શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. હોળી
Written By વેબ દુનિયા|

ભગવાન વિષ્ણુએ ગુજરાતનાં તળાજા ગામે નૃસિંહ અવતાર ધારણ કરીને હિરણ્ય કશ્યપનો વધ કર્યો હતો

P.R
હોળી-ધૂળેટીના ઉત્સવની ઉજવણીમાં દેશભરમાં ભારે ઉલ્લાસપૂર્વક તૈયારીઓ ચાલી રહી છે. હોળીનો તહેવાર અબાલવૃદ્ધ સૌ કોઈ સમાનતા અને પ્રેમપૂર્વક ઉજવે અને તે આપણને પરસ્પરના ભેદભાવ મિટાવવાનો અને રંગોની બૌછાર દ્વારા આનંદમય જીવન જીવવાનો સંદેશો આપે છે. આ તહેવારનું દેશના ખાસ કરીને ઉત્તરભારત, રાજસ્થન તથા ગુજરાતમાં વિશેષ ધાર્મિક મહત્ત્વ પણ છે.

... હોળીના આ તહેવારનું શ્રેય ગુજરાતને જાય છે એવું એક સંશોધન દરમ્યાન બહાર આવ્યું છે. ભગવાન વિષ્ણુએ દશાવતારો ધારણ કર્યા હતા અને તેમાંય નૃસિંહ અવતાર ગુજરાતમાં ધારણ કરીને હિરણ્ય કશ્યપ નામના રાક્ષસનો વધ કર્યો હતો તેવું પણ આ સંશોધનમાં માલુમ પડયું છે.

એટલું જ નહિ હિરણ્ય કશ્યપે દુષ્ટ ચાલ હેઠળ હોળી પ્રગટાવીને તેની બહેન હોલિકાની ગોદમાં ભકત પ્રહૂલાદને બેસાડીને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો અને તે પછી નૃસિંહ ભગવાને હિરણ્ય કશ્યપનો વધ કર્યો તે ઘટના સૌરાષ્ટ્રના ભાવનગર જીલ્લાના તળાજા ગામે બની હતી એવું ગુજરાતના ઇતિહાસવિદૂ ડો. કે. સી. સગરે તેમના વર્ષોના સંશોધન બાદ પ્રતિપાદિત કર્યું છે. તેઓ ગુજરાત રાજ્યના સેટલમેન્ટ કમિશ્નર હતા ત્યારે તેમણે આ સંશોધન કર્યું હતું.

લોકકથા મુજબ હિરણ્ય કશ્યપ રાક્ષસ ગુફામાં રહેતો હતો અને હરણનું ચામડું પહેરતો હતો. તેથી તે હિરણ્ય કશ્યપ નામથી ઓળખાતો હતો. તેનો પુત્ર પ્રહૂલાદ વિષ્ણુ ભગવાનનો પરમ ભકત હતો તે તેને પસંદ નહોતું. આથી તે પ્રહૂલાદને મારી નાંખવા વ્યાકુળ હતો. હિરણ્યની બહેન હોલિકાને તે આગમાં બળી ન જાય તેવું વરદાન હતું. જેનો લાભ લઈને આ રાક્ષસે હોલિકાની ગોદમાં પ્રહલાદને બેસાડીને આગ (હોળી) પ્રગટાવી હતી. આમ છતાં હોલીકા ભડભડ સળગી ગઈ અને ભગવાનની કૃપાથી પ્રહૂલાદનો વાળ પણ વાંકો થયો નહી અને તે હેમખેમ બચી ગયો. આ ઘટના પછી હોળીનો તહેવાર ભારતભરમાં મનાવવામાં આવે છે.

પોતાના સંશોધન બાદ ડાઁ. સગરે એવો દાવો કર્યો હતો કે, હોળી દહનનો આ પ્રથમ બનાવ ભાવનગરના તળાજા ગામમાં આવેલી એક ગુફામાં બન્યો હતો. વાસ્તવમાં આ જ ગુફામાં હિરણ્ય કશ્યપ આજથી ૩૪૦૦ વર્ષ પહેલાં તેની પત્ની, પુત્ર પ્રહૂલાદ અને બહેન હોલિકા સાથે રહેતો હતો.

હિરણ્ય કશ્યપે ભકત પ્રહલાદને ભગવાનને ભૂલી જવા અને પોતે જ સર્વેસર્વા છે તેવો દુરાગ્રહ સેવી પ્રહૂલાદને ટેકરી પરથી ગબડાવી પાડવાની કે દરિયામાં નાંખી દેવાની ધમકીઓ પણ આપી હતી અને છેવટે ધગધગતા ગરમ થાંભલાને ભેટવાની પણ ફરજ પાડી હતી પરંતુ આ જ થાંભલામાંથી ભગવાને નૃસિંહ અવતાર ધારણ કરીને હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો એ પુરાણ કથા પણ જાણીતી છે. ત્યારે આ ઘટના પણ ઉપર્યુકત ગુફાના પ્રાંગણમાં બની હતી એવું પણ આ સંશોધનમાં બહાર આવ્યું છે. જેના પુરાવારૂપે આ સ્થળે હિરણ્ય કશ્યપ વધનું પથ્થરનું શિલ્પ પણ મોજુદ છે !