શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : સોમવાર, 24 નવેમ્બર 2014 (14:02 IST)

૨૩ થી ૨૬ જાન્યુઆરીએ વડોદરામાં ૧૫ સ્થળો પર ૫૦ કાર્યક્રમો

સંસ્કારી નગરી વડોદરાનો કળા અને સાહિત્યમાં પણ સમૃદ્ધ ઇતિહાસ છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ દેશ વિદેશના કલાકારોને આમંત્રણ આપતાં, અને તેમની કળાનું સન્માન કરતા હતા.આ જ સમૃદ્ધ વારસાની પરંપરાને જાળવવા માટે ગુજરાત સરકાર આગળ આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરી મહિનામાં 'વડોદરા ઇન્ટરનેશનલ આર્ટ એન્ડ કલ્ચર ફેસ્ટિવલ' યોજવામાં આવશે.

આ કાર્યક્રમોની જાહેરાત કરવાના પ્રસંગે સૌરભ પટેલ અને ભાગ્યેશ જ્હાની સાથે એ આર રહેમાન પણ હાજર રહ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, 'મને આ કાર્યક્રમોમાં સમાવ્યો, તેથી હું ગુજરાતના લોકો અને ગુજરાત સરકારનો આભારી છું, અને મારી જાત પ્રત્યે ગૌરવ અનુભવુ છું. આ પ્રકારના કાર્યક્રમોના આયોજનથી દેશની કલા અને સંસ્કૃતિ વધુ સમૃદ્ધ બને છે, તેથી ગુજરાતની આ સંસ્કારી નગરીમાં થઇ રહેલા આ આયોજનથી મને પણ આનંદ થયો છે.'

રાજ્યના પ્રવાસન મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, 'હવે વાઇબ્રન્ટ મહોત્સવની જેમ આ ફેસ્ટિવલ દર બે વર્ષે યોજવાનું આયોજન કરી રહ્યા છીએ. આ વર્ષના ફેસ્ટિવલમાં ૨૩ થી ૨૬ જાન્યુઆરી દરમિયાન વડોદરામાં ૧૫ સ્થળો પર ૫૦ કાર્યક્રમો યોજાશે. જેમાં નૃત્ય, નાટક, શાસ્ત્રીય અને સુગમ સંગીત, મોટા મ્યુઝિક કોન્સર્ટ્સ, બાળકો માટે નાટ્યોત્સવ, ફુડ ફેસ્ટિવલ, હસ્તકળા મેળો, હેરિટેજ બસ રાઇડ, વિન્ટેજ કાર શો અને વિવિધ આર્ટ એક્ઝિબિશન્સ યોજાશે.

આ ફેસ્ટિવલના પ્રમોશન માટે ૧૬ થી ૧૯ જાન્યુઆરી દરમિયાન પણ એક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુગમ સંગીત, બોલિવુડના ગુજરાતી ગાયકોનો કાર્યક્રમ ગુજ્જુ રોક્સ, લોકનૃત્યો, લોક ડાયરો, મુશાયરો, શામ એ ગઝલ અને વડોદરા ડે મ્યુઝિકલ નાઇટ જેવા કાર્યક્રમો યોજાશે.' આ ફેસ્ટિવલમાં 'એ આર રહેમાન ઉપરાંત, આશા ભોંસલે, હરિપ્રસાદ ચૌરસિયા, શિવમણી, અનુપમ ખેર, પરેશ રાવલ, સોનુ નિગમ, સુનિધિ ચૌહાણ, ઇશા શરવાની, ગીતા ચંદ્રન, કૈલાશ ખેર, મનોજ જોશી, શરમન જોશી અને નંદિતા દાસ જેવા કલાકારો વિવિધ કાર્યક્રમો રજૂ કરશે.