ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 21 નવેમ્બર 2014 (17:13 IST)

સાવરણીએ પણ નવું રુપ ધારણ કર્યુ

હાલ સમગ્ર ભારતમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે જેના કારણે સાવરણીની બોલબાલા શરૃ થઈ છે. પરંતુ આ પહેલાં સાવરણીને સફાઈ માટે તો ઉપયોગમાં લેવાતી હતી પરંતુ તે કદરૃપી હોવાથી તેને દરવાજાની પાછળ સંતાડીને મુકવામાં આવતી હતી. પરંતુ ઉજ્જેનની એક આદિવાસી અભણ મહિલાએ સાવરણીને નવી ઓળખ આપી દીધી છે. સાવરણીને ડિઝાઈનર બનાવવા સાથે તેને દરવાજા પાછળ નહીં પંરતુ ડ્રોઈંગ રૃમમાં શોપીસની જેમ મુકી દેવામાં આવે તેવી બનાવી છે. સાવરણીને ફુટપાથ પરથી પ્રદર્શન સ્થળ સુધી લઈ જવા બદલ આ અભણ મહિલાને રાજ્ય કક્ષાનો એવોર્ડ પણ મળ્યો છે.
સુરત પાલિકાના સાયન્સ સેન્ટરમાં હાલમાં કલા વારસાના નામે દેશ ભરના ખ્યાતિ પામેલા આદિવાસી કલાકારોની કલાનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શનના એક સ્ટોલમાં ઉજ્જેનના કમેડ ગામની શારદાબાઈ વર્માનો પણ એક સ્ટોલ છે. કહેવામાં તો આ સ્ટોલ ખજુરના પત્તાનો ઉપયોગ કરીને બનાવેલી સાવરણીનો સ્ટોલ છે. સાવરણી નામ સાંભળીને ભાગ્યે જ કોઈ સાવરણી જોવાની ઈચ્છા ધરાવે છે. પરંતુ પ્રદર્શનમાં આવનારાની નજર અચાનક શારદાબાઈના સ્ટોલ પર પડે તો તે સાવરણી અચુક નિહાળે છે.

ઉજ્જનના તદ્દન ગરીબ વિસ્તારમાં ઉછરેલી શારદાબાઈ ભણવાની આઠ વર્ષની ઉંમરથી જ પોતાના પિતા સાથે સાવરણી બનાવવાનું કામ કરતાં હતા. લગ્ન બાદ તેમના પતિ પણ સાવરણી બનાવવાનું કામ કરતાં હોય તેમને મદદરૃપ થતાં હતા. પરંતુ એક વખત જ્યારે ભોપાલમાં એક કલા મેળાનું આયોજન થયું ત્યારે તેઓએ અખતરાના ભાગ રૃપે સાવરણીને થોડી ડેકોરેટીવ બનાવી હતી. આ પ્રદર્શનમાં આ સાવરણી ચપોચપ વેચાઈ ગઈ હતી.

જેના કારણે સાવરણીને નવું જ રૃપ આપવાનું શારદાબાઈએ થાની લીધું હતું. ત્યાર બાદ સારવણીને એક નવું જ રૃપ તેઓએ આપી દીધું છે. સાવરણીના હાથાને ખજુરીના પાનથી જ ડેકોરેટીવ બનાવવાની કામગીરી તેઓએ શરૃ કરી હતી. આ ઉપરાંત હાથાની જગ્યાએ ઢીંગલી બનાવી તે ઢીંગલીનો ઉપયોગ દિવાલ પર લટકાવવામાં થઈ રહ્યો છે. આ સાથે ખજુરીના પત્તાની સાદડી, ગુલદસ્તો અને ફ્લાવર પોર્ટ બનાવવાનુ શરૃ કરી દીધું છે.

હજી પણ તેઓ સારવણીને જુદા રૃપ આપવા માટે સતત નવું કરતાં રહે છે. શારદા દેવી અભણ હોવા છતાં તેમના ક્રીએટીવ વિચારોના કારણે સાવરણીને દરવાજા પાછળ સંતાડવાનું નહીં પરંતુ પ્રદર્શન કરવાનું સાધન બનાવી દીધું છે. જો આવી વસ્તુનું વ્યવસ્થિત માર્કેટીંગ કરવામા આવે તો હાલમાં બજારમાં વેચાતા ચાઈનીસ ઝાડુની વિદાય નક્કી થઈ શકે છે.

સુરતના સાયન્સ સેન્ટર ખાતે કલાવારસો પ્રદર્શનમાં ઉજ્જેનની આદિવાસી મહિલાએ ઝાડુને નવા જ રૃપ રંગમાં પ્રદર્શિત કર્યું છે. ડેકોરેટીવ ઝાડુ સાથે આ મહિલાએ મંદિરની સફાઈ માટે પણ ઝાડુ બનાવ્યું છે. તેઓ કહે છે, આમ તો મંદિરની સફાઈ ઝાડુથી થઈ શકે તેવી માન્યતા છે. પરંતુ અમે દસથી બાર ઈંચનું ઝાડુ બનાવ્યું છે જેનો ઉપયોગ માત્રને માત્ર મંદિરની સફાઈ માટે જ થાય છે. લોકોના ઘરે જે મંદિર હોય તે મંદિરમાં જામેલી ધુળ કે ફુલની રજકણ જેવા કચરાની સફાઈ આ ઝાડુ આસાનીથી કરે છે. ઉપરાંત આ ઝાડુ અન્ય કોઈ કામમાં આવતું ન હોવાથી માત્ર તેનાથી મંદિરની સફાઈ જ થઈ શકે છે.