શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 23 જાન્યુઆરી 2015 (15:48 IST)

હવે સાસણ ગીરમાં સિંહોની ગણતરી કરવા આધુનિક પધ્ધતિનો ઉપયોગ થશે

પાંચ વર્ષ બાદ ગીર સાસણમાં સિંહોની ગણતરી કરવાની રાજ્યના વન વિભાગે તૈયારી કરી છે. જોકે, આ વખતે રાજ્યના વન વિભાગે સિંહોની ગણતરી માટે જૂનવાણી પધ્ધતિને બદલે લેટેસ્ટ અને આધુનિક પધ્ધતિનો ઉપયોગ કરવા વિચારણા હાથ ધરી છે. રાજ્યના વન અને પર્યાવરણ સચિવ પણ ગીરમાં અધિકારીઓ સહિત નિષ્ણાતો સાથે એકાદ બે દિવસમાં વન અધિકારીઓ સાથે બેઠક યોજીને ચર્ચા કરશે.

વન અને પર્યાવરણ વિભાગના અધિકારિક સૂત્રોના મતે, વર્ષ ૨૦૧૦માં થયેલી છેલ્લી ગણતરી મુજબ, ગીરમાં સિંહોની સંખ્યા ૪૧૧ હતી જે આ વખતે વધવાની સંભાવના છે. સિંહોની ગણતરી એપ્રિલમાં થવાની હતી જે હવે મે માસના પ્રથમ સપ્તાહમાં થશે. જોકે, આ વખતે આફ્રિકા જેવા દેશોમાં આધુનિક પધ્ધતિથી જંગલી પ્રાણીઓની ગણતરી થાય છે. ગીરમાં પણ આધુનિક પધ્ધતિથી સિંહોની ગણતરી કરવા વિચારણા હાથ ધરાઇ છે. આ ઉપરાંત એરિયલ વ્યૂથી સિંહોનું લોકેશન મેળવવા માટે યુએવી (અનમેન્ડ એરિયલ વ્હિકલ)નો પણ ઉપયોગ કરાય તેવી શકયતા છે. વન પર્યાવરણ સચિવ પી.કે.તનેજા એકાદ બે દિવસમાં જ ગીર-સાસણમાં ઉચ્ચ અધિકારી સાથે બેઠક યોજશે . સિંહોની ગણતરી માટે લેટેસ્ટ પધ્ધતિથી કરવા માટે નિષ્ણાતો પણ આ બેઠકમાં ભાગ લેશે. ખાસ કરીને ઇન્સ્ટીટયુટ ઓફ વાઇલ્ડ લાઇફ- દહેરાદૂનના નિષ્ણાતો પણ હાજર રહેશે.

ઉલ્લેખનીય છેકે, ઇન્સ્ટિટયુટ ઓફ વાઇલ્ડ લાઇફના નિષ્ણાતોએ રિસર્ચ કરીને જંગલી પ્રાણીઓની ગણતરી માટે પણ પધ્ધતિઓની શોધ કરી છે જેના પગલે વન વિભાગે નવી પધ્ધતિથી સિંહોની ગણતરી કરવા નક્કી કર્યુ છે. ગીર ઉપરાંત બરડાના અભ્યારણમાં સિંહોનો વસવાટ શરૃ કરાયો છે તે પણ દહેરાદૂન સ્થિત ઇન્સ્ટિટયુટ ઓફ વાઇલ્ડલાઇફના એક સર્વે બાદ રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો હતો.