ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , સોમવાર, 6 જુલાઈ 2015 (15:09 IST)

હરસોલી ગામમાં નવાણીય કુટાયો

ચોર-લૂંટારાંઓ અને આતંકવાદીઓ ફરતા હોવાની ફેલાયેલી અફવાના પગલે આ વિસ્તારના ગામોમાં ડરના લીધે લોકો ચોકી ફેરો કરતાં થઈ ગયા છે. આ અફવાના લીધે ફેલાયેલા ભયના કારણે દહેગામ પાસેના હરસોલી ગામમાં એક આદિવાસી અજાણ્યા યુવકને ગ્રામજનોએ થાંભલા સાથે બાંધીને ઢોર માર્યો હતો. જોકે કોંગ્રેસના આગેવાને તેને છોડાવીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોકલી અપાયો હતો. દરમિયાનમાં અમદાવાદ જિલ્લા પોલીસની એલસીબી દ્વારા ચોર, લૂંટારાંઓ અને આતંકવાદીઓની અફવા ફેલાવનારા બે અમદાવાદ અને બે ખેડા જિલ્લાના મળીને કુલ ચાર શખસોને ઝડપી લીધા છે. 
અમદાવાદ, ગાંધીનગર અને ખેડા જિલ્લાના ગામડાંઓમાં ચોર-લૂંટારાંઓ અને આતંકવાદીઓ ફરતા હોવાની ફેલાયેલી અફવાના પગલે આ વિસ્તારના ગામોમાં ડરના લીધે લોકો ચોકી ફેરો કરતાં થઈ ગયા છે. આ અફવાના લીધે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ગામમાં રવિવારે વહેલી સવારે એક અજાણ્યો આદિવાસી યુવક પ્રવેશ્યો હતો. જેને રાતના ચોકી પહેરો કરતાં ગ્રામજનોએ ચોર-લુંટારું સમજીને તેને પકડીને થાંભલા સાથે બાંધીને ઢોર માર મારીને અધમૂવો કરી નાખ્યો હતો. 

જોકે બાદમાં આ યુવકની પૂછપરછ કરાતાં તે મૂળ ઝાલોદનો વતની અને અમદાવાદના ચાંદખેડામાં રહીને છૂટક મજૂરી કરતો સુરમલ આંબલિયાર હોવાનું બહાર આવ્યું હતું. આ અંગેની જાણ દહેગામના ધારાસભ્ય કામિનીબા રાઠોડ પતિ અને દહેગામ શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ રાઠોડને થતાં તેઓ તુરંત હરસોલી પહોંચી ગયા હતા. તેમણે સુરમલ આંબલિયારને છોડાવીને સારવાર માટે ગાંધીનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. આ અફવાના પગલે લોકોએ એક મજૂરી કામ કરતાં યુવાનને ચોર લુંટારું સમજીને તેની ધોલાઈ કરી નાખી હતી. 

દરમિયાનમાં અમદાવાદ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)એ ચોર-લુંટારુંઓ અને અતંકવાદીઓની અફવાના મેસેજ ફેલાવનારા ચાર શખસોને ઝડપી લીધા હતા. આ અંગે અમદાવાદ જિલ્લાના ડિવાયએસપી ઓ.પી. ભટ્ટે માહિતી આપતાં જણાવ્યું હતું કે એલસીબીએ આવી અફવા ફેલાવતાં ચાર શખસોને ઝડપી લીધા છે. જેમાં ફિરોજ અલ્લાઉદ્દીન ખલીફા (ઉં.વ.૩૦, રહે. કઠવાડા, જિ. ખેડા), કિશન જેઠાભાઈ ભરવાડ (ઉં.વ.ર૧, રહે. કઠવાડા, જિ. ખેડા), જયેશ પરસોત્તમભાઈ કોરિયા (ઉં.વ.૪૧, રહે. જૂના મ્યુનિસિપલ ક્વાટર્સ, બહેરામપુરા) અને રાહુલ દજાભાઈ પરમાર (ઉં.વ. ર૦, રહે. રામરહિમનો ટેકરો, બહેરામપુરા)ને ઝડપી લઈને તેની ધરપકડ કરી હતી. આ ચારેય શખસો વોટ્સએપ પર જુદા જુદા ગ્રૂપ બનાવીને આવી અફવાઓને ફેલાવતા હતા. 

ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે આ અફવા ફેલાવનારાઓમાં બે મુખ્ય આરોપીઓ બનાસકાંઠાના ધાનેરાના શખસો હોવાનું બહાર આવ્યું છે તેને ઝડપી લેવા પોલીસે વધુ કવાયત હાથ ધરી છે. પકડાયેલા ચારેય શખસો છૂટક મજૂરી કરે છે. આ ચારેય આરોપીઓ સામે આઈટી એક્ટ ઉપરાંત આઈપીસીની કલમ પ૦પ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે. 
સાયબર સેલ સક્રિય બન્યો

ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે આ મામલે પોલીસનો સાયબર સેલ પણ સક્રિય થઈ ગયો છે. વોટ્સએપ પર ફરતાં આવા મેસેજીસ પર બાજનજર રાખવામાં આવી છે. જે ગ્રૂપમાં આવી વધુ અફવા ફેલાવાતી હોય તેવા ગ્રૂપના એડમિન્સ ઉપર તવાઈ આવી શકે છે.