૨ રોઝના મૃત્યુ થયા
ભાવનગર જિલ્લામાં મેઘકહેરથી ૭ સિંહ, ૧૧ ચિતલ, ૭૫૨ રોઝ સહિત ૧૨૫૫ પશુના મોત થયા છે.
રાજકોટમાં ૭, ભાવનગરમાં ૪, સુરતમાં ૩ વ્યક્તિના મોત નોંધાયા
તાજેતરની અતિવૃષ્ટિથી સરકારના ચોપડે અમરેલી ઉપરાંત રાજકોટમાં ૭ વ્યક્તિ, ભાવનગરમાં ૪ વ્યક્તિ, સુરતમાં ૩ વ્યક્તિ, ભરૂચમાં ૨ વ્યક્તિ અને વલસાડમાં એક વ્યક્તિના મોત નોંધાયા છે.