ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ દેવતા
Written By વેબ દુનિયા|

ધર્મ વ્યક્તિગત અનુભવ, દેખાડો નથી

P.R
બૌદ્ધ સાહિત્યમાં ગૌતમ બુદ્ધને બોધિ પ્રાપ્ત થયાની વેળાની એક કથા આવે છે જે ઘણી સૂચક છે. તેઓ પૂર્ણિમાને દિવસે નેરંજના નદીને કિનારે બેસીને અંતિમ ઘ્યાનમાં ઉતરે છે. માર સાથે તેમને ઘણો સંઘર્ષ કરવો પડે છે. છેવટે મારનો પરાજય થાય છે અને બુદ્ધને સત્યનો સાક્ષાત્કાર થાય છે અને તેઓ નિર્વિકલ્પ સમાધિમાં ઊતરી જાય છે. બુદ્ધને સંસારનું રહસ્ય સમજાઇ ગયું. નિર્વાણ પ્રાપ્તિ થઇ ગઇ છતાંય તે સમાધિ છોડતા નથી. કહે છે કે તેઓ સાત દિવસ સુધી સમાધિમાંથી બહાર આવતા નથી.

દરમિયાન કેટલાય દેવ-દેવીઓ તેમના દર્શન માટે બ્રહ્મલોકમાંથી નીચે ઊતરી આવ્યા હતા. દેવલોકમાંથી ઈન્દ્રનું પણ આગમન થઇ ગયું હતું. સૌ અત્યંત આતુરતાથી બુદ્ધના સમાધિમાંથી બહાર આવવાની રાહ જોતા હતા પણ બુદ્ધ સમાધિમાંથી બહાર આવતા નથી. છેવટે ઈન્દ્ર- બ્રહ્મા જેવા અગ્રણી દેવોએ બુદ્ધને પ્રાર્થના કરતાં કહ્યુઃ ‘‘ભંતે! આપ સમાધિનો ત્યાગ કરીને પુનઃ યથાવત થઇ જાઓ અને આપને જે મળ્યું છે તે અમને વ્હેંચો. તમને સમાધિમાં શું પ્રાપ્ત થયું, તમને શું અનુભૂતિ થઇ તે જાણવા અમે આતુર છીએ. અઘ્યાત્મના અતિ ઉંચા શિખરને સ્પર્શીને આપે શું જોયું- શું જાણ્યું તેની સકળ સંસારને જાણ કરો તો ચરમ લક્ષ્ય શું છે- તેને કેવી રીતે સિદ્ધ કરી શકાય તેનો ખ્યાલ આવી જાય. તમારી પાસેથી સંસારનું રહસ્ય જાણીને અમે પણ સમૃદ્ધ થઇએ અને અમારા જીવનને સાર્થક બનાવવાનો માર્ગ અમને મળી જાય.

‘‘અમે કેટલાય સમયથી કોઇના બુદ્ધ બનવાની રાહ જોઇ રહ્યા હતા કે જે સંસારનો પાર પામીને અમને બોધ આપે, મુક્તિનો માર્ગ બતાવે પણ આપ તો સમાધિનો ત્યાગ કરતા જ નથી, તો પછી દુઃખ મુક્તિનો માર્ગ કોણ બતાવશે? શું આ સંસાર આમને આમ દરિદ્રી જ રહી જશે? હવે આપ સમાધિનો ત્યાગ કરો અને અમને બોધ આપીને જીવનને સાર્થક કરી લેવાનો માર્ગ બતાવો- દિશા ચીંધો. તમારી અમૃતમય વાણી સાંભળવા અમે સૌ તત્પર થઇને ઊભા છીએ.’’
દેવોની આદ્ર વિનંતીની છેવટે બુદ્ધ ઉપર અસર થઇ અને તેમણે સમાધિ સમેટી લીધી. બ્રહ્મરંધ્રમાં સ્થિત થયેલ ચેતના શરીરમાં નીચે ઊતરી આવી અને તેમનો દેહ પુનઃ ચેતનવંતો થઇ ગયો. તેમને સક્રિય થતા જોઇને દેવો હર્ષમાં આવી ગયા.

બુદ્ધે એકત્રિત થયેલા સૌ તરફ કરૂણાદ્રષ્ટિ નાખતાં કહ્યું, ‘‘હવે બોલવાવાળું કોઇ મારામાં રહ્યું જ નથી ત્યારે કોણ બોલશે અને કોણ સમજશે? ‘અહં’નો સંપૂર્ણ વિલય થઇ ગયો છે. હવે કોઇ બચ્યું નથી ત્યારે કહે કોણ? વળી મેં જે જોયું- અનુભવ્યું, મને જેનો સાક્ષાત્કાર થયો તે કેવી રીતે તમને સમજાવું તેની મને સમજણ નથી પડતી અને તમે તે વાત સમજશો પણ કેવી રીતે?’’

છતાંય દેવતાઓ ન માન્યા અને હઠ લઇને બેઠા કે અમને કંઇક કહો ને કહો જ. ત્યારે બુદ્ધે કહ્યું, ‘‘મારી અંદર જે ઘટિત થયું છે તે વિશે કોઇએ મને મારી સમાધિ પૂર્વે કહ્યું હોત તો હું તે સમજી શક્યો ન હોત. તો તમે કેવી રીતે સમજશો? વળી અઘ્યાત્મપથની યાત્રાએ નીકળેલા જે જીવો છે તે મારા કહ્યા વિના પણ હું જ્યાં પહોંચ્યો ત્યાં છેવટે પહોંચી જ જવાના છે અને જેઓએ હજુ આ પથ ઉપર ડગલુંય નથી ભર્યું- જેમના દિલમાં જન્મ-જરા, સુખ-દુઃખ વિશે જિજ્ઞાસા પણ નથી થઇ તેમની સમક્ષ વાત કર્યાનો કંઇ અર્થ જ નથી. તેઓ તો કંઇ સમજવાના નથી અને સાંભળવાનાય નથી.’’
દેવતાઓએ બુદ્ધની સામે મીઠી દલીલ કરતાં કહ્યું, ‘‘ભંતે! તમારી વાત સાચી છે. આ દુનિયામાં એવા કેટલાય લોકો છે કે જેમને જીવનના લક્ષ્ય વિશે કોઇ જિજ્ઞાસા જ નથી અને એવા કેટલાય લોકો છે કે જેમને લક્ષ્ય મળી ગયું છે પણ ત્યાં પહોંચ્યા નથી પણ તેઓ લક્ષ્યસિઘ્ધિના માર્ગે છે.

કદાચ આ બંને પ્રકારના લોકોને તમારો ઉપદેશ એટલો ઉપયોગી ન નીવડે, પણ આ બંને પ્રકારના લોકોની વચ્ચે અમારા જેવા કેટલાય દેવો અને મનુષ્યો છે કે જેમને લક્ષ્યની સિદ્ધિનો માર્ગ મળ્યો નથી.
તેમના માટે આપનો ઉપદેશ અમૂલ્ય થઇ પડશે. માટે આપ આપની અનુભૂતિને- જ્ઞાનને સ્વયંમમાં સીમિત ન રાખતાં અન્યજનોના લાભાર્થે વહેવા દો. તમારી અમૃતવાણી વહેતી થશે તો કેટલાય લોકો તેનું પાન કરીને પાવન થઇ જશે અને તેમને લક્ષ્યસિઘ્ધિનો નિર્વાણનો પથ મળી જશે.’’

દેવોની વિનંતી સાંભળીને બુદ્ધ છેવટે ઉપદેશ દેવા માટે તૈયાર થઇ ગયા અને તેમણે જે જોયું, જાણ્યું અને અનુભવ્યું તે બઘું તેમણે બહુજન સમાજ સમક્ષ મૂકવા માંડ્યું.

બાકી સમાધિમાં આનંદનો જે અનુભવ થાય છે, શાંતિનો જે અહેસાસ થાય છે અને મુક્તિની જે પ્રસન્નતા વર્તાય છે તે સીધે સીધી વર્ણવી શકાતી નથી કે કહી શકાતી નથી. સમાધિની ઉપલબ્ધિ, સત્યનો સાક્ષાત્કાર શબ્દાતીત હોય છે. તેથી ઘણીવાર કેટલાય સિઘ્ધાત્માઓ તે વિશે મૌન રહે છે. તેમની અનુભૂતિ તેમના પુરતી જ સીમિત રહી જાય છે. પરંતુ ક્યારેક ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર કે શંકરાચાર્ય જેવા મહાત્માઓ સર્વ જીવો પ્રતિની કરૂણાથી પ્રેરાઇને તેમણે જે પ્રાપ્ત કર્યું અને જે રીતે પ્રાપ્ત કર્યું તે કહેવાની ચેષ્ટા કરે છે અને તેમાંથી બહુજનસમાજને ધર્મનો માર્ગ મળી જાય છે.
વાસ્તવિકતામાં તે ઇંગિતો કે સંકેતો હોય છે તેનાથી તેમની અનુભૂતિનો પૂર્ણ ખ્યાલ તો ન જ આવે પણ થોડોક અણસાર મળી રહે. ઘણીવાર એવું પણ બને છે કે એ મહાત્માઓએ જે કહ્યું તે વખત જતાં એક મુખેથી બીજે મુખે પરંપરાથી કહેવાતું જાય છે અને સમયની સાથે તેમાં ઘણો બદલાવ થતો જાય છે.

તમે જે મહાત્માઓને અનુસરો છો અને જે ધર્મ પાળો છો તે તેના યથા- તથા સ્વરૂપે ભાગ્યે જ અત્યારે રહ્યો હશે. ધર્મ એ તદ્દન વ્યક્તિગત અનુભવ છે જેને પૂર્ણતયા કોઇ આપી શકતું નથી. બાકી સ્વાનુભવ જેવો કોઇ વાસ્તવિક ધર્મ નથી અને તે માટે અજ્ઞાત પથ ઉપર તમારે પોતે જ યાત્રા કરવી રહે અને તમારો માર્ગ ચાતરવો પડે.