શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 12 એપ્રિલ 2017 (10:10 IST)

અભિનેતા હવે ચંદન રાઠોડ મુન્ની માશીના નવા રૂપરંગમાં

ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા ચંદન રાઠોડે તેની અભિનયની કારકિર્દીની શરૂઆત 2002ના ઓક્ટોબર મહિનામાં શરૂ કરી હતી. તેઓ એપ્રિલ 2017 સુઘીમાં 90થી વઘુ ફિલ્મોમાં વિવિઘ પ્રકારના રોલ કરી ચૂક્યાં છે. હવે તેમની આવનારી ફિલ્મો વિશે વાત કરીશું.  આ અંગે ચંદન રાઠોડે જણાવ્યું હતું કે આવનારા સમયમાં મારી ત્રણ ફિલ્મો રિલીઝ થવાની છે. ત્રણેય ફિલ્મો એકબીજાથી બિલકુલ અલગ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે "અમું આદિવાસી" નામની ફિલ્મમાં તેમનું કેરેક્ટર એક અભણ પ્રકારના મોટાભાઈનું છે. " દિલ દોસ્તી લવ ઈન લાઈફ"માં આજના સ્ટ્રગલ કરતાં યુવાવર્ગની વાત છે. જ્યારે "સમયચક્રમાં" મુન્ની માસીનું કેરેક્ટર છે. 
"અમું આદિવાસી" નામની ફિલ્મમાં  બે ભાઈઓની વાત છે. જેમાં એક ભાઈ ગરમ મગજનો જંગલી પ્રકારનો માણસ છે. જેનો ઉછેર જંગલમાં જ થયો છે. તે જંગલના કાયદા કાનૂનમાં માને છે. જ્યારે તેનો નાનો ભાઈ ભણેલો ગણેલો અને સંસ્કારી છે. જે જંગલરાજમાં બિલકુલ નથી માનતો. એ કાયદોવ્યવસ્થામાં માનનારો છે. બંને ભાઈઓના વિચારો એકબીજાથી ભિન્ન છે. આ વૈચારિક મતભેદના કારણે ગેરસમજ થાય છે અને બંને ભાઈઓ એકબીજાના દુશ્મન બની જાય છે. સારી તફાવત વાળી વાર્તા છે. આ ફિલ્મની વાર્તા શિક્ષણ પર ભાર મુકે છે. આજના યુગમાં શિક્ષણ કેટલું મહત્વનું છે. એનો સંદેશ આ ફિલ્મમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. 

 " દિલ દોસ્તી લવ ઈન લાઈફ" નામની ફિલ્મથી ચંદન રાઠોડ ફિલ્મ લેખનની પણ શરૂઆત કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે એક્કો બાદશાહ નામની ફિલ્મના શૂટિંગ સમયે એક રાત્રે તેમને આ ફિલ્મનો પ્લોટ યાદ આવ્યો હતો. તેમણે આ પ્લોટ એક કાગળ પર લખી નાંખ્યો અને ધીરે ધીરે તેને ડેવલપ કર્યો. આ પ્લોટ અમદાવાદ નંબર વન કેમેસ્ટ્રીના પ્રોફેસર અને શાળાના ટ્રસ્ટી શ્રી જે.એન. પટેલ સાહેબને પસંદ પડી ગયો અને આ ફિલ્મનું નિર્માણ કરવાનું નક્કી કર્યું. આ ફિલ્મમાં મુંબઈમાં કામ મેળવવા માટે સ્ટ્રગલ કરતા ચાર મિત્રોની વાત છે. તેઓ એક એવી સચ્ચાઈનો સામનો કરી રહ્યાં છે જે તેમની આંખો ખોલનારી છે.   આ ફિલ્મમાં ચાર સંગીતકારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સંગીતપણ સુમધુર બન્યું છે. ફિલ્મનું ટાઈટલ સોંગ સંગીતકાર સમિર રાવલે સરસ બનાવ્યું છે. બીજા ત્રણ ગીતોમાં અનવર શેખનું સંગીત છે તે ઉપરાંત સુનિલ હારનલ અને દેવઆશિષના પણ ગીતો છે. 


"સમયચક્ર" (A Time Slot) આ એક પારિવારિક ફિલ્મ છે. તેમાં ત્રણ પેઢીની વાત છે. પરિવાર સાથે જોડાયેલી લાગણીની વાત છે. તેની સાથે ફિલ્મમાં રોમાંસ અને સસ્પેન્સ પણ છે. ચંદનનું કહેવું છે કે આ ફિલ્મનું કેરેક્ટર ભજવવું ખૂબજ અઘરૂ હતું પણ મુન્ની માસીનું કેરેક્ટર એક કલાકાર તરીકે ચેલેન્જ હતી જેને મેં ઉપાડી લીધી હતી. આ રોલ પહેલા પરેશ રાવલને ઓફર કરવામાં આવ્યો હતો. પરંતું કોઈ કારણસર વાત જામી નહીં. પછી અમરબાપુએ ફિમેલના ગેટઅપમાં મારા ફોટા મંગાવ્યા. મેં મુન્ની માસીના ગેટઅપ વાળા ફોટા મોકલ્યા અને એ જોઈને અમરબાપુએ નક્કી જ કરી લીધું કે આ રોલ તો ચંદન જ કરશે. 

મુન્ની માસીના ગેટ અપ માટે મુર્હ્તના દિવસે તો 5 કલાકનો સમય લાગ્યો હતો. તેમજ નોર્મલમાં આ ગેટ અપ માટે ત્રણ કલાક જેટલો સમય લાગતો હતો તથા તેને ઉતારવા માટે એક કલાકનો સમય લાગતો હતો. આ પાત્ર મારા માટે ખૂબજ પડકારજનક પાત્ર હતું. આ પાત્રને જાજરમાન બનાવવામાં પ્રોડ્યુસર અને ડાયરેક્ટરની સાથે ડ્રેસ ડિઝાઈનર રજત. હેર ડ્રેસર મોના અને મેક અપ આર્ટીસ્ટ સતિષનો હું ખૂબજ આભારી છું.  

આ ફિલ્મને જાજરમાન બનાવવામાં નિર્માતાએ કોઈ કમી રાખી નથી. નયનરમ્ય લોકેશન, મોંઘા મોંઘા ડિઝાઈનર ડ્રેસ અને સાડી ઉપરાંત આ મુવીમાં એક ખાસ આકર્ષણ છે મમતા સોની. જેણે આ મૂવીમાં એક આઈટમ સોંગ પણ કર્યું છે. હાઈલાઈટ સોંગ કહેવાય એવું મા દિકરીનું એક સોંગ જેને ફિલ્માવવામાં ત્રણ દિવસ થયાં હતાં. 

 મને યાદ છે 21-10-2002 ના દિવસે મે મારી પ્રથમ ફિલ્મ ધૂળકી તારી માયા લાગી નો પ્રથમ શોટ આપ્યો હતો. ત્યાર પછી અત્યાર સુધીમાં 90 ફિલ્મો પુરી કરી છે. ઉપરાંત મુવીમાં લવરબોય, ટ્રાયંગલ લવ સ્ટોરી વાળી ફિલ્મો કરી છે. તો કેટલાક અલગ અલગ પાત્રો વાળી ફિલ્મો પણ કરી છે.  ધૂળકીનો નાથિયો, પ્રાણ જાય પણ પ્રિત ના જાયનો પ્રવિણ, ઈન્સપેક્ટર અર્જુન, એક્કો બાદશાહ રાણીનો ત્રિપલ રોલ., ગોવિંદભાઈ પટેલની છેલ્લી ફિલ્મ સરહદની કોઈ સરહદ પ્રેમને રોકી શકતી નથી. જે હરીશભાઈએ પુરી કરી એનો વિલન રફિકનો રોલ, અને હવે સમયચક્રનો મુન્ની માસીનો રોલ મેં કર્યાં છે. ચંદનને બીજો સવાલ પૂછવામાં આવ્યો હતો કે હવે આગળનો પ્લાનિંગ શું છે. ?

ચંદને સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે અત્યારે ફિલ્મોની સાથે સાથે સુખી લગ્ન જીવન માણી રહ્યો છું. એક સુંદર દિકરો પણ છે. એની સાથે શૂટિંગ સિવાયનો સમય વિતાવું છું. હિન્દી સિરિયલ પણ કરી રહ્યો છું. જોધા અકબર કરી, ક્રાઈમ પેટ્રોલના કેટલાક મહત્વના એપિસોડ પણ કર્યાં. તે સિવાય ભોજપુરી ફિલ્મો પણ કરી છે અને અત્યારે મીનાબેન ઘી વાલાની છુટાછેડા-2 પણ કરી રહ્યો છું.