ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 8 જાન્યુઆરી 2016 (14:53 IST)

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષવિરોધી કામ કરનારાને સસ્પેન્ડ કરો: કોંગ્રેસની શિસ્ત સમિતિને ભલામણ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત શિસ્ત સમિતિની બેઠકમાં શિસ્ત ભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓની 59 જેટલી ફરિયાદો મળી હતી. જેમાંથી ચૂંટણી દરમિયાન કોંગ્રેસ સામે જ ઊભા થયેલા બળવાખોરોને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની ભલામણ કરાઈ હતી. આવા છ બળવાખોરોને સસ્પેન્ડ કરવાની ભલામણ બેઠકમાં થઈ હતી. શિસ્ત સમિતિમાં આવેલી ફરિયાદ પ્રમાણે જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી છે તેમને પણ સાંભળવામાં આવશે.
 
આ તરફ કોંગ્રેસના આંતરિક વર્તુળોથી મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસે 15 જેટલા બળવાખોરોને સસ્પેન્ડ કરી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં બહુમતી મેળવી શકી છે. પરંતુ તેમ છતાંય ઉમેદવારોની પસંદગીથી લઇને અનેક બાબતોમાં પક્ષનો આંતરિક કલહ સપાટીએ જોવા મળ્યો હતો. ખાસ કરીને અમદાવાદ કોર્પોરેશન માટેના ઉમેદવારો જાહેર કરતા કોંગ્રેસની નાકે દમ આવી ગયો હતો અને સત્તાવાર યાદી જાહેર કરી શકાઇ નહોતી. અમદાવાદમાં કોંગ્રેસમાં તેના પક્ષના જ ઉમેદવારોએ બળવો કર્યો હતો અને પક્ષની વિરૂદ્ધમાં ઉમેદવારી નોંધાવી હતી. આવી 15 ફરિયાદો કોંગ્રેસને મળી છે. ચૂંટણીઓ દરમિયાન ઠેરઠેર પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરનારા સામે પણ કોંગ્રેસે લાલ આંખ કરી છે. આ પ્રકારની લગભગ 40 જેટલી ફરિયાદો આવી છે. આ મામલાઓમાં પક્ષે નોટિસ પાઠવી છે અને જેની સામે ફરિયાદ હોય તેમને સાંભળવામાં આવશે. જ્યારે કે 15 ફરિયાદોમાં કોઇ પણ પ્રકારનું તથ્ય નહીં હોવાનું સામે આવતા તેમને રદ કરી દેવામાં આવી હતી.