શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 19 ઑક્ટોબર 2016 (23:31 IST)

ગુજરાતી ફિલ્મોનું માર્કેટ જામ્યુ પણ એક પ્રોડ્યુસર બીજી વાર મેદાનમાં કેમ નથી આવતાં.

આજકાલ અર્બન ગુજરાતી ફિલ્મોના નામે ગુજરાતી ફિલ્મોનું માર્કેટ ગરમ થઈ રહ્યું છે, કલાકારોને કામ તો સારૂ મળે છે તે ઉપરાંત ગુજરાતના જે કલાકારો મુંબઈમાં કામ કરે છે તેઓ વધુ આ ફિલ્મોમાં જોવા મળે છે. પણ ગુજરાતના સ્થાનિક કલાકારોને તો કોઈ ભાવ પણ પુછતું નથી. આવી જ ઘટના પ્રોડ્યુસરો સાથે થઈ છે. કેટલાક એવા પ્રોડ્યુસરો છે જે એક વાર ફિલ્મ બનાવીને બીજી ફિલ્મ બનાવવાનું જોખમ ખેડવા નથી માંગતાં. તે ઉપરાંત કેટલાક દિગ્દર્શકો પણ એવા છે જે હવે ગુજરાતી ફિલ્મો બનાવવામાં રસ નથી દાખવતાં. જે ફિલ્મો આવે છે તેમાં ખાસ કરીને મુંબઈ બેઝ ફિલ્મો હોય છે. આ ફિલ્મોમાં મુંબઈના જ રૂપિયા લાગેલા હોય છે.

ગુજરાતી ફિલ્મોના પ્રોડ્યુસરો એક વાર ફિલ્મ બનાવ્યા બાદ કયા કારણો સર બીજી ફિલ્મ બનાવવાનું નથી વિચારતા એ બાબતે કેટલાક ફિલ્મ નિષ્ણાંતોનું કહેવું છે કે એક વાર ફિલ્મ બનાવીને તેનું પ્રદર્શન સિનેમામાં થતું નથી. થિયેટર માલિકો ગુજરાતી ફિલ્મોને જોઈએ તેટલા શો આપતા નથી આને કારણે ફિલ્મોનું બજેટ કાઢવું પણ પ્રોડ્યુસરો માટે કાઠું સાબિત થાય છે. મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં યોગ્ય સમયે શો ના મળતાં ફિલ્મોને દર્શકો પણ મળતાં નથી. જેથી ફિલ્મનું બજેટ પણ નિકળી શકતું નથી. બીજી તરફ એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ગુજરાતમાં ગુજરાતી ફિલ્મોનું ડીસ્ટ્રીબ્યુશન કરે એવો કોઈ ડીસ્ટ્રીબ્યુટર્સ નથી કે નવો પેદા થવા દેવામાં આવતો નથી. જેના કારણે ફિલ્મો ક્યાં ચલાવવી અને ક્યાં વેચવી એ પ્રોડ્યુસરોની સમજમા જ નથી આવતું.
સ્થાનિક પ્રોડ્યુસરોમાં એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ફાઈનાન્સ લઈને બનાવેલી ફિલ્મમાં બજેટ જેટલી પણ આવક ના થાય તો શું કરવાનું સિનેમામાં શો જ મળતાં નથી. બોલિવૂડની ફિલ્મોને જોઈએ તેટલા શો આપવામાં આવે છે. તો પ્રાદેશિક ફિલ્મોને કેમ આપવામાં આવતાં નથી. હવે તો ફિલ્મોનું માર્કેટ પણ જામ્યું છે. તો સિનેમા માલિકોને ક્યાં પેટમાં દુઃખે છે. એક કરોડના બજેટમાં બનેલી ફિલ્મ માંડ 20 થી 25 લાખ ભેગા કરી શકે છે. હાલમાં કેટલી ફિલ્મો બની અને કેટલી ફિલ્મો રિલીઝ થઈ એ કહેવું પણ મુશ્કેલ છે. કારણ કે માર્કેટિંગનો અભાવ અને સિનેમામાં પુરતા શો ના મળવાના કારણે ફિલ્મો કેવી રીતે ચલાવવી એ એક સવાલ થઈ ગયો છે. પ્રોડ્યુસરોનું કહેવું છે કે આ માટે સિનેમામાં ફિલ્મ રિલીઝ કરવા માટે સરકારે હસ્તક્ષેપ કરવો પડશે કારણ કે કેટલાક  ડિસ્ટ્રીબ્યુટરો પોતાની મનમાનીથી ફિલ્મો ચલાવી રહ્યાં છે, જો ફિલ્મોને શો નહીં મળે તો આ ઈન્ડસ્ટ્રી ક્યાં જઈને અટકશે એનો કોઈ પત્તો જડે એમ નથી.