શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 25 સપ્ટેમ્બર 2014 (17:38 IST)

સોનાનાં દાણચોરો દ્વારા નવા કેરિયરોને ચાલુ કરવા જાતજાતના પ્રલોભન

રાજકોટ એ સોનાના દાગીના માટે વિશ્વકક્ષાએ પ્રખ્યાત છે અને બહુ અલ્પ સોનામાં પણ રાજકોટમાં કલાત્મક દાગીનાઓ બની રહ્યા છે અને આ દાગીનાની વિદેશમાં પણ તેટલા જ પ્રમાણમાં માંગ રહે છે. આટલી મોટી માત્રામાં સોનાની ખપત હોય તો સ્વભાવીક છે કે સોનાની જરૃરિયાત પણ રહેવાની જ આથી કાયદેસરની સાથે ગેરકાયદે દાણચોરી કરીને સોનાનો જથ્થો રાજકોટમાં પ્રતિમાસ ૭૦૦ કિલો ઠલવાઈ રહ્યો છે અને જે ગેરકાયદેસર જથ્થો આવી રહ્યો છે તેમાંનો મોટાભાગનો જથ્થો કેરિયરો દ્વારા લઈ આવવામાં આવી રહ્યો છે, પણ જે કેરિયરો આ લાઈનમાં એકટીવ છે તેઓ હવે કસ્ટમ્સની નજરમાં ચડી ચુકયા હોવાથી હવે દુબઈ સ્થિત સોનાનો જથ્થો મોકલતા દાણચોરો નવા કેરિયરોને ચાલુ કરવા જાતજાતના પ્રલોભન આપી રહ્યાનું જાણવા મળેલ છે.

દુબઈ અને ભારતની માર્કેટ વચ્ચે સોનાના ભાવમાં નફાકારક રકમ મળતી હોવાથી ખાસ કરીને રાજકોટ અને આસપાસના સેન્ટરોમાંથી દુબઈ સ્થાયી થયેલા લોકો અને શહેરના બુકીઓ નફો રળી લેવાના હેતુથી અત્યાર સુધી હવાઈમાર્ગે અથવતો તો વધુ જથ્થો હોય તો સૌરાષ્ટ્રના ખુલ્લા સાગરકાંઠા દ્વારા દાણચોરીના સોનાનો જથ્થો ઘૂસાડતા હતા. હમણા સુધી દરીયાઈ સિઝન બંધ હતી તેથી મોટાભાગનો જથ્થો હવાઈમાર્ગે આવતો હતો, પણ હવે દરિયાઈ માર્ગ ખુલી ગયો છે અને વહાણો મોટાભાગના દુબઈ રવાના થઈ ગયા છે અને ત્યાંથી દિવાળી બાદ ખજુર સહિતનો જથ્થો લઈને આવવા માંડશે,ત્યારે આંતરરાષ્ટ્રીય હવાઈમથકો મારફત દાણચોરી સહેલી, ઝડપી અને સલામત લાગતા હવાઈમાર્ગે દાણચોરી ચાલુ કરી દેવામાં આવી હતી, પણ છેલ્લા કેટલાક સમયથી હવાઈમથક પર રહેલ કસ્ટમ્સ સ્ટાફ એલર્ટ થઈ જતા અને કેરિયરોની મોડસ ઓપરેન્ડીનો ખ્યાલ આવી જતા હવે દુબઈ સ્થિત દાણચોર સિન્ડીકેટ કસ્ટમ્સની નજરમાં આવી ગયેલા કેરિયરોને સાઈડલાઈન કરી નવા ચહેરાઓ શોધવા લાગ્યા છે અને આ માટે પ્રલોભન પણ આપવામાં આવી રહ્યા છે.

અત્યાર સુધી જે કેરિયરો હવાઈમથક પરના કસ્ટમ્સ સ્ટાફની આંખમાં ધુળ નાખી જથ્થો લઈને બહાર નીકળી શકતા હતા તેઓને અમુક રોકડ રકમ આપવામાં આવતી હતી, પણ હવે કેરિયરોને દુબઈથી આવવા- જવાની ટિકિટ અને મોજ-મસ્તીની લાલચ આપી કેરિયરના ગોરખધંધામાં સામેલ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, સામે હવાઈમથકનો કસ્ટમ્સ સ્ટાફ પણ છાપેલ કાટલા જે કેરિયરો થઈ ગયા છે તેને ઓળખી ગયા છે અને તેમની મોડસ ઓપરેન્ડી પણ જાણી ચુકયા છે. આથી આવા કેરિયરો ઝડપાવાની શકયતા વધી જાય છે.તેથી દુબઈમાં બેઠેલા લોકો નવા ચહેરોઓનો ઉપયોગ કરવા માટે નિશ્વિત બન્યા છે.

હવાઈ મથકોએ કસ્ટમ્સ એલર્ટ પર છે અને છાશવારે સોનાનો જથ્થો ઝડપી રહેલ છે ત્યારે સૌરાષ્ટ્રના ખુલ્લા સાગરકાંઠા પર હવે સિઝન શરૃ થવામાં છે તેમ જાણવા મળેલ છે.કારણ કે કાંઠા વિસ્તારમાં કસ્ટમ્સ જેવું કાંઈ રહ્યું નથી અને જે નોડલ એજન્સી કહેવાય છે તેમાં પણ ગાંધીછાપની બોલબાલા શરૃ થઈ ગઈ છે. આથી સિઝનમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠા પર કામકાજો થાય તેવા સંજોગો જણાઈ રહ્યાં છે.