શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 2 મે 2015 (17:17 IST)

સુરતીઓએ ઇંડાનો સ્વાદ બદલી નાખ્યો...ઇંડા ડોસા, કટલેસ, પિત્ઝા, ખાખરા ઇંડા, હરાભરા, ઓસ્ટ્રેલિયન ફ્રાય ચપોચપ ઉપડી રહ્યા છે

મોજીલા અને બિન્ધાસ્ત સ્વભાવ માટે જાણીતા સુરતીલાલા ખાવા-પીવાના પણ શોખીન ગણાય છે. સુરતીઓનો આ મસ્તમોલા નેચર દેશ-દુનિયામાં મશહૂર છે. લોચો, ખમણ, ભજિયા ખાવા માટે જાણીતા સ્વાદરસિક સુરતીઓ ઇંડા ખાવાના પણ ક્રેઝી છે. વળી, મોજીલા સ્વભાવ પ્રમાણે હોટલ-રેસ્ટોરન્ટમાં નહિ પણ લારી કે ધાબા પર પણ સપરિવાર ઇંડા ખાવા ઉમટી પડે છે. સુરતીઓનો આ ક્રેઝ જોઇને જ ઇંડાવાળાઓ પણ હવે ઈનમોવેટિવ બની ગયા છે. તેઓ ઇંડામાં અવનવી વેરાઇટી-ફ્લેવર ઉમેરી સ્વાદરસિક સુરતીઓને જલસો કરાવી રહ્યા છે.

સુરતીઓનો ટેસ્ટ-ચટાકો પારખીને શહેરના જાણીતા ઇંડાવાળાઓે ઇંડાની પરંપરાગત વાનગીઓ જેવી કે, આમલેટ, ભુરજી, ખીમો, ગોટાળો, ફ્રાય વગેરે જેવી વાનગીઓનું મેકઓવર કર્યુ છે. ઉપરાંત, ડોસા ઇંડા, ઇંડા સેન્ડવીચ, એગ બર્ગર, એગ પિત્ઝા, એગ ચાઇનીઝ, એગ કટલેસ જેવી અવનવી વેરાઇટીઓ પણ સ્વાદરસિકોમાં હોટફેવરિટ બની ગઇ છે. વળી ઇંડાની ચટાકેદાર અને મસાલેદાર વાનગીને ચીઝ અને બટરના તડકો પણ ટેસ્ટી બનાવે છે. ઇંડાની વાનગીઓ રૃ. ૧૦થી લઇ ૨૦૦ સુધીમાં મળી રહે છે. જેથી સ્વાદરસિકો ઓછા બજેટમાં પણ ઇંડાની વાનગીની ભરપેટ મજા લૂંટે છે.

આ અંગે આમલેટ સેન્ટરના મનોજે જણાવ્યું કે, કસ્ટમરોની ડિમાન્ડ અને ટેસ્ટના આધારે ઇંડામાં અવનવી વાનગીઓ તૈયાર કરાય છે. હાલમાં ઇંડામાં ડોસા, કટલેસ, પિત્ઝાની સાથોસાથ ખાખરા ઇંડા, હરાભરા, ઓસ્ટ્રેલિયન ફ્રાય જેવી વાનગીઓની પણ ભારે બોલબાલા છે. વળી, ભજિયા ખાવાના શોખીનો માટે કોથમીરના ભજિયાના નામે ઇંડાની વેરાઇટી પણ પીરસવામાં આવે છે. વળી, વિવિધ વાનગીના નામ પણ સુરતી સ્ટાઇલમાં જ આપવામાં છે. સુરતીઓને ઇંડામાં નવું શું આપીએ તે અંગે પણ અમે સતત વિચારતા રહીએ છીએ એમ પણ તેમણે ઉમેર્યુ હતુ. ટેસ્ટમાં અપાતી ફલેસિબિલિટીના કારણે સુરતીઓ ઈંડાની અનેકવિધ વાનગીઓ મનભરીનો માણી રહ્યં છે.

સુરતીઓ ભલે હેલ્થ કોન્સિયશ બન્યા હોય પણ તેઓ સ્વાદનો ચટાકો લેવાનું ભૂલ્યા નથી. જેવી રીતે સુગર ફ્રી મીઠાઈઓ શોધી કાઢવામાં આવી છે એવી જ રીતે ફેટ ફ્રી એગ્સનું ચલણ પણ વધી ગયું છે. હેલ્થ કોન્સિયશ પબ્લિકને ધ્યાનમાં રાખીને ત્રણેક વર્ષ પહેલાં ફેટ ફ્રી ઇંડા માર્કેટમાં મુકાયા હતા. જેનું ચલણ પણ અત્યારે વધ્યું છે. આ અંગે ઇંડા વિક્રેતા જયેશ પટેલે જણાવ્યું કે, ફેટ ફ્રી ઇંડામાં ચરબી હોતી નથી. તેમાંથી પ્રોટીન, વિટામિન તથા મગજ માટે ફાયદાકારક ઓમેગા થ્રી પણ મળી રહે છે. જેથી હાઇ પ્રોફાઇલ વર્ગ તેમાંય ખાસ કરીને ડોક્ટરોમાં આ ફેટ ફ્રી ઇંડાની ભારે ડિમાન્ડ હોય છે.

શોખીન સુરતીઓ રોજના લાખો રૃપિયાના ઇંડા ખાઇ જાય છે. એક હોલસેલ વિક્રેતાએ જણાવ્યું કે, સુરત શહેરમાં રોજિંદા ૧૫ લાખ નંગ ઇંડાનું વેચાણ થાય છે. સામાન્ય દિવસોમાં ૧૫ લાખ તો નવરાત્રિ, શ્રાવણ માસના દિવસોમાં આ વેચાણ ઘટીને ૧૦ લાખ સુધી પહોંચી જાય છે. તેમાં ય સ્વાદના શોખીનોમાં દેશી ઈંડાની ડિમાન્ડ વધુ રહેતી હોય છે.

સુરતીઓ ખાવાના શોખીન. ફાઈવ સ્ટાર હોટલમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનો ટેસ્ટ તેમને ભાવતો નથી. માથે પરસેવો વળે એવું ચટાકેદાર ભોજન મળે તો ક્યા કહેના... સુરતીઓના આ જ ભોજનપ્રિય સ્વભાવને કારણે ઈંડાની પરંપરાગત વાનગીઓનું પણ મેકઓવર થઈ ચૂક્યું છે. હવે સ્પ્રિંગ રોલ, સેન્ડવીચ, બર્ગર, પિત્ઝા, કટલેસ, ભજિયા, ગોટી ગોટાળો, ગ્રીન ગોટાળો, રબડી આમલેટ, આઇનીઝ આમલેટ, દહીં ચીઝ ગોટી ફ્રાય, અંગૂર રબડી, ઓસ્ટ્રેલિયન ફ્રાય, લસણનું કાચું, પાપલેટ, પાતરા, ફોફ્ટા, અફઘાની વગેરે આઈટમો સુરતીઓના સ્વાદને સંતોષી રહી છે.